૨. ઉમાશંકર જોશીનું કથાસાહિત્ય

Revision as of 08:52, 6 October 2021 by KhyatiJoshi (talk | contribs)
૨. ઉમાશંકર જોશીનું કથાસાહિત્ય

ધનસુખલાલ મહેતાએ ‘આરામખુરશીએથી’ ગ્રંથમાં ઉમાશંકરનાં ‘વિવિધ કાર્યોનો ક્રમ’ (ઉચ્ચાવચ ક્રમ જ ને ?) ગોઠવીને નીચે પ્રમાણેની વ્યવસ્થા૧ આપી છે !

૧. કવિ તરીકે ૨. એકાંકી નાટ્યકાર તરીકે ૩. સંશોધનકાર અને કાવ્યવિવેચક તરીકે ૪. નવલિકાકાર તરીકે ૫. નવલકથાકાર તરીકે

આ વ્યવસ્થા કંઈક વિચિત્ર છે ને આમેય ‘કાવ્યવિવેચક’ અને ‘નવલિકાકાર’માં કાવ્યવિવેચકને પ્રથમ સ્થાન કયા ધોરણે એ કેટલીક રીતે અટકળનો વિષય પણ રહે છે. આવાં જોખમી તારણોથી વિવેચકે બચતા રહેવું એ જ ઇષ્ટ છે, ને છતાંય પ્રસંગોપાત્ત, એવી વાત કરવાની આવે ત્યારે સર્જન અને વિવેચનના અલગ ક્ષેત્ર પૂરતો તો વિવેક કરવો જ જોઈએ. વળી આ તો ‘જ્યોતિર્ધર’માંનું ૪–૯–૧૯૪૩ની તારીખનું લખાણ છે. તે પછી તો ઉમાશંકરનું નિબંધકાર, ચરિત્રકાર આદિની હેસિયતથી થયેલું કાર્ય તો બાકી જ રહે છે. ઉમાશંકરનું જેમ ગુજરાતી કવિતા અને એકાંકીના ક્ષેત્રમાં, તેમ ટૂંકી વાર્તામાં પણ પ્રદાન મહત્ત્વનું છે અને તેથી એમના વાર્તાક્રમની ચર્ચા વિનાનો ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ અધૂરો જ રહે. જેમ કવિતામાં તેમ વાર્તામાં પણ સુન્દરમ્ અને ઉમાશંકરનાં નામ જોડાજોડ બોલાય છે અને તેથી ધનસુખલાલ જેવા સાહિત્યકાર નીચેનાં જેવાં રમૂજ પડે એવાં વિધાન પણ કરી બેસે છે. તેઓ અલબત્ત, આશ્ચર્યવિરામ વાપરીને લખે છે :

“કવિતાના ક્ષેત્રમાં ઉમાશંકરે સુન્દરમ્ને મહાત કર્યા એ વાત સૌ કોઈ સ્વીકારી લે છે, તે પ્રમાણે નવલિકાના ક્ષેત્રમાં સુન્દરમે ઉમાશંકરને ચીત કરી દીધા છે એની પણ કોઈ ના નહિ પાડી શકે !”

આ દરેકની વાર્તાકાર તરીકેની પોતાની આગવી ખૂબી છે અને તેથી શુદ્ધ વાર્તાકલાની દૃષ્ટિએ જ એમના વાર્તાકર્મનું સામર્થ્ય તપાસાય એ ઇષ્ટ છે. સુન્દરમ્ ‘ખોલકી’ લખી શક્યા, ઉમાશંકર લખી શકે ? – આવા પ્રશ્નો ઊભા કરીને બંનેના વિશિષ્ટ સર્જકવ્યક્તિત્વ પ્રત્યે ધ્યાન પણ કેન્દ્રિત કરી શકાય. બંનેની વાર્તાકલાની તુલના અમુક હદ સુધી રસપ્રદ પણ રહે; દા. ત., જયંત પાઠકે આ બંનેના સંદર્ભે વાત કરતાં લખ્યું છે :