રવીન્દ્રપર્વ/૨૯. પૂર્ણતા

Revision as of 08:58, 2 October 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૯. પૂર્ણતા| }} <poem> સ્તબ્ધ રાતે એક દિન નિદ્રાહીન આવેગના આન્દ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૨૯. પૂર્ણતા

સ્તબ્ધ રાતે એક દિન
નિદ્રાહીન
આવેગના આન્દોલને સખી,
કહ્યું હતું નત શિરે
અશ્રુનીરે
ધીરે મમ કરતલ ચૂમી, —
‘તમે દૂરે જાઓ યદિ
નિરવધિ
શૂન્યતાના સીમાશૂન્ય ભારે
સમસ્ત ભુવન મમ
મરુ સમ
રુક્ષ થઈ જશે સાવ અરે!
આકાશવિસ્તીર્ણ ક્લાન્તિ
સર્વ શાન્તિ
ચિત્ત થકી કરશે હરણ
નિરાનન્દ નિરાલોક
સ્તબ્ધ શોક —
મરણથી અદકું મરણ.’
સુણી, તવ મુખપદ્મ
વક્ષે લેઈ
કહ્યું હતું તને ધીરે કાને, —
‘તું જો સખી, જાય દૂરે
તારા સૂરે
વેદનાવિદ્યુત્ ગાને ગાને
ઝળકી ઊઠશે નિત્ય
મમ ચિત્ત,
ચોંકી જશે વારે વારે તેજે;
વિરહ વિચિત્ર ક્રીડા
સદા કાળ
કરશે કોમળ વક્ષે નેત્રેહ્મ
શોધી તું કાઢીશ પ્રિયે,
જઈ દૂરે
મર્મનું નિકટતમ દ્વાર, —
મારા આ ભુવને ત્યારે
પૂર્ણ થશે
તારો એ ચરમ અધિકાર.’
બે જણે કરેલી વાત
કાને કાને
સુણી ગયા સપ્તષિર્ના તારા.
રજનીગન્ધાને વને
ક્ષણે ક્ષણે
વહી ગઈ એ વાણીની ધારા.
ત્યારે પછી ગૂપચૂપે
મૃત્યુ રૂપે
વચ્ચે આવ્યો વિચ્છેદ અપાર.
દર્શન શ્રવણ ગયાં,
સ્પર્શહીણાં
એ અનન્તે મૌનનો ના તાગ.
તોય શૂન્ય નથી શૂન્ય,
વ્યથામય
અગ્નિબાષ્પે પૂર્ણ એ ગગન
હું એકાકી એ અગ્નિએ
દીપ્ત ગીતે
રચ્યા કરું સ્વપ્નનું ભુવન.
વાણી : આષાઢ-શ્રાવણ ૨૦૦૪