રવીન્દ્રપર્વ/૧૯૨. આનન્દરૂપ

Revision as of 05:30, 6 October 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૯૨. આનન્દરૂપ|}} {{Poem2Open}} સત્યમ્ જ્ઞાનમનન્તમ્ એઓ સત્યરૂપ છે, જ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૧૯૨. આનન્દરૂપ

સત્યમ્ જ્ઞાનમનન્તમ્ એઓ સત્યરૂપ છે, જ્ઞાનરૂપ છે, અનન્ત છે. એઓ અનન્ત સત્ય છે, એઓ અનન્તજ્ઞાને પોતે પોતાનામાં બિરાજે છે. આપણે એમને ક્યાં પામી શકીશું? ત્યાંથી તો વાણી ને મન પાછાં વળે છે. યતો વાચો નિર્વર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. પણ એ સત્ય જ્ઞાનમનન્તમ્ આપણી અંદર પ્રકટ થાય છે એમ પણ ઉપનિષદમાં કહ્યું છે. એઓ અગોચર નથી. પણ એઓ પ્રકટ ક્યાં થાય છે? આનન્દરૂપમમૃતં યદ્વિભાતિ એમનું આનન્દરૂપ અમૃતરૂપ આપણી આગળ પ્રકટ થાય છે. એઓ ક્યાં પ્રકાશમાન છે એવો પ્રશ્ન પૂછવાનો રહે ખરો! જે અપ્રકાશિત છે તેને વિશે જ આવો પ્રશ્ન પૂછી શકાય, પણ જે પ્રકાશિત છે તેને ‘ક્યાં પ્રકાશિત છે?’ એમ પૂછીને કોઈ શોધવા નીકળે નહીં. પ્રકાશ ક્યાં છે? આપણી ચારે બાજુએ જે જોઈએ છીએ તે જ પ્રકાશ. આપણી સામે, આપણી બાજુમાં, આપણી નીચે, આપણી ઉપર — એ ક્યાંય ગુપ્ત નથી, એનું સમસ્ત સુસ્પષ્ટ છે. એ આપણા ઇન્દ્રિયમનને વ્યાપી લઈને અહોરાત્ર રહ્યો છે:

સ એવાધસ્તાત્ સ ઉપરિષ્ટાત્ સ પશ્ચાત્ સ પુરસ્તાત્ સ દક્ષિણત: સ ઉત્તરત:

