ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક્ષ

Revision as of 08:47, 9 October 2021 by KhyatiJoshi (talk | contribs)
ક્ષ

ક્ષમા- : જુઓ ખીમ- અને ખેમ-.

ક્ષમાકલશ [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : રાસકવિ. આગમગચ્છના જૈન સાધુ. અમરરત્નસૂરિની પરંપરામાં કલ્યાણરાજના શિષ્ય. ‘સુંદરરાજા-રાસ’ (ર.ઈ.૧૪૯૫/સં. ૧૫૫૧, વૈશાખ વદ -, શનિવાર) અને ધર્મથી જય અને પાપીનો ક્ષય એ સિદ્ધાંતને વૈરસિંઘરાજાના પુત્ર લલિતાંગકુમારના કથાનક દ્વારા ચરિતાર્થ કરતા ૨૧૭ કડીના ‘લલિતાંગકુમાર-રાસ’ (ર.ઈ.૧૪૯૭/સં. ૧૫૫૩, ભાદરવા વદ ૧૧, શનિવાર; મુ.)ના કર્તા. કૃતિ : લલિતાંગકુમાર રાસ, સં. કનુભાઈ શેઠ, ધનવંત શાહ, ઈ.૧૯૮૨. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૧; ૨. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]

ક્ષમાકલ્યાણ(ઉપાધ્યાય) [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ - અવ. ઈ.૧૮૧૭/સં. ૧૮૭૩, પોષ વદ ૧૪] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનલાભસૂરિની પરંપરામાં અમૃતધર્મના શિષ્ય. એમનું ૭ કડીનું ‘શંખેશ્વરપાર્શ્વ-સ્તવન’ સૌથી જૂનું રચનાવર્ષ ઈ.૧૭૭૦ (સં. ૧૮૨૬, વૈશાખ - ૩) બતાવે છે એના આધારે કવિના જીવનની પૂર્વમર્યાદા ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ ગણી શકાય. અવસાન બિકાનેરમાં. એમના સમયના ખરતરગચ્છીય વિદ્વાનોમાં અગ્રગણ્ય એવા આ કવિએ વ્રજ-હિન્દી અને ગુજરાતી કરતાં સંસ્કૃતમાં ઘણી રચનાઓ કરી છે અને એમની રચનાઓમાં ગદ્યકૃતિઓનું પ્રમાણ મોટું છે. ગુજરાતી પદ્યમાં એમણે ‘ચૈત્યવંદન-ચોવીશી/જિનનમસ્કાર-ચોવીશી’ (ર.ઈ.૧૮૦૦/સં. ૧૮૫૬, જેઠ સુદ ૧૩; મુ.), ૫૩ કડીની ‘થાવચ્ચાપુત્ર અણગાર ચોઢાળિયાં’ (ર.ઈ.૧૭૯૧/સં. ૧૮૪૭, આસો સુદ ૧૦; મુ.), ૩ ઢાળની ‘અઇમત્તાઋષિની સઝાય’ (મુ.) અને તીર્થયાત્રા તથા પ્રતિષ્ઠાના પ્રસંગોએ રચાયેલાં ને તેથી ક્યારેક ઐતિહાસિક માહિતી પણ ધરાવતાં ઘણાં સ્તવનો તેમ જ કેટલીક સઝાયો રચેલ છે. એમનાં પ્રકીર્ણ સ્તવનો-સઝાયોમાંથી ઘણાં મુદ્રિત મળે છે. ગુજરાતી ગદ્યકૃતિઓમાં પાક્ષિકાદિપ્રતિક્રમણ વિધિને સંગૃહીત કરી લેતો ૪૨૦ ગ્રંથાગ્રનો ‘શ્રાવકવિધિસંગ્રહપ્રકાશ’ (ર.ઈ.૧૭૮૨) એ ગ્રંથ આ વિષયના પૂર્વપરંપરાના અનેક ગ્રંથોની સહાયથી રચાયેલો છે. આ ઉપરાંત, એમનું સંસ્કૃતમાં ‘પર્યુષણઅષ્ટાહ્નિ-કાવ્યાખ્યાન’ તેમ જ ગુજરાતીમાં પણ ‘પર્યુષણઅઠ્ઠાઈવ્યાખ્યાન’ (ર.ઈ.૧૮૦૪) નોંધાયેલ મળે છે. એ જ રીતે સ્વરચિત સંસ્કૃત ‘યશોધર-ચરિત્ર’ (ર. ઈ.૧૭૮૩)નો બાલાવબોધ (ર.ઈ.૧૭૮૩) એમણે રચ્યો છે. કવિએ સંસ્કૃતમાં ‘પ્રશ્નોત્તરસાર્ધશતક’ (ર.ઈ.૧૭૯૫) રચેલ છે તેને હિંદી ગદ્યમાં પણ ઉતારેલ છે (ર.ઈ.૧૭૯૭). તે ઉપરાંત, ‘અંબડ-ચરિત્ર’ એ ગદ્યકૃતિ, ‘જયતિહુઅણ-સ્તોત્ર’ અને કેટલાંક સ્તવનાદિ પણ એમણે હિંદીમાં રચેલ છે. કવિની સંસ્કૃત કૃતિઓ અનેક ગ્રંથોના દોહન રૂપે અને સાદી ભાષામાં હોય છે. ઉપર ઉલ્લેખાઈ ગઈ છે તે ઉપરાંતની એમની સંસ્કૃત રચનાઓ આ પ્રમાણે છે : ‘ખરતરગચ્છ-પટ્ટાવલી’ (ર. ઈ.૧૭૭૪), ‘શ્રીપાલ-ચરિત્ર’ (ર.ઈ.૧૮૧૩), ‘સમરાદિત્ય-ચરિત’, ‘ચાતુર્માસિકહોલિકાદિદશપર્વ-કથા’ (ર.ઈ.૧૭૭૯), અક્ષયતૃતીયા આદિ કેટલાંક પર્વોનાં વ્યાખ્યાનો, ‘સૂક્તમુક્તાવલી’, ‘જીવવિચાર’ વગેરે પર કેટલીક વૃત્તિઓ ને વ્યાખ્યાઓ, ‘પરસમયસારવિચારસંગ્રહ’, ‘વિજ્ઞાનચંદ્રિકા’ (ર. ઈ.૧૭૯૩) તથા પોતાના ગુરુ અમૃતધર્મ વિશેનાં કેટલાંક અષ્ટકો. કવિ કેવળ ‘કલ્યાણ’ એ નામછાપથી પણ કાવ્યો રચે છે તેથી તેમની કૃતિઓ કેલાક સંદર્ભોમાં કલ્યાણને નામે ચડી ગઈ હોવાનું જોવા મળે છે. જુઓ કલ્યાણ. કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ (+સં.); ૨. ચૈત્યવંદનસ્તવનસંગ્રહ, પ્ર. સુગનચંદજી ઉ. બાંઠિયા, સં. ૧૯૮૨; ૩. જૈસસંગ્રહ(ન.); ૪. બે લઘુ રાસકૃતિઓ, સં. રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૮૪; ૫. મોસસંગ્રહ. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ:૩ (૧, ૨); ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ:૧. [ર.સો.]

