રવીન્દ્રપર્વ/રવીન્દ્રનાથ

Revision as of 07:37, 6 October 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|રવીન્દ્રનાથ|}} {{Poem2Open}} જરાય પરિશ્રમ નહીં, માત્ર સરળતા. ગહનતમ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


રવીન્દ્રનાથ

જરાય પરિશ્રમ નહીં, માત્ર સરળતા. ગહનતમ ચર્ચા કરે, પરન્તુ એટલા જ હળવા, કશો આયાસ ક્યાંય મળે જ નહીં. પણ્ડિતની વાત કરતાં પૃથ્વીનો અન્ત કલ્પીને પણ એમની અભિવ્યક્તિમાં ભયનો જરા સરખો કમ્પ દેખાતો નથી. આક્રોશ શ્રુતિ પર પડતો નથી. સાચી કવિતા તો વિશ્વયોજનાના મેરુદણ્ડરૂપ ઋત વિશેની કવિચિત્તની આસ્થાનું દૃઢ આલમ્બન પામીને જન્મે છે ને ભાવકના ચિત્તમાં પણ એ આલમ્બનને દૃઢ કરી સ્થાપે છે. એમાં છન્દ અલંકાર બધું ગૌણ બની જાય છે. આ ગદ્યકાવ્યોમાં આપણને આથી વધારે માગવાની વૃત્તિ જ જાણે થતી નથી. એણે જેટલું આપ્યું છે તેટલું જ જાણે ચિત્તમાં ઘુંટાયા કરે એવી સાહજિક ઇચ્છા થઈ જાય છે. ‘છેલ્લો પત્ર’નો કરુણ અતિશય વેધક છે. મર્મનાં ગહનતમ ગહ્વરોને એ સ્પર્શે છે. છતાં એ કરુણ કેટલો સંયત છે! વેદનાની નાની સરખી ચીસ આપણને સંભળાતી નથી. એ વેદનાને તો કવિચિત્તમાં જ કરુણના પુટ પર પુટ ચઢ્યા હોય છે. આયુર્વેદની સહજપુટી ભસ્મની જેમ એ કરુણ, એ વિષાદ ને એ વેદના સંજીવની બની રહે છે. એણે એના મર્મમાં જઈ સનાતનને સુન્દરતમ રૂપે જોયું છે. એની પ્રત્યેની દૃઢ આસ્થા એમના કાવ્યમાં અનુભવાય છે. આસક્તિ-અનાસક્તિ વિશે ગમે તેટલી બૂમો પાડી ચર્ચાઓ કરીએ. મોટા મોટા ગ્રન્થો વાંચીએ તોયે જે ન લાધે તેને કેવી સરળતાથી રવીન્દ્રનાથ હસ્તામલકવત્ બનાવી દે છે. ‘રમકડાંની મુક્તિ’ જેવા કાવ્યમાં બાળવાર્તાની શૈલીમાં એમણે એ પ્રશ્નને આપણા ચિત્તમાં સ્થાપ્યો છે. ઠાકુર આપણને સત્યના ચિત્રકૂટ શિખર પર લઈ જાય છે ત્યાં સુધી તો કશી ખબર પડતી નથી. પરન્તુ જ્યારે બધું ઝળાંહળાં થઈ રહે, જ્યોતિર્મય થઈ જાય ત્યારે જ આપણને સત્ય લાધ્યાની પરમ મુદાની અનુભૂતિ થાય છે.