એઓ પોતે જ પ્રકાશ, એમના સિવાય બીજે ક્યાં પ્રકાશ હોઈ શકે? આપણે જેને પ્રકાશ કહીએ છીએ તે પ્રકટ્યો શી રીતે? એમની ઇચ્છાએ, એમના આનન્દે, એમના અમૃતે, એ સિવાય બીજું કશું કારણ સમજાવી શકે જ નહીં, એઓ આનન્દિત છે એ જ વાત સમસ્ત પ્રકાશ કહે છે. જે કાંઈ છે તે સમસ્ત એમનું આનન્દરૂપ છે, એમનું અમૃતરૂપ છે; આથી એમનું કશું જ અપ્રકટ રહી શકે નહીં. એમના આનન્દને કોણ ઢાંકી દઈ શકે? એવો મહા અન્ધકાર ક્યાં છે? એમના એક કણમાત્રનો પણ નાશ કરી શકે એવી શક્તિ કોની છે? એનું મૃત્યુ ક્યાં છે? એઓ તો અમૃત છે. સત્યમ્ જ્ઞાનમનન્તમ્. એઓ વાણી ને મનથી અતીત છે. પણ અતીત થઈને રહે છે ક્યાં? આ દસેય દિશાઓમાં એમણે આનન્દરૂપ પોતાનું નિ:શેષ દાન કરી દીધું છે. એઓ કાંઈ સંતાઈને રહ્યા નથી. જ્યાં આનન્દે અમૃતે એઓ પ્રકટ થાય છે ત્યાં પ્રાચુર્યને સીમા હોય જ શાની? ત્યાં વૈવિધ્યનો પણ અભાવ નહીં, ત્યાં કેવું ઐશ્વર્ય! કેવું સૌન્દર્ય! ત્યાં આકાશ શતધા વિદીર્ણ થઈને પ્રકાશે ને નક્ષત્રે ખચિત થઈ ઊઠે; ત્યાં રૂપ સદા નૂતન બનતું રહે. ત્યાં પ્રાણના પ્રવાહનો ક્યાંય અન્ત આવે નહીં. એઓ પોતે જ અનાદિ રૂપે પ્રત્યેક પળે પોતાનું દાન કરવા બેઠા છે, — લોક લોકાન્તર એ દાનને ધારણ કરી શકતા નથી. જુગજુગાન્તર સુધી એનો અન્ત દેખાતો નથી. કોણ કહી શકે કે એઓ દેખી શકાતા નથી? કોણ કહે છે કે એઓ શ્રવણથી અતીત છે? કોણ કહે છે કે એઓ પ્રગટ થતા નથી? એઓ તો પ્રકાશમાન છે: આનન્દરૂપમમૃતં યદ્વિભાતિ. હજારો આંખો હોત તોય એમને પૂરેપૂરા જોઈ શકાયા ન હોત. હજારો કાન હોત તોય એમની વાણી સાંભળીને ધરાઈ શક્યા ન હોત. જો એમને ગ્રહવાની જ ઇચ્છા હોય તો કેટલે દૂર સુધી બાહુ વિસ્તારીએ તો એઓ બાથમાં સમાઈ શકે! આ કેવું મોટું આશ્ચર્ય! મનુષ્યજન્મ લઈને આ નીલ આકાશમાં આંખો ખોલીને શું શું જોયું? બે કાન માંડીને અનન્ત રહસ્ય લીલામય સ્વરની ધારાનું આહારપાન કર્યા છતાં એનો અન્ત આવ્યો નથી. સમસ્ત શરીર પ્રકાશના સ્પર્શે, વાયુના સ્પર્શે, સ્નેહના સ્પર્શે, પ્રેમના સ્પર્શે, કલ્યાણના સ્પર્શે વિદ્યુત્લતાથી ખચિત અલૌકિક વીણાની જેમ વારે વારે સ્વાનન્દિત ઝંકૃત થઈ ઊઠ્યું છે. આપણે ધન્ય થઈ ગયા છીએ. આ પ્રકાશમાં પ્રકાશિત થઈને આપણે ધન્ય થઈ ગયા છીએ. પરિપૂર્ણ આનન્દના આ આશ્ચર્યજનક અપરિમેય પ્રાચુર્ય વચ્ચે, વૈવિધ્ય વચ્ચે ઐશ્વર્ય વચ્ચે જન્મીને આપણે ધન્ય થઈ ગયા છીએ. પૃથ્વીની ધૂળ સાથે, તૃણ સાથે, કીટપતંગ સાથે, ગ્રહતારા સૂર્ય ચન્દ્ર સાથે આપણે ધન્ય થઈ ગયા છીએ. ધૂળને આજે ધૂળ કહીને અવજ્ઞા કરશો નહીં, તૃણને આજે તૃણ રૂપે જ જોશો નહીં. તમારી ઇચ્છાથી આ ધૂળને પૃથ્વી પરથી તમે સાફ કરી શકવાના નથી. એ ધૂળ તો એમની ઇચ્છાથી જ અહીં છે. તમારી ઇચ્છાથી તમે આ તૃણને અવમાનિત કરી શકવાના નથી. આ શ્યામલ તૃણમાં એમનો જ આનન્દ મૂર્તિમાન બન્યો છે; એમનો આનન્દપ્રવાહ પ્રકાશમાં ઉચ્છ્વસિત થઈને આજે લાખ લાખ જોજન દૂરથી નવજાગૃતિના દેવદૂત રૂપે તમારી સુપ્તાવસ્થામાં તમારામાં પ્રવેશે છે. એને ભક્તિપૂર્વક અન્ત:કરણમાં આવકારો, એના સ્પર્શના યોગથી તમારી જાતને સમસ્ત આકાશમાં વ્યાપ્ત કરી દો. આજે પ્રભાતવેળાએ આ ક્ષણે પૃથ્વીના ગોળાર્ધના નવજાગ્રત સંસારમાં કર્મના કેવા તરંગો ઊછળી રહ્યા છે! એ બધા પ્રબળ પ્રયાસ અને વિપુલ ઉદ્યોગથી જે અનેક સુખદુ:ખ વિપદ્સમાદ્ ગ્રામેગ્રામે, નગરેનગરે, દૂરે દૂરાન્તરે હિલ્લોલિત ફેનાયિત થઈ ઊઠે છે તે બધું કેવળ એમની જ ઇચ્છાથી, એમના જ આનન્દથી. આટલું જાણી લઈને પૃથ્વીના સમસ્ત લોકાલયના કર્મકલરવના સંગીતને એક વાર સ્તબ્ધ થઈને અધ્યાત્મ કર્ણે શ્રવણ કરો. ત્યાર પછી સમસ્ત અન્ત:કરણથી કહો જે સુખે દુ:ખે એમનો જ આનન્દ, લાભક્ષતિમાં એમનો જ આનન્દ. જન્મમરણમાં એમનો જ આનન્દ રહ્યો છે. આનન્દ બ્રહ્મણો વિદ્વાન ન બિભેતિ કુતશ્ચન: બ્રહ્મના આનન્દને જે જાણે છે તેને કદી કશાનો ભય લાગતો નથી. ક્ષુદ્ર સ્વાર્થને ભૂલીને, ક્ષુદ્ર અહમિકાને દૂર કરીને તમારા પોતાના અન્ત:કરણને એક વાર આનન્દરૂપમમૃત યદ્વિભાવિ, આનન્દ રૂપે, અમૃત રૂપે જેઓ ચારે બાજુ પ્રકાશી રહ્યા છે તે આનન્દમયની ઉપાસના પૂરી થશે; કશો ભય, કશો સંશય, કશી દીનતા મનમાં રાખશો નહીં; આનન્દથી પ્રભાતે જાગો, આનન્દથી દિવસનાં કર્મ કરો, દિવસને અન્તે નિ:શબ્દ સ્નિગ્ધ અન્ધકારમાં આનન્દથી આત્મસમર્પણ કરી દો; તમારે બીજે ક્યાંય કશું શોધવાનું રહેશે નહીં. બધે જ જે આનન્દરૂપે એઓ વિરાજી રહ્યા છે તે આનન્દરૂપમાંથી આનન્દ પામવાની તમે સાધના કરો. જે કાંઈ તમારી સામે ઉપસ્થિત થાય તેને પૂરેપૂરા આનન્દ સહિત સ્વીકારી લેવાની સાધના કરો.