ક્ષમાકીર્તિ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ - ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. ધર્મમૂર્તિની પરંપરામાં હર્ષવર્ધનના શિષ્ય. ધર્મમૂર્તિના આચાર્યકાળ(ઈ.૧૫૪૬ - ઈ.૧૬૧૪/૧૬૧૫)માં રચાયેલી ૨૧ કડીની ‘સીમંધરસ્વામી-વિનંતી’ (લે. સં. ૧૭મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપૂગૂહસૂચી. [શ્ર.ત્રિ.]

ક્ષમાપ્રમોદ : આ નામે ‘ધર્મદત્ત-ચન્દ્રધવલનૃપકથા-ચોપાઈ’ (ર.ઈ.૧૭૭૦/સં. ૧૮૨૬, અસાડ સુદ ૨) એ જૈન કૃતિ નોંધાયેલી મળે છે તે ક્ષમાપ્રમોદ-૧ છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬ - ‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોકી સૂચી’, સં. અગરચંદજી નાહટા;  ૨. હેજૈજ્ઞાસૂચિ:૧. [શ્ર.ત્રિ.]

ક્ષમાપ્રમોદ-૧[ ] : જૈન સાધુ. રત્નસમુદ્રસૂરિના શિષ્ય. ૪૮ કડીના ‘નિગોદવિચાર-ગીત’ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૨). [શ્ર.ત્રિ.]

