રવીન્દ્રપર્વ/૧૬૨. પત્રમર્મર

Revision as of 08:32, 5 October 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૬૨. પત્રમર્મર| }} {{Poem2Open}} મારું મન સ્વભાવથી જ નદીની ધારાના જે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧૬૨. પત્રમર્મર

મારું મન સ્વભાવથી જ નદીની ધારાના જેવું છે, એનું ચાલવું અને બોલવું એક સાથે જ. મૂકની જેમ એ અવાક્ બનીને વહી શકે નહીં. એ કાંઈ સારી આદત નહીં કહેવાય, કારણ કે ભૂંસી નાખવા જેવી વાતનેય લખી કાઢ્યાથી એને સહેજે સ્થાયિત્વ આપવા જેવું થાય; જેને ટકી રહેવાનો અધિકાર નહીં તેય ટકી રહેવાને માટે લડવા તૈયાર થઈ જાય. પ્રકૃતિએ જેમને જીવવાનો પરવાનો આપીને મોકલ્યા નથી તેવા ઘણાય માણસો દાક્તરી વિદ્યાની ઉન્નતિને પ્રતાપે નકામા જીવ્યે જાય છે. એઓ જીવલોકના અન્નનો ધ્વંસ કરે છે. આપણા મનમાં ગમે ત્યારે જે કાંઈ ઊગી આવે તેને દાખલ થવાનો પરવાનો આપવો કે નહીં તેનો વિચાર સરખો મનમાં લાવ્યા વિના જો લેખનરાજ્યમાં દાખલ થઈ જવા દઈએ તો એ ભારે ગોટાળો ઊભો કરી મૂકે. જે વાત અલ્પજીવી હોય તેને લાંબું આયુષ્ય આપવાની શક્તિ સાહિત્યકારની કલમમાં છે. તેથી સાહિત્યને ખાસ નુકસાન નહીં જતું હોય, પણ વ્યવહારમાં તો નુકસાન થાય છે જ. બધી જ વખતે એથી કશું અનુચિત થાય છે એમ તો નહીં કહેવાય. પણ જીવનયાત્રામાં ડગલે ડગલે રૂપ આપ્યે જતા રૂપકારના કરતાં ચૂપ રહેનાર ‘ચૂપકાર’ વધારે સારો. હું પોતે પ્રગલ્ભ છું, પણ જેઓ ચૂપ રહી જાણે છે તેમને માટે મને માન છે. જે મન સહેજ સહેજમાં ઘાંટાપાડીને વાત કહેવા બેસી જાય છે તેને હું આજના અહીંના નિર્મળ આકાશ નીચે વૃક્ષની છાયામાં બેસીને ચૂપ રાખવાનો પ્રયત્ન કરી રહ્યો છું. એ મૌનમાંથી શાન્તિ પ્રાપ્ત થાય. સત્યને પણ પામી શકાય. પ્રત્યેક નૂતન અવસ્થાની સાથે જીવનનો મેળ બેસાડવા જતાં ઘણી જગ્યાએ આઘાત સહેવા પડે છે. તે સમય પૂરતા તે આઘાત પ્રચણ્ડ લાગે છે. બાળક નવું નવું ચાલતાં શીખે તે પડે આખડે તે જોઈને જો આપણે આહાઊહુ કરવા બેસીએ તો બાળકને રડાવી મૂકીએ. જેનામાં બુદ્ધિ હોય તે એવે વખતે ચૂપ રહે. કારણ કે બધું જ યાદ રાખવામાં મનની શ્રેષ્ઠ શક્તિનો પરિચય થાય છે એવું નથી. ભૂલી જવા જેવી વસ્તુને ભુલાવી દેવામાંય એની શક્તિનો જ પરિચય થાય છે. ... ગયે અઠવાડિયે તારી એ પરિચિત ફાઉન્ટન પેનને મેં આરામ લેવા દીધો છે. એ દરમિયાન મારા શનિગ્રહે એક દિવસ રાતે બે વાગ્યાના સુમારે મને પડકાર્યો. ત્યારે હું પથારીમાં સૂતેલો હતો. એકાએક હાડને વીંધી નાખતી ઠંડી હવા સૂ...સૂ કરતી આવીને મને વિક્ષુબ્ધ કરી ગઈ. માથા આગળનું બારણું જોરથી બંધ કરવા જતાં એ બારણાએ મારા જમણા હાથની વચલી આંગળીને કચડી નાખી. એ વચલી આંગળી જ બાલ્યકાળથી નીચી નમીને મારી લેખિનીનો ભાર વહેતી આવી છે. મારા સાહિત્ય-ઇન્દ્રનાં બે વાહન છે. એક તો અંગૂઠો: એ ઐરાવત, ને બીજી મધ્યમિકા. એને ઉચ્ચૈ:શ્રવા કહી શકાય. એ ભારે જખમી થઈ છે. એથી મિસ પટ્ને સેવા કરવાની તક મળી. શુશ્રૂષા ભારે જોરમાં ચાલે છે. પાટાના આવરણથી આંગળીએ ઇજિપ્તના ‘મમી’ના જેવો આકાર ધારણ કર્યો છે. નખ એના હોદ્દાનું રાજીનામું તો આપી ચૂક્યો છે, છતાં ડગમગતી અવસ્થામાં એ હજુ એના સ્થાનને વળગી રહ્યો છે ખરો. એ પૂરેપૂરો પદત્યાગ કરે તો મારો છુટકારો થાય. એ તો જે બને તે ખરું, પણ લખવાનું કામ ભારે દુ:સાધ્ય બની ગયું છે. લખવાનો વિષય ગમે તે હોય, એની પંક્તિએ પંક્તિએ મારી એ લંગડાતી આંગળી કરુણ રસનો સંચાર કરે છે. એ તને પહેલેથી જ કહી રાખું, કારણ કે પત્રના દીર્ઘપ્રસ્થનું પરિમાણ માપીને જ્યારે તું જમા-ઉધારનો તુલનાત્મક હિસાબ કરવા બેસશે ત્યારે આ વ્યથાના પરિમાણને તારે મારા ખાતામાં ઉમેરવાનું રહેશે. આ વખતે તો નહિછૂટકે પત્રને ટુંકાવવો જ પડશે. માત્ર એક વાત સંક્ષેપમાં કહી દઉં: જ્યારે કોઈનેય વિશે મારા મનમાં વ્યક્તિગત વિક્ષોભ ઉદ્ભવે છે ત્યારે એની તીવ્રતા અંદર અંદરથી મારે પક્ષે લજ્જાનું કારણ બની રહે છે. એ આત્મપીડનથી ઘણી વસ્તુ કદરૂપી બનીને દેખા દે છે. એના કદરૂપાપણાને જ્યારે મનમાં ખેંચી લઉં છું ત્યારે મારું મન ‘હાર થઈ’ એમ કહી દે છે. બહારના પર કંટાળીને જ્યારે અંદરના સામંજસ્યને છિન્નવિચ્છિન્ન કરી દઉં છું ત્યારે એથી મને જ નુકસાન થાય છે. એ વાત ઘણી વાર યાદ રહેતી નથી, પણ મનનો વિક્ષોભ કોઈક કારણે થોડાક વધારે દિવસ સ્થાયી બનીને રહે છે તો તરત એ નુકસાનનો ચહેરો