ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ઢ

Revision as of 11:38, 16 October 2021 by KhyatiJoshi (talk | contribs)


ઢેડનો વેશ’ : કશી કર્તા-નામછાપ વિનાનો અને ‘સાહેબના શીશા’ (=દારૂનીબાટલીઓ)ના ઉલ્લેખને કારણે મોડા સમયની રચના હોય એવી સંભાવનાને અવકાશ આપતો આ ભવાઈ-વેશ (મુ.) એના વિષયને કારણે ખાસ નોંધપાત્ર બને છે. હરિજનોની અવદશાનું એમાં ઐતિહાસિક ચિત્ર દોરાયેલું છે, જે આંખ ઉઘાડનારું છે. વેશના વસ્તુનિરૂપણમાં પાંચેક ખંડો પડી જતા જોઈ શકાય છે. પ્રથમ ખંડમાં ટાવલા મહેતર (ઢેડ) અને ભવૈયા વચ્ચેનો સંવાદ ચાલે છે, જેને આ વેશની પ્રસ્તાવના કહી શકાય. ઊંચનીચભેદના માર્મિક સંકેત ધરાવતો આ સંવાદ વિનોદી રીતે ચાલે છે. બંને જણા અરસપરસ ‘ભાભાની’ ‘ઢેડની’ એવાં સ્ત્રીલિંગી સંબોધનો કરે છે, એટલું જ નહીં પણ ઢેડ પોતે પોતાને માટે “હું ઢેડવાડામાં ઘરડી છું” એવો સ્ત્રીલિંગી પ્રયોગ કરે છે એ નોંધપાત્ર છે. બીજો ખંડ વેશના હાર્દરૂપ છે. એમાં સીધા કથાકથનથી હરિજનોને માથે જે ૪ કર હતા-વગડામાં રહેવું, કોટે બાંધેલી કૂલડીમાં થૂંકવું, સૂતરનો ફાળકો રાખવો તથા પાછળ પગલાંને ભૂંસી નાખતું લબડતું ઝાંખરું રાખવું - તેમ જ અલગ ઓળખાવા માટે પહેરણને ત્રીજી બાંય રાખવી, આ બધું કેવી રીતે દૂર થયું તેનું અદ્ભુતરસિક વૃત્તાંત રજૂ થયું છે. હરિજનો માથેના આ કર એમને કેટલા હલકા-પશુથી પણ ઊતરતી કોટિના ગણવામાં આવતા હતા તેનો એક ચોંકાવનારો ઐતિહાસિક દસ્તાવેજ છે, તો એ કરમાંથી છૂટ્યાની કથા લાક્ષણિક રીતે ચમત્કારપૂર્ણ છે. અણમાનીતી રાણીની ખટપટને કારણે માનીતી રાણીનો તજી દેવાયેલો પુત્ર હરિજન બાળક તરીકે ઊછરે છે અને નવા ખોદાયેલા તળાવમાં પાણી આવે તે માટે ભોગ આપવાનો થાય છે ત્યારે બત્રીસલક્ષણા પુરુષ તરીકે એની પસંદગી થાય છે. હરિજનો પરના પરંપરાગત કર દૂર કરવાની શરતે આ હરિજન કિશોર સોંપવામાં આવે છે ને એના લોહીથી તળવામાં પાણી પણ આવે છે. સદ્ભાગ્યે કિશોર બચી જાય છે. જ્ઞાતિની ઉચ્ચ-નીચતાની જડ કેટલી ઊંડી છે એનો ખ્યાલ એ પરથી આવે છે કે બત્રીસલક્ષણો પુરુષ વસ્તુત: હરિજન કોમનો નથી, રાજપુત્ર છે. વેશના ત્રીજા ખંડમાં કથાકથન ચાલુ જ રહે છે અને પૃથ્વીલોક પર આવેલા સ્વર્ગના પોઠિયાનું