સમાદે સંકટે રહો કલ્યાણે, રહો આનન્દે નિન્દા અપમાને, સહુને ક્ષમા કરી રહો આનન્દે ચિર અમૃતનિર્ઝરે શાન્તિ રસપાને.

આપણી આ નાની સરખી આંખની દીપ્તિને જો આપણે નષ્ટ કરી બેસીએ તો આકાશવ્યાપી પ્રકાશને આપણે જોઈ શકીએ જ નહીં; એવી જ રીતે આપણા નાના મનના નાનાં નાનાં વિષાદ અવસાદ નૈરાશ્ય નિરાનંદ આપણને અન્ધ કરી દે. આનન્દરૂપમમૃતમ્ને આપણે જોઈ શકીએ નહીં. આપણી કાલિમા દ્વારા જ બિલકુલ પરિવેષ્ટિત થઈ જઈએ; ચારે બાજુ માત્ર તૂટીફૂટી વસ્તુઓ, અસમ્પૂર્ણતા ને અભાવને જ જોઈએ. આંધળાને મધ્યાહ્નનો પ્રકાશ પણ કાળો લાગે. આપણું પણ એમ જ બને. પણ એક વાર જો આંખ ખોલીએ, દૃષ્ટિ પામીએ; હૃદયમાં ક્ષણેક પણ જો એ આનન્દ સપ્તકે સપ્તકે ગરજી ઊઠે તો એ આનન્દના સૂર જગદ્વ્યાપી આનન્દના સમસ્ત સૂરની સાથે ભળી જાય, તો જે કાંઈ જોઈએ તેમાં એમને જ જોઈએ. આનન્દરૂપમમૃતં યદ્વિભાતિ. બાધાબન્ધનમાં, દુ:ખદારિદ્ય્રમાં, અપકારઅપમાનમાંય એમને જ જોઈએ. આનન્દરૂપમમૃતં યદ્વિભાતિ ત્યારે પળવારમાં આપણને સમજાઈ જાય, જે જે આનન્દે આકાશે આકાશે પ્રકાશ ઉદ્ભાસિત થઈ ઊઠે છે તે જ આનન્દ આપણામાં પરિપૂર્ણ બનીને પ્રકાશે છે. એ આનન્દમાં આપણે કોઈનાથી સહેજસરખા પણ ઊણા નથી, આપણે સૌની સાથે સરખા છીએ, આખા જગત માટે એકરૂપ છીએ. એ આનન્દમાં આપણને ભય નથી, પ્રીતિ નથી, અસમાનતા નથી. હું છું. કારણ કે મારામાં પૂર્ણ આનન્દ છે. કોણ એના કણ માત્રનો અસ્વીકાર કરી શકે એમ છે? તેથી આજે આનન્દના દિવસે, ઉત્સવના પ્રભાતે, આપણે સમસ્ત અન્તરથી બોલી શકીએ