સ્પષ્ટ વરતાઈ આવે છે. કશાય કારણે પોતાની જાતને નીચી પાડવા જેવી મૂર્ખાઈ બીજી એક્કેય નથી. ઠીક રીતે આત્મવિશ્લેષણ કરી જોતાં એક વસ્તુ મારી નજરે પડે છે, ને તે એ કે મારું સાચું કર્તવ્ય સૌન્દર્યબોધ જ છે. જ્યારે બહારની સાથે મન કલહ કરવાને તૈયાર થઈ જાય છે ત્યારે એવી બધી ઇતરતામાં હું મારી જાતને અસુન્દર જ લાગું છું. તેથી કષ્ટ પણ પામું છું. આત્મમર્યાદાની પણ એક શોભા છે, પ્રવૃત્તિને વશ થઈને આત્મવિસ્મૃત બની એને જ જ્યારે ક્ષુણ્ણ કરી બેસું ત્યારે તરત જ મનમાં ધિક્કાર ઉદ્ભવે. મારામાં બન્ધનનું જોર ભારે હોવાથી જ મુક્તિને માટેનો આગ્રહ પણ આટલો પ્રબળ છે. મારા વ્યવહારમાંની આ બે શક્તિના પરસ્પર વિરોધમાં થઈને જ અહીં સુધી સંસારને માર્ગે યાત્રા કરતો આવ્યો છું. હવે કદીક કદીક આ ઘરની સામેના રસ્તા પર એકલો એકલો ફરતો હોઉં છું ત્યારે વિચાર આવે છે કે હવે બધું ભાંગ્યુંતૂટ્યું એકઠું કરી લેવાનો સમય રહ્યો છે ખરો? મારી પેલી આંગળી હજુ કેદમાં જ છે. જેમણે એને એ અવસ્થામાં રાખી છે તેઓ કહે છે કે એ હતભાગી હજુ આત્મશાસનનો અધિકાર પામવાને યોગ્ય થઈ નથી. લખવાનું કામ લગભગ બંધ થઈ ગયું છે. મારી કલમ લંગડાતી વચમાં વચમાં એકાદ ગીત માત્ર લખી નાખે છે. ‘માત્ર’ કહું છું તે જનસાધારણની માત્રાને ધ્યાનમાં રાખીને. કાવ્યરચનાનેય એ લોકો માપ લઈને માપવા તૈયાર થાય છે. કાવ્યના રાજ્યમાં દસ લીટીનું એ ગીત પણ અભિજાત હોઈ શકે છે એ વાત એમને સમજાવવી ભારે મુશ્કેલ. મુંબઈની કેરી કરતાં દેશી કોળાનું એ લોકો વધારે ગૌરવ કરે ત્યારે જો સન્દેહ બતાવવા જઈએ તો તરત જ ત્રાજવાં હાજર કરી દે. મનમાં નક્કી કર્યું છે કે ‘મેલેરિયાવધ’ નામનું એક મહાકાવ્ય લખીશ ને એમાં ક્વીનાઇનને પ્રધાન નાયક બનાવીશ. કેરોસીનના તૈલબાણથી મચ્છરોના સૈન્યનો નાશ કરવાને ફરી સંગ્રામ થશે. એ વર્ણનનો પ્રધાન વિષય હશે. સાત સર્ગમાં બરોળ અને કાળજાની વિકૃતિ તથા મુક્તિનું વર્ણન કરીને ક્ષુદ્રકાય કાવ્યરચનાનું કલંક દૂર કરવાની ઇચ્છા છે. તેં મને પત્ર લખ્યો છે શાન્તિનિકેતન, મને મળ્યો અહીં, એટલે કે શિલાઇદહમાં. તું અહીં કદી આવી નથી, એટલે આ સ્થળ કેવું છે તે તું જાણી શકવાની નથી. બોલપુર સાથે આ જગ્યાના ચહેરાનો સહેજ પણ મેળ ખાય એમ નથી. ત્યાંનો તડકો વિરહીના જેવો, મેદાન વચ્ચે એકલો બેસીને દીર્ઘ નિ:શ્વાસ નાખ્યા કરે. એ તપ્ત નિ:શ્વાસમાં ત્યાંનું ઘાસ સુકાઈને હળદવરણું થઈ જાય છે. અહીં એ તડકાનો એની સહચરી છાયાની સાથે મેળાપ થયો છે, તેથી ચારે બાજુ આટલી સરસતા છે. મારા ઘરની સામે સિસુ વૃક્ષની વીથિકામાં તેથી જ તો દિવસરાત મર્મરધ્વનિ સંભળાયા કરે છે, સોનચંપાની સુવાસથી જીવન વિહ્વળ છે, કયેતવેલની શાખાપ્રશાખાએ નવાં ચળકતાં પાંદડાં ચળકી રહ્યાં છે, વેણુવનમાં ચંચળતાનો પાર નથી. સન્ધ્યા સમયે ચન્દ્રનો ખણ્ડ જ્યારે ધીરે ધીરે આકાશમાં ઉપર આવે છે ત્યારે સોપારીના ઝાડની શાખાઓ બરાબર જાણે નાના બાળકની જેમ હાથ હલાવીને ચાંદામામાને એક ચૂમી દઈ જવાને ઇશારો કરી કરીને બોલાવ્યા કરે છે. હવે ચૈત્ર માસની ફસલ બધી ઉતારી લીધી છે. છાપરા ઉપરથી દિશાના છેડા સુધી વિસ્તરેલાં ખેડાએલાં ખેતર વૃષ્ટિની આશાએ આકાશ તરફ મીટ માંડી રહેલાં દેખાય છે. બાવળિયાના વનવાળા ખેતરના જે ભાગમાં ખેડાયું નથી ત્યાં ઘાસ ઊગી નીકળવાથી સહેજ હરિયાળીનો પ્રલેપ થયેલો દેખાય છે, ત્યાં જ ગામની ગાયો ચરે છે. એ ઉદાર વિસ્તૃત ખેડાએલાં ખેતરોની વચ્ચે વચ્ચે છાયાવગુણ્ઠિત એક ગામડું દેખાય છે, ત્યાંથી વાંકીચૂંકી પગથી પર થઈને ગામડાની સ્ત્રીઓ ચળક ચળક થતા પિત્તળના ઘડા લઈને બે બે ત્રણ ત્રણની હારમાં લગભગ બધો વખત પાણી ભરવા જઈ રહી હોય છે. પહેલાં પદ્મા પાસે હતી, હવે નદી બહુ દૂર સરી ગઈ છે. મારા ત્રણ મજલાના ઘરની બારીમાંથી તેના સહેજ સરખા આભાસનું જાણે અનુમાન જ કરી શકું છું. ને છતાં એક દિવસ એ નદીની સાથે મારો કેટલો સમ્બન્ધ હતો! જ્યારે જ્યારે શિલાઇદહ આવતો ત્યારે ત્યારે દિવસ-રાત એ નદીની સાથે મારો વાર્તાલાપ ચાલ્યા કરતો; રાત્રે મારાં સ્વપ્નોની સાથે એ નદીનો કલધ્વનિ ભળી જતો અને નદીના કલરવમાં પ્રભાતનું પ્રથમ સ્વાગત સાંભળવા મળતું. ત્યાર પછી કેટલાંય વરસો મેં બોલપુરના મેદાનમાં ગાળ્યાં, કેટલીક વાર સમુદ્રની આ પાર ને પેલે પાર આવજા કરી. હવે આવીને જોઉં છું તો એ નદી જાણે મને ઓળખતી નથી. છજામાં ઊભો રહીને જ્યાં સુધી દૃષ્ટિ જાય છે ત્યાં સુધી મીટ માંડીને જોઈ રહું છું; વચમાં કેટલાંય ખેતરો છે, કેટલાંય ગામડાંઓનો અન્તરાય છે; એ બધાંને અંતે ઉત્તર દિગન્તે આકાશના નીલાંચલની નીલતર કોરના જેવી એક વનરેખા દેખાય છે. એ નીલ રેખાની પાસે જે એક ઝાંખી બાષ્પલેખાના જેવું કશુંક દેખાય છે તે જ પેલી મારી પદ્મા છે. આજે એ મારે માટે અનુમાનનો વિષય બની ગઈ છે! એવું જ તો છે મનુષ્યનું જીવન! ધીમે ધીમે પાસેની વસ્તુ દૂર ચાલી જાય, પરિચિત વસ્તુ ઝાંખી થતી જાય, ને જે ોત એના ઘોડાપૂરથી પ્રાણમનને પ્લાવિત કરી દેતો હતો તે જ ોત એક દિવસ અશ્રુબાષ્પની એક રેખાની જેમ જીવનને એક ખૂણે અવશેષ રૂપે રહી જાય. એલ્મહર્સ્ટ સાહેબ આવ્યા છે. એમની પાસે સાંભળ્યું કે તું પણ આસક્તિનાં બન્ધન છેદીને સંન્યાસિની થવાની વેતરણમાં છે. તેથી જ શું લોજિક ભણવાનું શરૂ કરી દીધું છે? પણ લોજિક વસ્તુ કાંટાળા થોરની વાડના જેવી છે. એનાથી માનસક્ષેત્રના પાકને નિર્બોધ ગાયબળદના ઉત્પાતમાંથી બચાવી લઈ શકાય; પણ આકાશમાંથી જે બધી વૃષ્ટિ થાય, તાપની કે જળની, તેનાથી નિરાપદ બનીને રહેવાનો ઉપાય તે આ તારા ન્યાયશાસ્ત્રની વાડ નથી. તેં મને ધમકી આપી છે કે આ વખતે તું મને મળે ત્યારે મારા લોજિકની તું પરીક્ષા લેવાની છે. હું પહેલેથી જ હાર કબૂલી લઉં છું. પૃથ્વીમાં બે જાતના માણસો હોય છે. એક જાત લોજિકના નિયમને ડગલે ને પગલે જાળવીને ચાલનારી, એનું કારણ એ કે એ લોકો પગે ચાલે, ને બીજી જાત ન્યાયશાસ્ત્રની ઉપર થઈને જનારી, ઓગણપચાસ વાયુ એમનું વાહન; એઓ આ કે તે પક્ષના વિરોધનું ખણ્ડન કરતાં કરતાં પોતાનો રસ્તો કાપે નહીં. એઓ એકી સાથે બંને પક્ષ વિસ્તારીને રવિકિરણના માર્ગે થઈને ચાલ્યા જાય. આ પ્રસંગે, આ પત્રલેખક કઈ જાતનો માણસ છે એનો સહેજ આભાસ કરાવું તો તું બોલી ઊઠશે, ‘એ ભારે અહંકારી લાગે છે!’ જે લોકો લોજિકનો અહંકાર રાખીને પગ ઠોકી ઠોકીને ચાલે છે તેઓ જ ‘નોન-લોજિકલ’ લોકોની વ્યોમપથયાત્રાના પક્ષવિધૂનનના માહાત્મ્યને ખર્વ કરવાની વૃથા ચેષ્ટા કરે છે, પણ એ મહિમા તો મુક્તિ દ્વારા પ્રાપ્ત થાય, એને આત્મસમર્થનની અપેક્ષા પણ હોય નહીં. એ પોતાના અચિહ્નિત પથે પોતાની ગતિના વેગથી જ બધી પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ જાય. બસ, આજે અહીં જ ઇતિ. ક્ષિતિજ : જુલાઈ ૧૯૬૧

લંડન, ૧૦ ઓક્ટોબર, ૧૮૯૦ માણસ કાંઈ લોઢાનો સંચો થોડો જ છે જે નિયમને અનુસરીને ચાલે? માણસના મનનો કારભાર એટલો તો વિચિત્ર, વિસ્તૃત અને અટપટો છે; એની ગતિ એક સાથે એટલી તો બધી દિશામાં થતી હોય છે અને એના એટલા તો પ્રકારના અધિકાર છે કે એને આ કે તે દિશા તરફ ઝૂકવું જ પડે. એ જ એના જીવનનું લક્ષણ, એના મનુષ્યત્વનું ચિહ્ન, એના જીવનનું લક્ષણ, એના જડત્વનો પ્રતિવાદ. આ દ્વિધા ને આ દુર્બળતા જેને નથી તેનું મન નર્યું સાંકડું, કઠિન અને જીવનવિહોણું હોય છે. જેને આપણે પ્રવૃત્તિ કહીએ છીએ અને જેની પ્રત્યે આપણે સદા કટુ ભાષા વાપરતા આવ્યા છીએ તે જ તો આપણા જીવનની ગતિશક્તિ, તે જ તો આપણાં અનેકવિધ સુખદુ:ખ-પાપપુણ્યમાં થઈને આપણને અનન્તની દિશામાં વિકસિત કરે છે. નદી જો પ્રત્યેક પગલે બોલે કે ‘ક્યાં છે, સમુદ્ર ક્યાં છે? આ તો રણ, આ તો અરણ્ય, આ તો રેતીનો બેટ; મને જે શક્તિ ધક્કો મારીને લઈ જાય છે તે મને ભુલાવામાં નાખીને બીજી જ કોઈ જગ્યાએ લઈ જાય છે કે શું?’ તો એને જે પ્રકારનો ભ્રમ ઊપજે તેવો જ ભ્રમ, આપણે પણ જો આપણી પ્રવૃત્તિ પર નર્યો અવિશ્વાસ કરીએ તો, આપણને ઊપજે. આપણે પણ હરરોજ અનેક પ્રકારના સંશયોમાંથી થઈને વહેતા જઈએ છીએ, આપણો છેડો આપણને દેખાતો નથી, પણ જેમણે આપણા અનન્ત જીવનમાં પ્રવૃત્તિ નામની પ્રચણ્ડ ગતિશક્તિ આપી છે તેઓ જ જાણે છે જે એ દ્વારા આપણને એઓ શી રીતે ચલાવવા માગે છે. આપણી પ્રવૃત્તિ આપણને જ્યાં લઈ આવે છે ત્યાં જ છોડીને ચાલી જશે એમ માની બેસીએ છીએ એ જ આપણી એક મોટી ભૂલ છે; આપણો તાર એ વચ્ચેથી ખેંચી લેશે તે આપણે ત્યારે જાણતા નથી હોતા. નદીને જે શક્તિ એને રણમાં થઈને લઈ જાય છે તે જ શક્તિ એને સમુદ્રમાં લઈ જાય છે. જે ભ્રમમાં નાખે તે જ ભ્રમમાંથી બહાર કાઢે. આ રીતે જ આપણે ચાલતા હોઈએ છીએ. જેમનામાં આ પ્રવૃત્તિ અથવા જીવનશક્તિનું પ્રાબલ્ય નથી, જેમના મનનો રહસ્યમય વૈવિધ્યપૂર્ણ વિકાસ થતો નથી, તેઓ સુખી થઈ શકે, સજ્જન થઈ શકે, અને તેમની એ સંકીર્ણતાને લોકો મનનું જોર પણ કદાચ કહે, પણ અનન્ત જીવનનું પાથેય એમની પાસે વિશેષ હોતું નથી.

