રવીન્દ્રપર્વ/૪૯. દૂત

Revision as of 10:40, 2 October 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૯. દૂત| }} <poem> હું તો હતી વિષાદે મગના અન્યમના તમારા વિચ્છેદઅ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૪૯. દૂત

હું તો હતી વિષાદે મગના
અન્યમના
તમારા વિચ્છેદઅન્ધકારે.
એવે સમે નિર્જનકુટીરદ્વારે
અકસ્માત્
કોણે કર્યો કરાઘાત?
ને કહ્યું ગમ્ભીર કણ્ઠે: ‘અતિથિ આવ્યો છે, ખોલો દ્વાર.’
મને થયું
સુણ્યો શું જાણે તમારો સ્વર,
એ જાણે દક્ષિણાનિલ ફેંકી ફાલ્ગુની મદિર
દિગન્તે આવ્યો છે પૂર્વદ્વારે,
પાઠવ્યો નિર્ઘોષ જાણે વજ્રધ્વનિમન્દ્રિત મલ્હારે.
કમ્પી ઊઠ્યું વક્ષતલ,
વિલમ્બ કર્યો ના તોય અર્ધપલ.
ઘડીમાં લૂછ્યાં મેં અશ્રુવારિ,
વિરહિણી નારી,
છોડ્યું મેં તમારું ધ્યાન તમારાં સમ્માને, —
દોડી જઈ ઊભી દ્વારે.
ને મેં પૂછ્યું: ‘તું છે દૂત કોનો?’
એણે કહ્યું: ‘હું તો છું બધાંનો.’
જે ઘરે તમારી શય્યા એક દિન બિછાવી આદરે
બોલાવ્યો મેં તે જ ઘરે એને.
પછી લાવી અર્ઘ્યથાળ,
પ્રકટાવી દીપમાળ.
જોઉં છું તો સોહે એને ભાલે
જે માળા પ્હેરાવી હતી મેં તમને વિદાયવેળાએ.
(મહુધા)