એષાસ્ય પરમા ગતિ: એષાસ્ય પરમા સમ્પત્ એષોઅસ્ય પરમો લોક એષોઅસ્ય પરમ આનન્દ:

અને પ્રાર્થના જ આ આનન્દનો એવો એક અંશ અમને પ્રાપ્ત થાઓ કે જેનાથી સમસ્ત જીવનના પ્રત્યેક દિવસે સર્વત્ર એમનો જ સ્વીકાર કરીએ, ભયનો નહીં, દ્વિધાનો નહીં. એમનો જ સ્વીકાર કરીએ. આનન્દરૂપમમૃતં વિભાતિ. એઓ પ્રચુરરૂપે પોતાનું દાન કરી રહ્યા છે, આપણે પ્રચુરરૂપે કેમ ગ્રહણ કરી શકતા નથી? એઓ પ્રચુર ઐશ્વર્ય આનન્દમય દિગન્તને પૂર્ણ કરી રહ્યા છે, આપણે સંકુચિત થઈને, દીન થઈને, અત્યન્ત નજીવી ઇચ્છાઓ લઈને એ અવારિત ઐશ્વર્યના અધિકારથી આપણને વંચિત શા માટે કરીએ? હાથ લંબાવો, વક્ષસ્થળને વિસ્તૃત કરી દો, બે હાથ ભરીને, આંખ ભરીને, પ્રાણ ભરીને અનિરુદ્ધ આનન્દે સમસ્તને ગ્રહણ કરો. એમની પ્રસન્ન દૃષ્ટિ બધેથી જ તમને જોઈ રહી છે; તમે એક વાર તમારી બે આંખોને પ્રસન્ન બનાવીને જુઓ : એમનું પ્રસન્ન સુન્દર કલ્યાણમુખ તમારી અનન્તકાળથી રક્ષા કરી રહ્યું છે તે તમે જોઈ શકશો. એ કેવો પ્રકાશ, એ કેવું સૌન્દર્ય, એ કેવો પ્રેમ, એ કેવું આનન્દરૂપમમૃતમ્. જ્યાં દાનમાં લેશમાત્ર કૃપણતા નથી ત્યાં ગ્રહણમાં આવી કૃપણતા શા માટે? ઓ મૂઢ, ઓ અવિશ્વાસી, તારી સામે જ રહેલા એ આનન્દે મુખની ભણી જોઈને સમસ્ત પ્રાણમનને પ્રસારિત કરીને પાથરી દે; શક્તિપૂર્વક કહે: અલ્પ નહીં, મારે બધું જ જોઈએ. ભૂમૈવ સુખમ્ નાલ્પે સુખમસ્તિ. ‘તમે જેટલું આપો છો તેટલું બધું જ હું લઈશ. હું નાની નજીવી વસ્તુને ખાતર મારી વસ્તુને બાદ કરીશ નહીં. હું એકને પામવાને બીજાથી વંચિત થઈશ નહીં; હું એવું સહજ ધન લઈશ જે દસે દિશામાં છલકાઈ રહ્યું છે, જેના અર્જનમાં આનન્દ, જેના રક્ષણમાં આનન્દ, જેનો વિનાશ નહીં, જેને માટે જગતમાં કોઈની સાથે ઝઘડો કરવો પડે નહીં. તમારો જે પ્રેમ અનેક દેશે અનેક કાળે, અનેક રસે, અનેક ઘટનાએ અવિશ્રામ આનન્દે અમૃતે વિકસી રહ્યો છે, જેના પ્રકાશનો ક્યાંય અન્ત નથી તેને જ કેવળ પામી શકું, તે જ તમારા પ્રસાદથી મારામાં અંકુરિત થઈ ઊઠો.’ જ્યાં બધું જ દઈ દેવામાં આવે છે ત્યાં પામવાની ક્ષમતા ખોઈ બેસીને કંગાળની જેમ રઝળતો નહીં ફરું. જ્યાં આનન્દરૂપમમૃતમ્ તમે પોતાને સ્વયં પ્રકટ કરી રહ્યા છો ત્યાં સર્વદા સર્વત્ર તમને જોવા છતાં ન જોઈને આખુંય જીવન શોકદુ:ખ શ્રાન્તિજરા વિચ્છેદક્ષતિમાં ગાળીને નિસાસા નાખીને સંસારમાંથી વિદાય લેવી પડે એવી મૂઢતા હું નહીં કરું. ગુજરાત : દીપોત્સવી અંક નવેમ્બર ૧૯૫૦