પતિસર ૧૮૯૧ મારી હોડીને કચેરીથી ઘણે દૂર લાવીને નિર્જન જગ્યાએ બાંધી છે. આ ભાગમાં ગડબડ ક્યાંય નથી, તમે ઇચ્છો તોય ક્યાંય જોવા મળે નહીં. માત્ર હાટમાં બીજી બધી વસ્તુઓની સાથે કદાચ મળે. હું હાલ જે સ્થળે આવ્યો છું ત્યાં ઘણુંખરું માણસનું મોઢું જ દેખાતું નથી. ચારે બાજુ માત્ર મેદાન ઘૂ ઘૂ કરે છે; ખેતરમાંથી ધાન લણીને લઈ ગયા છે, માત્ર લણેલા ધાનના ખૂંપરાથી આખું મેદાન છવાયેલું છે. દિવસને છેડે સૂર્યાસ્ત વેળાએ એ મેદાનમાં કાલે સહેજ ફરવા નીકળ્યો હતો. સૂર્ય ધીમે ધીમે રાતો થઈને પૃથ્વીની છેક છેલ્લી રેખાની પાછળ ઢંકાઈ ગયો. ચારે બાજુ બધું કેવું સુન્દર થઈ ઊઠ્યું તે શી રીતે કહું? ઘણે દૂર, દિશાને છેડે, ઝાડપાનથી ઘેરાએલો થોડો ભાગ દેખાતો હતો; એ એવો તો માયામય થઈ ઊઠ્યો, ભૂરો અને લાલ રંગ ભળતાં એવો તો કશોક અર્ધસ્પષ્ટ આકાર ઊપસી આવ્યો કે મનમાં થયું કે અહીં જ સંધ્યાનું ઘર હશે. અહીં જ જઈને એ પોતાનો રંગીન પાલવ શિથિલતાથી ફરફરતો મૂકી દે છે, પોતાના સંધ્યાતારકને જતનથી પ્રકટાવે છે. પોતાની એકાન્તભરી નિર્જનતામાં સેંથીમાં સંદૂિર પૂરીને વધૂની જેમ પ્રતીક્ષા કરતી બેસી રહે છે અને બેઠી બેઠી પગ પસારીને તારાની માળા ગૂંથે છે ને ગુન્ગુન્ ગૂંજતી સ્વપ્નો રચે છે. આખા અપાર મેદાન પર એક જ છાયા પડી છે, એક કોમળ વિષાદ, એને અશ્રુજળ તો નહીં કહેવાય, નિનિર્મેષ નેત્રનાં મોટાં મોટાં પોપચાં નીચેના ઘેરા છલછલ ભાવના જેવી. મા ધરતી સંસાર વચ્ચે જાણે પોતાનાં બાળબચ્ચાં, એમનો કોલાહલ અને ઘરકામમાં ગુંથાઈને બેઠી છે એવું લાગે છે; જ્યાં સહેજ ભાગ ખુલ્લો રહી ગયો છે, સહેજ સરખી નિસ્તબ્ધતા છે, સહેજ સરખો ખુલ્લો અવકાશ છે, ત્યાં જ એના વિશાળ હૃદયમાં ગૂઢ રીતે રહેલા વૈરાગ્ય અને વિષાદ પ્રકટી ઊઠે છે, ત્યાં જ એનો ઊંડો દીર્ઘ નિ:શ્વાસ સંભળાય છે. ભારતવર્ષમાં જેવું બાધાહીન ચોક્ખું આકાશ અને દૂર દૂર સુધી વિસ્તરેલી સમથળ ભૂમિ છે તેવાં યુરોપમાં ક્યાંય હશે ખરાં? આથી જ આપણી પ્રજા જાણે બૃહત્ એ અસીમ વૈરાગ્યને પામી શકી છે; તેથી જ આપણી પૂરબી કે તોડી રાગિણીમાં સમસ્ત વિશાળ જગતના અન્તરનો હા-હા ધ્વનિ વ્યક્ત થઈ ઊઠે છે, એ કોઈના ઘરની વાત નથી. પૃથ્વીનો જે ભાવ નિર્જન, વિરલ અને અસીમ છે તે ઉદાસીન કરી મૂકે છે. તેથી સિતાર પર જ્યારે કોઈ ભૈરવીની મીંડ ખેંચે છે તો ઘણા ભારતવાસીઓના હૃદયમાં જુવાળ આવે છે. કાલે, સાંજને વખતે નિર્જન મેદાનમાં પૂરબી બજતી હતી. પાંચછ ગાઉના વિસ્તારમાં મારા સિવાય કોઈ બીજું સજીવ પ્રાણી ત્યાં ફરતું નહોતું, માત્ર એક બીજું પ્રાણી બોટ પાસે પાઘડી બાંધીને ખભે લાઠી મૂકીને ભારે અદબથી ઊભું હતું. મારી ડાબી બાજુએ નાની નદી બે કાંઠાની ઊંચી કિનાર વચ્ચે વાંકીચૂંકી વહેતી થોડે જ છેટે દૃષ્ટિસીમાની બહાર જતી રહેતી હતી. એનાં પાણીમાં તરંગની રેખા સરખી દેખાતી નહોતી, માત્ર સન્ધ્યાની આભા અત્યન્ત મુમૂર્ષુ હાસ્યની જેમ થોડીક ક્ષણને માટે એને સ્પર્શી ગઈ હતી. મેદાન જેટલું વિશાળ તેટલી જ વિશાળ નિસ્તબ્ધતા. માત્ર એક જાતનું પંખી અહીં એવું છે જે જમીન પર વાસ કરે છે. જેમ જેમ અન્ધકાર થવા આવ્યો તેમ તેમ એના અટૂલા વાસની પાસે મને હરફર કરતો જોઈને એ વ્યાકુળ સન્દેહના સ્વરે ટી ટી કરવા લાગ્યું. ધીમે ધીમે અહીંના કૃષ્ણપક્ષના ચન્દ્રનો ઉજાશ સહેજ ફૂટી ઊઠ્યો. બરાબર નદીને કાંઠે કાંઠે મેદાનને ખૂણે થઈને એક નાનીશી પગથી ચાલી જાય છે, ત્યાં નીચે માથે ચાલતો ચાલતો હું વિચારે ચઢી ગયો હતો.

શિલાઇદહ ઓક્ટોબર, ૧૮૯૧ આજે દિવસ સારો લાગે છે. ઘાટે એક-બે હોડી લાંગરી છે, પરગામથી પ્રવાસીઓ પૂજાની રજામાં ગાંસડાંપોટલાં ને પેટીપટારા ભરીને, જાતજાતની ખાવાપીવાની વસ્તુઓ લઈને, વરસેક બાદ ઘરે પાછા આવે છે. જોઉં છું તો એક સજ્જને ઘાટની પાસે હોડી આવતાં જ જૂનાં કપડાં બદલીને નવાં ઘડીબંધ કપડાં પહેરી લીધાં છે; ખમીસ ઉપર ચાઇનાસિલ્કનો ધોળો કોટ ચઢાવી દીધો છે, ને એક ગોળપંડાિળું ચાદર ભારે જતનથી ખભે ઝુલાવીને માથે છત્રી ઓઢી ગામ તરફ ચાલી નીકળ્યા છે. ધાનથી ભરેલાં ખેતર થરથર કાંપે છે. આકાશમાં ધોળાં વાદળોના ઢગ છે, એની ઉપર આંબા અને નારિયેળીનાં માથાં ઊંચાં થયેલાં દેખાય છે, નારિયેળીનાં પાંદડાં પવનમાં ઝુર્ઝુર્ કરે છે. નદી વચ્ચે ઊપસી આવેલી જમીન પર કાશના ગુચ્છો ખીલી ઊઠવાની તૈયારીમાં છે : આ બધું મળીને એક સુખભર્યું દૃશ્ય ખડું થાય છે. પરગામથી જે સજ્જન હમણાં જ પોતાને ગામ પાછા ફર્યા, એમના મનનો ભાવ, એમના ઘરનાં લોકોની એમને મળવાની ઉત્સુકતા, અને શરદ્નું આકાશ, આ પૃથ્વી, સવાર વેળાનો ફરફર પવન, આ ઝાડપાન, આ તણખલાં ઝાંખરાં, એ સમસ્તની અંદરનું એક અવિશ્રામ સઘન કંપન : આ બધું મળીને બારી પાસે બેઠેલા એકાકી યુવાનને સુખેદુ:ખે વિહ્વળ કરી મૂકતું હતું. આ પૃથ્વીમાં બારી પાસે એકલા બેસીને આંખ માંડીને જોતાં જ મનમાં નવી ઇચ્છા જન્મે છે, એ નવી જ છે એમ કદાચ નહીં કહેવાય, પુરાણી ઇચ્છા જ નવાં નવાં રૂપો ધારણ કરવા મંડે છે. પેલે દિવસે આમ જ હોડીની બારીની પાસે ચૂપ થઈને બેઠો હતો. માછલી પકડવાની નાની