  • * *

દેહ અને મનના સિંહાસને સૃષ્ટિના આદિકાળથી સુપ્રતિષ્ઠિત થઈને બેઠેલા પ્રણયના અનિર્વચનીય ભાવબન્ધને યુગે યુગે અને દેશે દેશે કવિની ભારતીએ નવનવો શબ્દદેહ અર્પ્યો છે. આ સર્વનાશી, સર્વગ્રાસી અને ઊર્ધ્વગામી આત્મૈક્ય માટેની માનવહૃદયમાં સદૈવ પ્રજ્વળતી ઝંખનાની વેદીમાં સર્વ કોઈ કવિએ પોતપોતાની સાધનસંપત્ અને અનુભૂતિ અનુસાર હવિનું સમર્પણ કરી કૃતકૃત્યતા માની છે. પણ આ લોકોત્તર અને દુષ્પ્રાપ્ય, અગાધ અને અવિનાશી, સ્વસંવેદ્યમાત્ર અને શબ્દાતીત ચેતોવિકારને બહુ જ થોડા કવિઓ યથાર્થપણે સમજી કે પામી શક્યા છે. જેને એનો સાચો પરિચય અપરોક્ષ રીતે થયો છે તે તો વાણીનાં બધાંય ઉપકરણો નિરુપયોગી માની ત્યજી દે છે. શબ્દબાહુલ્ય કે અલંકારની મંજૂષા અણઉઘાડી પડખે જ પડી રહે છે. પ્રણયને એના સત્ય સ્વરૂપે ઓળખનાર, સંસ્કૃત સાહિત્યમાં એક માત્ર ભવભૂતિ શબ્દની વન્ધ્યતા સ્વીકારી માત્ર આટલું — હૃદયં ત્વેવ જાનાતિ પ્રીતિયોગં પરસ્પરમ્ | સ્નેહસ્તસ્યા: સ તાદૃશ:| તત્તસ્ય કિમપિ દ્રવ્યં યો હિ યસ્ય પ્રિયો જન: | કહી કહેવાનું બધું જ કહી જાય છે. શબ્દ એને સ્પર્શી શકતો નથી છતાંય મહાકવિ તો શબ્દના વ્યવધાનની સહાયથી જ એને પામે છે. અનેક યુગો થયા અનેક કવિઓના શબ્દાઘાતથી અતિક્ષુણ્ણ અને જર્જરકાય થઈ ગયેલા પ્રણયના દેહમાં અજર, અમર, સનાતન, રહેલા દેહીને તો બહુ થોડા કવિઓએ ઓળખ્યો છે. આ અલ્પસંખ્યક કવિગણમાં રવીન્દ્રનાથ એમના દર્શનની વિશિષ્ટતાએ રવિ જેમ પ્રકાશી અન્ય તારાનક્ષત્રોને ઝાંખા પાડી દે છે. એમનું પ્રણયદર્શન શ્રૌતકાલની સૂક્તિઓ જેવું જ સદ્યોજાત, છતાંય નિતાન્ત સુપરિચિત, અનલંકૃત છતાંય મર્મસ્પર્શી, અન્તસ્તલના ચિરપ્રસુપ્ત ભાવપટલોને વિક્ષુબ્ધ કરતું છતાંય શાન્તિપ્રદ અને શુભંકર છે. દેહસૌષ્ઠવનાં માધુર્ય કે ગાત્રની મોહિનીમાં અવરુદ્ધ ન બનતાં એ અનેક રૂપે, અનેક વર્ણે, અનેક ક્ષણે વિભક્ત બની સીમાશૂન્ય અનન્તમાં ભળી જઈ પૂર્ણતા પામે છે. દેહમનનાં બન્ધનોની પેલી પાર રહેલાં, દૂર થકીય દૂર અને છતાંય નિકટતમને એ ઓળખી કાઢે છે. એના મિલનને જેમ દેહની સીમા મોહમુગ્ધ કરી બાંધી રાખી શકતી નથી તેમ એના વિરહને કરુણા કે સમુત્સુકતા અસંયત બની વિક્ષુબ્ધ નથી કરી શકતાં. જેને એ ચાહે છે તેને એ સદાય, શત રૂપે, શતવાર, જન્મે જન્મે, યુગે યુગે ચાહે છે. મૃત્યુજનિત વિચ્છેદ જે સામાન્ય કવિને ભાનભૂલો બનાવી અશ્રુજલથી ક્લિન્નપ્રતિભ બનાવી દે છે તે જ વિચ્છેદ એને સહેજ પણ વિધુર કે ઉદ્ભ્રાન્ત કરી શકતો નથી. પ્રિયજનના વિસ્મરણને જ વિચ્છેદ માનનાર, પુરાતન પ્રેમને નિત્યનૂતન સ્વરૂપે જોનાર, વ્યર્થતાની વેદનાથી ન પીડાતાં, અન્તહીન નીરવતામાં જ એ પ્રેમને પૂર્ણતયા પામે છે. સુખદુ:ખના શતલક્ષ આઘાતોથી ભરેલી સંસારયાત્રામાં ચિરકાલની પોતાની પ્રેયસીનાં ગીતો ગાઈ પ્રેમના બન્ધનવિરહિત આનન્દનું પ્રદાન સીમાશૂન્ય વિશ્વને કરનાર એ પ્રણયનો એકમાત્ર અને સાચો કવિ છે. ‘(વાણી’ના રવીન્દ્રવિશેષાંકનું પ્રાસ્તાવિક આષાઢ શ્રાવણ ૨૦૦૪)