ક્ષમામાણિક્ય  [ ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : ગદ્યકાર. ખરતરગચ્છના જૈન સાધુ. ‘સમ્યક્ત્વભેદ’ (ર.ઈ.૧૭૭૮), ‘ગણધરવાદ-બાલાવબોધ’ (ર.ઈ.૧૭૮૨) અને ‘ક્ષેત્રસમાસ-બાલાવબોધ’ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧). [શ્ર.ત્રિ.]

ક્ષમારત્ન(વાચક)-૧  [ઈ.૧૪૮૯માં હયાત] : રાજગચ્છના જૈન સાધુ. પદ્માનંદસૂરિના શિષ્ય. ઈ.૧૪૮૯માં હયાત હોવાની માહિતી મળે છે. ૧૫ કડીના ‘(ફલવર્ધી) પાર્શ્વનાથ-સ્તવન’ની રચના એમણે કરેલી છે. સંદર્ભ : ૧ જૈનપરંપરાનો ઇતિહાસ:૨, સં. મુનિશ્રી દર્શનવિજય વગેરે, ઈ.૧૯૬૦;  ૨. ડિકૅટલૉગભાઈ:૧૯(૧). [ર.સો.]

ક્ષમારત્ન-૨/ખીમારતન/ખેમરતન  [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. ૫ કડીના ‘શત્રુંજય-પદ/સિદ્ધાચલ-સ્તવન’ (ર.ઈ.૧૮૨૬ કે ૧૮૨૭/સં. ૧૮૮૨ કે ૧૮૮૩, અસાડ વદ ૮, મંગળવાર; મુ.)ના કર્તા. કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. જૈકાપ્રકાશ:૧. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧. [ર.સો.]

ક્ષમાલાભ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. ઉપાધ્યાય મુક્તિલાભના શિષ્ય. ‘સ્નાત્રપૂજા’(મુ.), ગચ્છનાયક મુક્તિસાગરસૂરિ સાથે પાવાગઢની યાત્રા કરી તે પ્રસંગે રચાયેલ ‘મહાકાલી માતાનો છંદ’ (ર.ઈ.૧૮૩૭/સં. ૧૮૯૩, ચૈત્ર વદ ૧૨), નવપદજીનાં સ્તવનો (ર.ઈ.૧૮૪૧/સં. ૧૮૯૭, આસો સુદ ૧૫, શનિવાર) તથા સવૈયા-સ્તવનો(ર.ઈ.૧૮૪૩)ના કર્તા. કૃતિ : ૧. અંચલગચ્છે સ્નાત્ર પૂજાદિ તપસંગ્રહ, પ્ર. કુંવરબાઈ, ઈ.૧૮૯૭; ૨. વિવિધ પૂજા સંગ્રહ : ૧-૧૧, પ્ર. જશવંતલાલ ગિ. શાહ, -. સંદર્ભ : ૧ અંચલગચ્છ દિગ્દર્શન, સં. ‘પાર્શ્વ’, ઈ.૧૯૬૮. [શ્ર.ત્રિ.]

ક્ષમાસાગર [ઈ.૧૬૭૫માં હયાત] : જૈન સાધુ. ૨ ઢાળના ‘શત્રુંજયબૃહત્-સ્તવન’ (ર.ઈ.૧૬૭૫/સં. ૧૭૩૧, ચૈત્ર સુદ ૫)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨. [શ્ર.ત્રિ.]

ક્ષમાહંસ [ઈ.૧૬૪૧ સુધીમાં] : જૈન. હિન્દી-ગુજરાતી મિશ્ર ભાષાની, ૫૫ કડીની ‘ક્ષેમ-બાવની/ખેમ-બાવની’ (લે.ઈ.૧૬૪૧)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧); ૨. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]

ક્ષાંતિસાગર [ઈ.૧૮૧૮ સુધિમાં] : જૈન સાધુ. ૧૧ કડીના ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન’ (લે. ઈ.૧૮૧૮)ના કર્તા. સંદર્ભ : લીંહસૂચી. [શ્ર.ત્રિ.]

ક્ષુલ્લકકુંવર [               ]: જૈન સાધુ. ‘સાધનાગુણસંગ્રહ’ (લે. સં. ૧૭મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : રાહસૂચી:૨. [શ્ર.ત્રિ.]

ક્ષેમ- : જુઓ ખીમ- અને ખેમ-.