હોડીમાં એક માછીમાર ગીત ગાતો ગાતો ચાલ્યો ગયો. એનું ગીત ખાસ સુસ્વર તો નહોતું. એકાએક યાદ આવ્યું: ઘણા વખત પહેલાં બાળપણમાં હોડીમાં પદ્માકાંઠે આવ્યો હતો. એક દિવસ રાતે લગભગ બેના સુમારે ઊંઘ ઊડી જતાં હોડીની બારી પકડીને મોઢું બહાર કાઢીને નિસ્તરંગ નદીની ઉપર ચાંદની ખીલી ઊઠેલી જોઈ હતી, એક નાની હોડલીમાં એક છોકરો એકલો હલેસાં મારીને જતો હતો. એ એવું તો મીઠી હલકથી ગાતો હતો, એવું મીઠું ગીત એ પહેલાં મેં કદી સાંભળ્યું નહોતું. એકાએક મનમાં થયું, જીવનને જો એ દિવસથી માંડીને ફરી પામી શકું તો! તો ફરી એક વાર પરીક્ષા કરી જોવાય; હવે કદાચ એને શુષ્ક અપરિતૃપ્ત બનાવીને ફેંકી નહીં દઉં — કવિનું ગીત કણ્ઠે કરીને એક નાની શી હોડલીમાં ભરતી વેળાએ પૃથ્વીમાં ક્યાં શું છે તે જોતો આવું; જીવનથી, યૌવનથી ઉચ્છ્વસિત થઈને પવનની જેમ હુ હુ કરતોકને બધે ભમી આવું; ત્યાર પછી ઘરે પાછા વળીને પરિપૂર્ણ પ્રફુલ્લ વાર્ધક્યને કવિની જેમ ગાઉં. આ કાંઈ બહુ ઊંચા પ્રકારનો ‘આઇડિયલ’ તો નહીં કહેવાય. જગતનું હિત કરવું તે કદાચ આના કરતાં ઘણો મોટો આદર્શ કહી શકાય પણ હું જે પ્રકારનો આદમી છું તે જોતાં એવો કશો આદર્શ મારા મનમાં ઊગી આવે એમ લાગતું નથી. ઉપવાસ કરીને, આકાશભણી મીટ માંડીને નિદ્રાત્યાગ કરીને, હંમેશાં મનમાં તર્કવિતર્ક કરતા રહીને, પૃથ્વીને અને મનુષ્યહૃદયને વાતવાતમાં છેતરીને, હાથે કરીને આણેલા દુકાળમાં આ દુર્લભ જીવનને વેડફી મારવા હું નથી ચાહતો. આ પૃથ્વી સરજનહારની છેતરપંડીિ છે, સેતાને રચેલો ફંદો છે એવું ન માનતાં, એના પર વિશ્વાસ મૂકીને ચાહીને, પ્રેમ પામીને માણસની જેમ જીવવું ને માણસની જેમ મરવું તે જ ઠીક, દેવની જેમ હવા જેવા થઈ જવાનું કામ આપણું નહીં. ક્ષિતિજ : ઓક્ટોબર ૧૯૬૧

સાજાદપુર ૨૯ જૂન, ૧૮૯૨ આજે સાંજે સાત વાગે કાલિદાસ સાથેની મુલાકાત નક્કી કરી છે એમ મેં કાલના પત્રમાં લખ્યું હતું. દીવો પ્રગટાવીને, ટેબલ પાસે આરામખુરશી ખેંચી લાવીને, ચોપડી હાથમાં લઈ બરાબર તૈયારી કરીને બેઠો હતો ત્યાં કવિ કાલિદાસને બદલે આવી ચઢ્યા અહીંના પોસ્ટમાસ્તર, મૃત કવિના કરતાં જીવતાજાગતા પોસ્ટમાસ્તરનો જ હક્ક વધારે ને! હું એમને કહી શક્યો નહીં કે આપ હમણાં જાઓ, અત્યારે કાલિદાસ સાથે મારે ખાસ કામ છે, કહ્યું હોત તોય એ માણસ ભાગ્યે જ ઠીક સમજી શક્યા હોત. આથી પોસ્ટમાસ્તરને ખુરશી ખાલી કરી આપીને કાલિદાસને ધીમે ધીમે વિદાય દેવી પડી છે. મહાશયની સાથે મારે એક પ્રકારનો ખાસ સમ્બન્ધ છે. ત્યારે પોસ્ટઓફિસ અમારા મકાનને ભોંયતળિયે હતી. એક દિવસ બપોરવેળાએ એ જ મકાનને ઉપલે માળે બેસીને એ પોસ્ટમાસ્તરની એક વાર્તા મેં લખેલી, ને એ ત્યારે ‘હિતવાદી’માં પ્રકટ થઈ ત્યારે અમારા એ પોસ્ટમાસ્તર મહાશય એનો ઉલ્લેખ કરીને સારી પેઠે લજ્જામિશ્રિત હાસ્ય હસેલા. એ ગમે તે હોય, પણ મને એ માણસ ગમે છે ખૂબ. એ અનેક પ્રકારની વાતો બસ કર્યે જ જાય છે ને હું ચુપચાપ બેસીને સાંભળ્યે રાખું. એમનામાં એક પ્રકારનો હાસ્યરસ પણ ઠીક માત્રામાં છે. પોસ્ટમાસ્તર ચાલી ગયા પછી તે જ રાત્રે ફરી ‘રઘુવંશ’ લઈને બેઠો. ઇન્દુમતીના સ્વયંવરવાળો ભાગ વાંચતો હતો. સભામાં સંહાિસન ઉપર હારમાં સુસજ્જિત ને સુન્દર મુખાકૃતિવાળા રાજાઓ બિરાજ્યા છે. એવે વખતે શંખ અને તુરીધ્વનિ થવા લાગ્યા ને ત્યાં વિવાહવેશ ધારણ કરેલી ઇન્દુમતી સુનન્દાનો હાથ ઝાલીને એ સૌની વચ્ચે સભાસ્થાનમાં આવીને ઊભી રહી. આ ચિત્ર મનમાં ખડું કરીને જોઈએ છીએ તો કેવું સુન્દર લાગે છે! ત્યાર પછી સુનન્દા એક પછી એક રાજાઓનો પરિચય કરાવતી જાય છે ને ઇન્દુમતી અનુરાગહીન પ્રણામ કરતી કરતી આગળ વધતી જાય છે. આ પ્રણામની ક્રિયા કેટલી સુન્દર! જેનો એ ત્યાગ કરે છે તેનું એ નમ્રભાવે સમ્માન કરતી જાય છે. આમ એ એમને કેવા માની લે છે! બધા જ રાજા. બધા જ એનાથી વયમાં મોટા; ઇન્દુમતી તો એક બાલિકા, ને છતાં એક પછી એકને અતિક્રમીને એ આગળ વધતી જાય છે. આ અનિવાર્ય અસભ્યતાને જો એણે સવિનય પ્રણામથી ના ભૂંસી નાખી હોત તો એ દૃશ્યમાં આટલું સૌન્દર્ય ના રહ્યું હોત.

બોલપુર શનિવાર, ર મે, ૧૮૯૨ સંસારમાં ઘણા ‘પેરેડોક્સ’ છે. એ પૈકીનો એક આ : જ્યાં બૃહત્ દૃશ્ય, અસીમ આકાશ, નિબિડ મેઘ, ઊંડો ભાવ રહ્યાં હોય છે, એટલે કે જ્યાં અનન્તનો આવિર્ભાવ થાય છે ત્યાં એનો સાચો સંગી એકાકી માણસ છે, ત્યાં ઘણા માણસ ભારે ક્ષુદ્ર અને ઘોંઘાટિયા થઈ પડે. અસીમતા અને એક માણસ બંને એકબીજાના સમકક્ષ. પોતપોતાને સંહાિસને એકબીજાની મોઢામોઢ બેસી શકવાને યોગ્ય. અને થોડા માણસ એકઠા થાય એટલે એકબીજાને વીંખીપીંખી સાવ ક્ષુદ્ર કરી મૂકે; એક માણસ જો પોતાના સમસ્ત અન્તરાત્માને વિસ્તારવા ઇચ્છે તો એને એટલી વિશાળ જગ્યા જોઈએ કે એની પાસે પાંચછજણને રાખવાનું એને પરવડે જ નહીં. ઘણા લોકોને ભેગા કરવા જતાં જ એકબીજાના અનુરોધે પોતાને સંકોચવાનો વારો આવે, જ્યાં જ્યાં કશું ખાલી રહી જાય ત્યાં ત્યાં માથું નમાવવું પડે. અંદરથી, બે બાહુ પ્રસારીને, બે અંજલિ ભરીને પ્રકૃતિની આ અગાધ અનન્ત વિસ્તીર્ણતાને એ ગ્રહી શકતો નથી.