પૂંછડું ઝાલી ટાવો મહેતર સ્વર્ગલોકનો અનુભવ લઈ આવે છે તેનું વૃત્તાંત કહેવાય છે. સ્વર્ગના લાડુની લાલચથી બીજી વાર બધા હરિજનો ટાવાને લટકીને સ્વર્ગમાં જવા નીકળે છે પણ સ્વર્ગના લાડુનું વર્ણન કરવા જતાં ટાવાના હાથ છૂટી જતાં સૌ નીચે પછડાય છે ને સ્વર્ગના લાડુ ખાનાર ટાવા સિવાય સૌ મૃત્યુને વશ થાય છે. હરિજનો માટે કંઈક આશ્વાસન ધરાવતું આ વૃત્તાંત અંતે તો કરુણપરિણામી જ નીવડે છે. સ્વર્ગમાં કશો જ્ઞાતિભેદ નથી-ઊંચનીચભેદ નથી ને બધા સાથે જમે છે એવો ઉલ્લેખ ઉદાર સામાજિક દૃષ્ટિએ એક નાનકડી બારી ખોલતો જણાય છે. આ કથા દરમ્યાન કેટલાક ચંદ્રાવાળાઓ ગવાય છે, જે જુદી જુદી વાચનાઓમાં ઘણા જુદા પણ મળે છે. એકએક ચંદ્રવાળામાં એકએક પ્રસંગચિત્ર કે કોઈ વ્યક્તિચિત્ર કે કોઈ વિચાર રજૂ થયો હોય છે. કૃષ્ણના મોરલીગાન જેવું કોઈક ચિત્ર કાવ્યરસભર્યું છે, પરંતુ વધારે તો સામાજિક વર્ગો ને જ્ઞાતિઓની ખાસિયતોનાં માર્મિક નિરીક્ષણો આ ચંદ્રાવાળામાં જોવા મળે છે. વેશના ચોથા ખંડમાં છાશ લેવા આવેલી હરિજન સ્ત્રીની મશ્કરી ગાંયજાએ કરી તેથી એ “નગરી” (=અપવિત્ર) બની ગઈ તેને ગોર બોલાવીને “સગરી” બનાવવામાં આવે છે તે પ્રસંગ વર્ણવાયો છે. પણ વિધિવક્રતા એ છે કે ગોરજી એ હરિજન સ્ત્રીને લઈ નાસી જાય છે. “મારા ગોરજીને મોઢે સરસતી લોટો લઈને બેઠી છે” જેવી તળપદી અભિવ્યક્તિથી રસિક બનતો સંવાદ અહીં આલેખાયો છે. ચોથા ખંડમાં ખિદમતગાર ઝરાન સાથે મુગલ આવે છે અને ગામના પટેલ પાસેથી દહીં, દૂધ, શરાબ વગેરે મંગાવે છે. મુગલ કોળી પટેલનું નામ પડતાં ગભરાય છે, પણ કણબી પટેલ પાસેથી આ બધું એ હિંમતથી મંગાવે છે એ નિરૂપણ કોળી જાતિના લડાયક મિજાજનું સૂચન કરે છે. અહીં પણ સંવાદ વિનોદપૂર્ણ છે ને એમાં મુગલ-હરિજન વચ્ચેના ભાષાભેદ-ઉચ્ચારભેદની સ્થિતિનો આશ્રય લેવાયો છે. સમાજનાં અનેક પાસાંને એક સાથે વણી લેતો આ વેશ સમગ્રપણે હળવી શૈલીમાં ચાલે છે ને એની ગતિ સ્વચ્છ સુરેખ છે. કૃતિ : ૧. ભવાઈ સંગ્રહ, સં. મહિપતરામ રૂપરામ, *ઈ.૧૮૬૬, ઈ.૧૮૯૪ (ચોથી આ.); ૨. ભવાની ભવાઈ પ્રકાશ, સં. મુનશી હરમણિશંકર ધનશંકર -. સંદર્ભ : ૧. ભવાઈ (અં.), સુધા આર. દેસાઈ, ઈ.૧૯૭૨; ૨. ભવાઈના વેશની વાર્તાઓ, ભરતરામ ભા. મહેતા, ઈ.૧૯૬૪. [જ.કો.]