ક્ષેમકલશ [ ઈ.૧૬૧૪માં હયાત] : જૈન સાધુ. ‘અગડદત્તની ચોપાઈ’ - (ર.ઈ.૧૬૧૪/સં. ૧૬૭૦, કારતક સુદ ૩, બુધવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧). [શ્ર.ત્રિ.]

ક્ષેમકુશલ [ઈ.૧૬૦૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં મેઘમુનિના શિષ્ય. આ કવિએ ૪૬૬ કડીની ‘લૌકિકગ્રંથોક્તધર્માધર્મવિચારસૂચિકા-ચતુષ્પદિકા’ (ર.ઈ.૧૬૦૧/સં. ૧૬૫૭, વૈશાખ સુદ ૧૦, શુક્રવાર), ૪૬૨ કડીની ‘રૂપસેનકુમાર-રાસ’, ૭૮ કડીની ‘શ્રાવકાચાર-ચોપાઈ’, ૪૨ કડીની ‘વિમલાચલ/શત્રુંજયસ્તવન’ અને હીરવિજયસૂરિ, વિજયસેનસૂરિ આદિ પરની સઝાયો - એ કૃતિઓની રચના કરી છે. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૧, ૩(૧); ૨. મુપૂગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ:૧. [ર.સો.]

ક્ષેમદાસ [ઈ.૧૮૪૪ સુધીમાં] : પદો(લે. ઈ.૧૮૪૪)ના કર્તા. સંદર્ભ : ગૂહાયાદી [કી.જો.]

ક્ષેમરત્ન(ગણિ) [ઈ.૧૮૭૨ સુધીમાં] : જૈન સાધુ. રત્નશેખરસૂરિની મૂળ પ્રાકૃત રચના ‘ક્ષેત્રસમાસ’ પર ૪૫૭૫ ગ્રંથાગ્રના બાલાવબોધ(લે.ઈ.૧૮૭૨)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧. [શ્ર.ત્રિ.]

ક્ષેમરાજ : આ નામે ૧૫ કડીની ‘આદિનાથ-વિવાહલો’ અને ૮ કડીની ‘પાર્શ્વનાથ-વિવાહલો’ એ કૃતિઓ મળે છે તે કયા ક્ષેમરાજ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : પ્રાકારૂપરંપરા. [કી.જો.]

ક્ષેમરાજ(ઉપાદ્યાય)-૧/ખેમરાજ(ગણિ) [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનકુશલસૂરિની પરંપરામાં સોમધ્વજના શિષ્ય. છાજહડ ગોત્રના શાહ લીલાના પુત્ર. માતા લીલાદેવી. આ કવિએ ઈ.૧૪૬૦માં જિનચંદ્રસૂરિ પાસે દીક્ષા લીધાનો અને ઈ.૧૫૧૩માં કોઈ શ્રાવકે એમની પાસે વ્રત ગ્રહણ કર્યાનો ઉલ્લેખ મળે છે. આ પરથી કવિ ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ અને ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ દરમ્યાન હયાત હોવાનું કહી શકાય. આ કવિએ ૮૧ કડીની ‘શ્રાવકાચાર-ચોપાઈ’ (ર.ઈ.૧૪૯૦), ‘ઉપદેશ-સપ્તતિકા’ (ર.ઈ.૧૪૯૧), ૫૦/૬૫ કડીની ‘ઇષુકારી-ચરિત્ર/ચોપાઈ/પ્રબંધ/સંધિ’, ૫૩ કડીની ‘ચારિત્રમનોરથમાલા’, ૨૫ કડીનો ‘(ફલવર્ધી)પાર્શ્વનાથ-રાસ’, ૨૩ કડીની ફાગુબંધની ‘મંડપાચલ(માંડવગઢ)ચૈત્ય-પરિપાટી’ (મુ.), ‘પાર્શ્વ-એકસોઆઠનામ-સ્તોત્ર’ તથા કેટલાંક સ્તવનો અને સઝાયો - એ કૃતિઓ રચી છે. કૃતિ : જૈનયુગ, મહા-ચૈત્ર, ૧૯૮૫ - ‘મંડપાચલ(માંડવગઢ)ચૈત્યપરિપાટી’, સં. મોહનલાલ દ. દેશાઈ (+સં.). સંદર્ભ : ૧. ઐજૈકાસંગ્રહ;  ૨. જૈગૂકવિઓ:૩(૧); ૩. જૈમગૂકરચનાએં૧; ૪. રાહસૂચી:૧; ૫. હેજૈજ્ઞાસૂચિ:૧. [ર.સો.]