શિલાઇદહ ૨૦ ઓગસ્ટ, ૧૮૯૨ રોજ સવારે આંખ માંડતાં જ મારી ડાબી બાજુએ પાણી અને જમણી બાજુએ નદીનો કાંઠો સૂર્યકિરણથી તરબોળ થઈ ગયેલાં જોઉં છું. પાણી વખતનું ચિત્ર જોતાં મનમાં થાય ‘જો અહીં જ રહેવાનું હોય તો!’ એ ઇચ્છા અહીં પરિતૃપ્ત થાય છે; મનમાં થાય છે જાણે એક જાજવલ્યમાન ચિત્રની અંદર હું રહું છું; વાસ્તવિક જગતની કશી કઠિનતા જાણે અહીં નથી. બાળપણમાં રોબિન્સન ક્રુઝો, પોલ વજિર્નિ વગેરે ચોપડીઓમાં ઝાડપાન ને સમુદ્રનાં ચિત્ર જોઈને મન ખૂબ ઉદાસ થઈ જતું, અહીંના તડકામાં બાળપણની એ ચિત્રો જોવાની સ્મૃતિ જાગી ઊઠે છે. એનો અર્થ શો તે તો બરાબર પામી શકતો નથી, એની સાથે શી આકાંક્ષા ભળી ગઈ છે તેય બરાબર સમજી શકતો નથી. આ જાણે આ વિશાળ પૃથ્વીને નાડીનું આકર્ષણ છે. એક કાળે જ્યારે હું આ પૃથ્વીની સાથે એક થઈને રહેતો હતો, જ્યારે મારી ઉપર હરિયાળું ઘાસ ઊંઘતું. શરદ્નો પ્રકાશ પડતો, સૂર્યકિરણમાં મારા દૂર સુધી વિસ્તરેલા શ્યામલ અંગના રોમેરોમમાંથી યૌવનનો સુગન્ધી ઉત્તાપ ઊઠતો, હું દૂર દૂરના કાંઈ કેટલાય દેશદેશાન્તરના જળસ્થળ પર્વતને વ્યાપી લઈને ઉજ્જ્વળ આકાશની નીચે નિસ્તબ્ધપણે સૂઈ રહેતો ત્યારે શરદ્ના સૂર્યના પ્રકાશમાં મારી વિશાળ કાયાના અંગે અંગે જે આનન્દરસ, જે જીવનશક્તિ અત્યન્ત અવ્યક્ત અર્ધચેતન અવસ્થામાં ને અત્યન્ત ઉત્કટતાથી સંચારિત થઈ રહેતાં તે જાણે આજે થોડું થોડું યાદ આવે છે. મારા મનનો આ ભાવ તે જાણે આ સદા અંકુરિત મુકુલિત પુલકિત સૂર્યસનાથા આદિમ પૃથ્વીનો જ ભાવ. જાણે મારી આ ચેતનાનો પ્રવાહ પૃથ્વીના પ્રત્યેક તૃણાંકુરે અને વૃક્ષનાં મૂળ તથા શિરાએ ધીરે ધીરે વહી રહ્યો છે, બધાં ધાન્યનાં ખેતરો રોમાંચિત થઈ ઊઠ્યાં છે અને નારિયેળીને પાંદડે પાંદડે જીવનનો આવેગ થર્થર્ કંપી રહ્યો છે. આ પૃથ્વી પર મને જે એક પ્રકારનો આન્તરિક આત્મીય વત્સલતાનો ભાવ છે તેને જરા સારી રીતે પ્રકટ કરવાનું મન થઈ આવે છે પણ મને લાગે છે કે કદાચ ઘણા એ સમજી શકશે નહીં, આ વળી નવું શું તૂત છે એમ જ કદાચ ઘણાને લાગશે!

નાટોર ૨ ડિસેમ્બર, ૧૮૯૨ કાલે મને ત્યાં ગયો હતો. નમતે પહોરે બધાં ભેગાં ફરવા નીકળ્યાં હતાં. બંને બાજુ ખેતરોની વચ્ચે થઈને જતો રસ્તો મને ખૂબ ગમી ગયો. બંગાળના નર્યાં નિર્જન મેદાન અને એને છેડેનાં ઝાડપાનમાં થતો સૂર્યાસ્ત — કેવી વિશાળ શાન્તિ અને કોમળ કરુણા રહી હોય છે એમાં! આપણી આ પોતીકી પૃથ્વીની સાથે દૂરદૂરના પેલા આકાશનું કેવું સ્નેહભારવિનત મૌનભર્યું ઉદાસ મિલન! અનન્તમાં જે એક વિરાટ ચિરવિરહનો વિષાદ રહ્યો છે તે આ સાંજવેળાની પરિત્યક્તા પૃથ્વી ઉપર એક પ્રકારની ઉદાસીભરી આભાથી પોતાને સહજ પ્રકટ કરે છે. સમસ્ત જળેસ્થળે આકાશે શી ભાષાપરિપૂર્ણ નીરવતા! કેટલીય ક્ષણ સુધી ચૂપ રહીને અનિમેષ નેત્રે એને જોઈ રહેતાં મનમાં થાય છે: જો આ ચરાચરવ્યાપ્ત નીરવતા પોતાને ધારણ નહીં કરી શકે, જો એની અનાદિ ભાષા વિદીર્ણ થઈને પ્રકટ થઈ ઊઠે તો કેવું ગભીર ગમ્ભીર શાન્ત સુન્દર કરુણ સંગીત પૃથ્વીથી તે નક્ષત્રલોક સુધી બજી ઊઠે! ખરું પૂછો તો એમ જ થઈ રહ્યું છે. આપણે સહેજ એકાગ્ર ચિત્તે સ્થિર થઈને પ્રયત્ન કરીએ તો જગતનો બધો સંમિલિત પ્રકાશ અને વર્ણની વિરાટ ‘હાર્મની’(સંવાદ)ને મનમાં એક વિપુલ સંગીતને રૂપે રૂપાન્તરિત કરીને પામી શકીએ. આ જગતવ્યાપી દૃશ્યપ્રવાહના, અવિશ્રામ કમ્પનધ્વનિને માત્ર એક વાર આંખ બંધ કરીને, કાન માંડીને, સાંભળી લેવાનો રહે. પણ હું આ સૂર્યોદય અને સૂર્યાસ્તની વાત કેટલી વાર લખું? એના સદ્ય નૂતન રીતે અનુભવ થઈ શકે, પણ નિત્ય નૂતન રૂપે એને પ્રકટ શી રીતે કરું?

કટક માર્ચ, ૧૮૯૩ એવાય કેટલાક હોય છે જેઓ કશુંય કર્યા વિના આશાતીત ફળ આપે છે; સુ એ પ્રકારની વ્યક્તિ છે. એ ઘણી પરીક્ષા પસાર કરે, ઇનામો મેળવે, લખે, મોટાં મોટાં કામ કરે કે સારી નોકરી કરે તે જાણે ખાસ જરૂરી લાગતું નથી. એમ લાગે છે કે કશું ન કરવા છતાં એનામાં કશીક ચરિતાર્થતા રહી છે. મોટા ભાગના લોકોને અકર્મણ્ય પડી રહેવાનું છાજે નહીં, એથી એમની અપદાર્થતા ખુલ્લી પડી જાય. પણ સુ કશુંય ન કરે તોય એને અજુગતું કહીને કોઈ એની ઘૃણા કરી શકે નહીં. કામકાજમાં મચ્યા રહેવું તે માણસને માટે એક આચ્છાદનની ગરજ સારે છે, બધાં ‘કોમનપ્લેઇસ’ (સાધારણ) માણસને એ અત્યન્ત જરૂરી — એથી એમનું દૈન્ય, એમનું પાંખાપણું ઢંકાઈ જાય છે પણ જેઓ સ્વભાવથી જ પરિપૂર્ણ પ્રકૃતિના છે તેઓ સમસ્ત કર્માવરણમુક્ત થઈને રહે તોય શોભા અને ગૌરવને જાળવી રાખી શકે છે. સુના જેવી સોળ આની શિથિલતા જો કોઈ બીજા છોકરામાં હોય તો અસહ્ય થઈ પડે, પણ સુના આળસુપણામાંય એક પ્રકારનું માધુર્ય રહ્યું છે. મને એની પ્રત્યે ભાવ છે માટે આમ નથી કહેતો, એનું મુખ્ય કારણ એ છે કે ચુપચાપ રહેવા છતાં એનું મન સારી પેઠે વિકસતું રહે છે અને એનાં આત્મીય જનો પ્રત્યે એ સહેજેય બેપરવા નથી. જે આળસુપણામાં મૂઢતા અને બીજા પ્રત્યેની અવહેલા જ વધતી જઈને ગોળમટોળ બનીને તેલની જેમ ચકચક થયા કરે છે તે આળસુપણું ખરેખર ઘૃણાને પાત્ર ઠરે છે. સુ હૃદય અને બુદ્ધિપૂર્વકના આળસથી જાણે મધુર રસથી સીંચાતો રહે છે. જે વૃક્ષ પર સુગન્ધી ફૂલ ફૂટતાં હોય તેને ખાટાં કહી શકાય એવાં ફળ ના આવે તોય ચાલે. સુના પર દયાનો ભાવ છે તે એ કશું કરે છે તેથી, એની કોઈ ક્ષમતાને કારણે કે પ્રયત્નને કારણે નથી. એના સ્વભાવમાં રહેલાં એક પ્રકારનાં સામંજસ્ય અને સૌન્દર્યને કારણે છે. ક્ષિતિજ : ડિસેમ્બર, ૧૯૬૧

શિલાઇદહ ૮મે, ૧૮૯૩ કવિતા મારી દીર્ઘકાળની પ્રેયસી છે. મને લાગે છે કે મારી વય રથીના જેટલી હતી ત્યારથી એનું મારી સાથે વાગ્દાન થયેલું. ત્યારથી અમારી તળાવડીના કાંઠા પરના વડની છાયા, ઘરની અંદરનો બગીચો, ઘરમાંનો પહેલા માળનો અવાવરુ ઓરડો અને બહારનું સમસ્ત જગત તથા દાસીઓને મોઢે સાંભળેલી બધી પરીઓની વાર્તાઓ, જોડકણાં — આ બધાં મળીને મારા મનમાં એક ગજબનું માયાવી જગત રચી રહ્યાં હતાં. ત્યારના મારા મનના એ ધૂંધળા અપૂર્વ ભાવને પ્રકટ કરવો ભારે અઘરું છે, પણ કવિકલ્પનાની સાથે ત્યારથી જ માળાબદલ િ થઈ ચૂકેલી એટલું તો કહી શકું. પણ એ કન્યા સારાં પગલાંની નહોતી એટલું નક્કી. અને બીજું ગમે તે લાવી હોય, સૌભાગ્ય લઈને તો એ આવી નહોતી જ. સુખ નથી દીધું એમ તો કહી શકું નહીં, પણ દિલને એણે કરાર આપ્યો નથી. જેને એ વરે તેને ઉત્કટ આનન્દ આપે એ ખરું, પણ કદિક કદિક એના કઠિન આલંગિને એ હૃદય નિચોવીને લોહી સુધ્ધાં વહાવે. એ જેને પસંદ કરે તે અભાગિયો આ સંસારમાં ઘર માંડી સ્થિર થઈને ગૃહસ્થ બની આરામ કરવા પામે નહીં. પણ મારું ખરું જીવન મેં એની પાસે ગીરો મૂક્યું છે. ‘સાધના’ને માટે લખું, જમીનદારી પર દેખરેખ રાખું: એ બધું ખરું, પણ કવિતા લખવાનું શરૂ કરતાંની સાથે જ મારા ચિરકાળના સાચા પોતાપણામાં પ્રવેશ કરી શકું, એ જ મારું સાચું સ્થાન છે એ હું બરાબર સમજું છું. જીવનમાં જાણતાં કે અજાણતાં ઘણું મિથ્યા આચરણ કરીએ, પણ કવિતામાં ક્યારેય મેં ખોટી વાત કરી નથી, એ મારા જીવનના સૌથી ઊંડા સત્યનું એકમાત્ર આશ્રયસ્થાન છે.

કલકત્તા ૨૧ જૂન, ૧૮૯૩ આ વખતની ડાયરીમાં નરી પ્રકૃતિની સ્તુતિ નથી. મન નામનો એક અળવીતરો ચંચળ પદાર્થ કશીક ગતિને મારા શરીરમાં પ્રવેશીને કેવો તો ઉત્પાત મચાવી મૂકે છે એ વિશે જ એમાં આલોચના કરી છે. મૂળમાં તો આપણે ખાઈએ પીએ ને જીવતા રહીએ એટલી જ વાત હતી. આપણે વિશ્વનું આદિ કારણ શોધવા નીકળીએ, જાણી કરીને ખૂબ મુશ્કેલ એકાદ ભાવ પ્રકટ કરવા મથીએ ને વળી એમાં પંક્તિએ પંક્તિએ પ્રાસ મળે તેની કાળજી રાખીએ, ગળાબૂડ દેવામાં ડૂબી ગયા છતાં મહિને મહિને ગાંઠના પૈસા ખરચીને ‘સાધના’ પ્રકટ કરીએ, એવી તે શી જરૂર હતી? આ તરફ પેલો નારાયણસંહિ જુઓ. લોટમાં ઘી નાખીને મોટી મોટી રોટલી બનાવી, દહીં સાથે લિજ્જતથી ઉડાવીને તમાકુની ચલમ ફૂંકીને બપોરવેળાએ એ કેવી નિરાંતની ઊંઘ કાઢે છે ને સવારે ને સાંજે લોકોનું થોડુંઘણું સાધારણ કામકાજ કરીને રાતે કશી અવઢવ વિના એ કેવો આરામ કરે છે! જીવન નકામું ગયું, એળે ગયું એવું તો ક્યારેય સ્વપ્નમાં સુધ્ધાં એને લાગતું નથી. આ જગતની જોઈએ તેટલી ઝડપથી ઉન્નતિ થતી નથી એ બદલ એ પોતાને કદીય જવાબદાર લેખતો નથી. જીવનની સફળતાબફળતાની વાત નકામી છે, પ્રકૃતિનો એક માત્ર આદેશ છે: જીવન ટકાવી રાખો. નારાયણસંહિ એ આદેશને જ ધ્યાનમાં રાખીને નિશ્ચિન્તપણે જીવે છે. જે અભાગિયાઓની છાતીમાં મન નામનું એક પ્રાણી ગુફા ખોદીને વાસ કરે છે, તેને કરાર નથી, એને માટે કશુંય બરાબર નથી, એની ચારે બાજુની અવસ્થા સાથે એનું સામંજસ્ય નષ્ટ થઈ ગયું છે; એ જળમાં હોય ત્યારે સ્થળને માટે લાલાયિત થઈ ઊઠે, ને સ્થળ પર હોય ત્યારે જળમાં ડૂબકી મારવાને ‘અસીમ આકાંક્ષા’ એનામાં જાગી ઊઠે. આવા દુર્દમ્ય અસન્તુષ્ટ મનનું પ્રકૃતિની અગાધ શાન્તિમાં વિસર્જન કરી દઈને સહેજ વાર સ્થિર થઈને બેસીએ તો ઊગરી જવાય — આમ વાત છે.