ક્ષેમરાજ-૨ [ઈ.૧૬૧૮માં હયાત] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. સાગરચંદ્રસૂરિના શિષ્ય. ‘સંથારપયન્ના-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૧૮/સં. ૧૬૭૪, કારતક સુદ ૨, મંગળવાર) તથા ‘શ્રુતબોધ-બાલાવબોધ’ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૨); ૨. હેજૈજ્ઞાસૂચિ:૧. [ર.સો.]

ક્ષેમવર્ધન [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-૧ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં હીરવર્ધનના શિષ્ય. એમના દુહા-દેશીબદ્ધ ૪૫ ઢાળના ‘પુણ્યપ્રકાશ-રાસ’ (ર.ઈ.૧૮૧૪/સં. ૧૮૭૦, અસાડ સુદ ૧૩, ગુરુવાર; મુ.)ને ‘શાંતિદાસ શેઠનો રાસ’ તરીકે ઓળખવામાં આવેલ છે પરંતુ કૃતિમાંના કવિના નિર્દેશો તથા પુષ્પિકા જોતાં એને ‘વખતચંદ શેઠનો રાસ’ કહેવો જોઈએ. એમાં, આરંભમાં સાગરગચ્છની સ્થાપના કરનાર રાજસાગરને સૂરિપદ અપાવવામાં ભાગ ભજવનાર તથા જહાંગીર-બાદશાહનું સન્માન મેળવનાર રાજનગર(અમદાવાદ)ના શ્રેષ્ઠી શાંતિદાસના જીવનની નોંધપાત્ર ઘટનાઓનું વર્ણન કર્યા પછી એમના પુત્ર વખતચંદ શેઠના જન્મથી મૃત્યુપર્યંતના જીવનવૃત્તાંતની રૂપરેખા આપવામાં આવી છે. પારિવારિક વીગતો તથા લગ્નપ્રસંગ, સંઘયાત્રા વગેરેનાં વર્ણનોને સમાવતો આ રાસ ઐતિહાસિક-સામાજિક માહિતીની દૃષ્ટિએ વધારે નોંધપાત્ર બને છે. આ ઉપરાંત, આ કવિએ ૫૩ ઢાળનો ‘સુરસુંદરી-અમરકુમાર-રાસ’ (ર.ઈ.૧૭૯૬), ‘શ્રીપાળ-રાસ’ (ર.ઈ.૧૮૨૩), ૧૫ કડીની ‘ઢંઢણઋષિની સઝાય’ (મુ.) અને ૧૧ કડીની ‘હિતશિખામણ-સઝાય’ (મુ.) એ કૃતિઓ રચેલી છે. ૭ કડીનું ‘ધર્મનાથ-સ્તવન’ (મુ.) ક્ષેમવર્ધનને નામે મળે છે તે આ જ કવિની રચના હોવાનું સંભવ છે. કૃતિ : ૧. જૈઐરાસમાળા:૧; ૨. જિસ્તકાસંગ્રહ:૧. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧); ૨. મુપુગૂહસૂચી. [ર.સો.]

ક્ષેમવિજય-૧ [ઈ.૧૬૫૧માં હયાત] : જુઓ ખીમાવિજય-૧.

ક્ષેમવિજય-૨ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : જુઓ ખેમવિજય-૨.

ક્ષેમહર્ષ/ખેમહર્ષ [ઈ.૧૬૫૩માં હયાત] : ખરતરગચ્છની સાગરચંદ્રશાખાના જૈન સાધુ. વિશાલકીર્તિગણિના શિષ્ય. દુહા-દેશીબદ્ધ ૧૩ ઢાળની, હિન્દીમિશ્ર ગુજરાતી ભાષામાં રચાયેલી ‘ચંદનમલયાગીરીચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૫૩; મુ.) તથા ગચ્છનાયક જિનરત્નસૂરિની પ્રશસ્તિ કરતાં ૨ ગીતો(મુ.)ના કર્તા. કૃતિ : ૧. ચંદનમલયાગીરી રાસ, પ્ર. સવાઈભાઈ રાયચંદ, ઈ.૧૮૯૯;  ૨. ઐજૈકાસંગ્રહ (+સં.). સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧); ૨. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]