સાજાદપુર ૩૦ આષાઢ ૧૮૯૩ આજકાલ કવિતા લખવાનું મારે માટે ચોરીછૂપીથી નિષિદ્ધ સુખને ભોગવવા જેવું જાણે થઈ પડ્યું છે. આ બાજુ ‘સાધના’ના આવતા અંક માટે એક લીટી સરખી લખી નથી તો બીજી તરફ સમ્પાદકની ઉઘરાણી ચાલુ જ છે, નજીકમાં જ આસો કારતકના ‘સાધના’ના અંક ખાલી હાથે મારા ભણી તાકીને મને ઠપકો આપી રહ્યા છે, ને હું ફરી ફરી મારી કવિતાના અન્ત:પુરમાં નાસી જઈને આશ્રય લઉં છું. રોજ મનમાં થાય કે આજનો દિવસ જાય તેથી શું — એમ કરતાં કેટલા દિવસ વીતી ગયા! મારું ખરું કામ કયું તે જ હું બરાબર નક્કી કરી શકતો નથી. કદિક કદિક એમ થાય છે કે હું નાની નાની વાર્તાઓ ખૂબ લખી શકું, ને તેય જેવી તેવી તો નહિ જ — લખતી વેળાએ સુખ પણ થાય છે, તો વળી કદિક મારા મનમાં એવા ભાવો ઉદ્ભવે છે — જે કવિતામાં વ્યક્ત કરવા જેવા હોતા નથી. એ ભાવોને ડાયરી વગેરે નાના આકારમાં પ્રગટ કરવા જ સારા એમ મને લાગે છે. એનું કશુંક પરિણામ પણ આવે ને એથી આનન્દ પણ થાય. કદિક કદિક સામાજિક વિષયો લઈને મારા દેશના લોકો સાથે ઝઘડવાનું ખૂબ જરૂરી થઈ પડે છે. બીજું કોઈ એ કામ કરતું નથી ત્યારે મારે જ એ અપ્રિય કર્તવ્ય હાથ ધરવું પડે છે. વળી કદિક કદિક એમ પણ થઈ આવે છે: ‘જવા દો ને બધી પંચાત, પૃથ્વી પોતાના ચરખામાં પોતે જ તેલ પૂરી લેશે.’ પ્રાસ મેળવીને છન્દો ગૂંથી નાની નાની કવિતા લખવાનું મને ઠીક ફાવે છે, તો બધું પડતું મૂકીને હું મારે એકલો ખૂણામાં બેસીને એ કામ કર્યે જાઉં. મદગવિર્તા યુવતી. એના અનેક પ્રણયીઓ પૈકીના એક્કેયને છોડી દેવા ઇચ્છતી નથી. એના જેવી જ લગભગ મારી દશા થઈ છે. અનેક ‘મ્યુઝ’ પૈકી કોઈનેય હું નિરાશ કરવા ઇચ્છતો નથી. પણ એથી તો કામ ઘણું વધી જાય છે ને આ ‘લાંબી દોટ’ ભરવાના લોભમાં કશુંય પરિપૂર્ણ રીતે કરી શકાતું નથી. સાહિત્યના વિષયમાંય કર્તવ્યબુદ્ધિનો અધિકાર છે પણ બીજા વિષય પરત્વેની કર્તવ્યબુદ્ધિમાં ને આમાં તફાવત છે. શું કરવાથી જગતનું સૌથી વધારે ભલું થાય એનો વિચાર કરવાની જરૂર, સાહિત્ય રચતી વેળાએ, રહેતી નથી; પણ શું સૌથી વધારે સારી રીતે કરી શકું એવો જ વિચાર ત્યારે તો કરવાનો હોય છે. જીવનનાં બધાં ક્ષેત્રોમાં આવું જ હશે. મારી બુદ્ધિમાં જેટલું ઊતરે છે તે પરથી તો મને એમ લાગે છે કે કવિતા ઉપર જ મારો સૌથી વિશેષ અધિકાર છે, પણ મારો ક્ષુધાગ્નિ વિશ્વરાજ્ય અને મનોરાજ્યમાં સર્વત્ર પોતાની જ્વલન્ત શિખા પ્રસારવા ઇચ્છે છે. જ્યારે ગીત રચવાનું શરૂ કર્યું ત્યારે એમ લાગે કે એ કામમાં જ રચ્યો રહું તો કાંઈ ખોટું નહીં. વળી કશીક અભિનયની પ્રવૃત્તિમાં પડ્યો હોઉં ત્યારે એવો તો નશો ચઢે કે મનમાં થાય કે હવે મારે બીજું શું જોઈએ. આની પાછળ જ માણસ ધારે તો આખી જિંદગી આપી દઈ શકે. તો વળી ‘બાળલગ્ન’ કે ‘શિક્ષણમાં ફેરફાર’ જેવું લખવા બેસું ત્યારે જીવનનું સર્વોચ્ચ કાર્ય એ જ છે એવું લાગે, ને સમ ખવડાવીને બોલાવે તો સંકોચપૂર્વક કબૂલ કરવું જ રહ્યું કે ચિત્રકળા નામની એક કળા છે તે પ્રત્યે હું સદા હતાશ પ્રણયીની લુબ્ધ દૃષ્ટિએ જોઈ રહું છું પણ હવે એને પામવાની આશા નથી. સાધના કરવાની વય ચાલી ગઈ છે. બીજી વિદ્યાની જેમ એને સહજ રીતે પામવાનો કોઈ રસ્તો નથી, એ તો ધનુષભંગ જેવી આકરી કસોટી. પીંછીથી ફરી ફરી દોર્યે જ જવાની તકલીફ લીધા વિના એની કૃપા પામી શકાતી નથી. કવિતા લઈને બેસી રહેવાનું મારે માટે સૌથી સુવિધાભર્યું, મને લાગે છે કે એ જ સૌથી વિશેષ મને વશ થઈ છે; મારી બાલ્યવયની, મારી દીર્ઘકાળની અનુરાગવતી સંગિની. શિલાઇદહ ૯ ઓગસ્ટ, ૧૮૯૪

નદી બેઉ કાંઠે છલોછલ ભરાઈ ગઈ છે. સામો કાંઠો તો લગભગ દેખાતો નથી. પાણી કોઈ કોઈ સ્થળે અવાજ કરતાં ફાટી પડે છે તો કોઈ કોઈ સ્થળે અસ્થિર પાણીને બે હાથે દાબી દાબીને કોઈ જાણે સમથળ કરતું હોય એવું લાગે છે. આજે જોયું તો એક નાનું મરેલું પંખી પ્રવાહમાં તણાતું જતું હતું. એના મૃત્યુનો ઇતિહાસ ઠીક સમજાય છે. કોઈક ગામને કિનારે વાડીમાંના આંબાની ડાળ પર એનો માળો હશે. સાંજ વખતે માળામાં પાછા ફરીને એના સાથીઓની નરમ નરમ હૂંફભરી પાંખો સાથે પાંખ ભેળવીને થાક્યુંપાક્યું એ ઊંઘમાં ઢળી પડ્યું હશે. એકાએક રાત્રે પદ્માએ સહેજ પડખું ફેરવ્યું ને કાંઠાની જમીન ધસી પડી, માળામાંથી સરી પડેલું પંખી એકાદ ક્ષણ પૂરતું જાગી ઊઠ્યું હશે. ત્યાર પછી એને જાગવાનું રહ્યું નહીં! હું જ્યારે ગામડામાં રહું છું ત્યારે એક બૃહત્ સર્વગ્રાસી રહસ્યમયી પ્રકૃતિ આગળ મારી અને બીજા જીવોની વચ્ચેનો ભેદ નહીંવત્ લાગે છે. શહેરમાં મનુષ્યસમાજ ખૂબ મોટું સ્થાન પચાવી પાડે છે; ત્યાં એ નિષ્ઠુરતાથી પોતાનાં સુખદુ:ખ આગળ બીજાં કોઈ પ્રાણીનાં સુખદુ:ખને લેખામાં લેતો જ નથી. યુરોપમાં પણ માણસ એટલો તો જટિલ અને મોટો થઈને બેઠો છે કે એ જન્તુને બહુ બહુ તો જન્તુ માત્ર ગણે છે. ભારતવાસીઓ મનુષ્યમાંથી જન્તુ અને જન્તુમાંથી મનુષ્ય થવું એને કશું અસાધારણ ગણતા નથી; તેથી આપણા શાસ્ત્રમાં ભૂતમાત્ર માટેની દયાને એક અસમ્ભવ અતિરેક ગણીને છોડી દીધી નથી. ગામડામાં વિશ્વપ્રકૃતિની સાથે દેહે દેહે ઘનિષ્ઠ સંસ્પર્શ થતાં મારો ભારતવાસીનો સ્વભાવ જાગી ઊઠે છે. એક પંખીના સુકોમળ પીંછાંથી ઢંકાયેલા સ્પન્દમાન નાના શા હૃદયમાં જીવનનો આનન્દ કેવો તો પ્રબળ હોય છે તે હું હવે અચેતનભાવે ભૂલી જઈ શકું નહીં.