અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઝવેરચંદ મેઘાણી/છેલ્લી સલામ

Revision as of 08:41, 20 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
છેલ્લી સલામ

ઝવેરચંદ મેઘાણી



સો સો રે સલામું મારાં ભાંડુડાંને કે'જો રે,
ઝાઝેરા જુહાર જગને દેજો હો...જી!
મળાયું ન તેને સહુને માફામાફ કે'જો, ને
રુદિયામાં રાખી અમને રે'જો હો...જી!
— સો સો રે સલામું


ટીપેટીપે શોણિત મારાં તોળી તોળી આપું તોયે,
પૂરાં જેનાં પ્રાછત કદીયે જડશે ન જી —
એવા પાપ-દાવાનલમાં જલે છે જનેતા મારી,
દિલડાના ડુંગર સળગ્યા — ઠરશે ન જી!
— સો સો રે સલામું


કીધાં ખાખ ખાંડવવનને પાંડુ તણા પુત્રે તે દી
નિરદોષી નાગાં લાખો ભુંજાણાં હો...જી:
આદુનાં નિવાસી એ તો આ રે આર્ય ભોમ કેરાં,
પૂર્વજ મારાને પાપે ઓરાણાં હો...જી!
— સો સો રે સલામું


રઘુપતિ રામ મારા રુદાનો વિસામો — એણે
ઋષિઓને વચને ખાધેલ ખોટ્યું હો...જી:
પ્રભુનામ ભજતો એણે પારાધી સંહારિયો રે
એનું ઘોર પાતક આજે ઊમટ્યું હો...જી!
— સો સો રે સલામું


છેદ્યાં, બાળ્યાં, ગારદ કીધાં પૃથ્વીના પેટમાં, ને
અસૂરો કહીને કાઢ્યાં વનવાસ જી:
જીવતાંને કાજે જુદી નરકું બંધાવિયું, ને
સદાનાં નરાધમ રાખ્યાં દાસીદાસ જી.
— સો સો રે સલામું


સમર્થોની સત્તા, સંતો, ધુતારાની ધૂતણબાજી,
કૂડિયા ગુરુની કૈં કૈં કરામાત જી:
એની તો વણાવી ધીંગી ધરમધજાઓ, એને
ભાંડુ કેરે રગતે રંગી ભલી ભાત જી.
— સો સો રે સલામું


એવી એવી ઝડીઓ મારાં સહોદરો ઝીલતાં, ને
ધરમધજા કેરે ક્યારે સિંચાણાં હો...જી:
રુદામાં શમાવી સરવે રુદનપિયાલા, વા'લાં
હરિ કેરા રથડા હેઠળ પિલાણાં હો...જી.
— સો સો રે સલામું


રથના સારથીડા — સુણજો, સાધુ ને ગુસાંઈ સરવે,
કડાકા કરે છે રથની ધરીઓ હો...જી:
જુઓ જુઓ જુગનો ભેરવ ઊભો વાટ ખાળી આજે,
ભીતર તો નિહાળો: હરિ ક્યાં પળિયો હો ...જી.
— સો સો રે સલામું


જુગનો મહારાજા આજે મહાકાળ જાગિયો, ને
ધરમ કેરા ધારણ-કાંટા માંડે હો...જી:
સતને ત્રાજવડે મારાં કલેજાં ચડાવિયાં મેં,
શીશ તો નમાવ્યું શાસનદંડે હો...જી.
— સો સો રે સલામું


હરિ કેરાં તેડાં અમને — આવી છે વધામણી રે,
દલિતોને ઉત્સવ હાકલ પડી છે હો...જી;
હસતાં મુખડાંની અમને વિદાયું દિયો રે, વા'લાં!
રખે કોઈ રોકે નયણાં રડીને હો...જી!
— સો સો રે સલામું

(1928)


- અર્જુને ખાંડવવન સળગાવી સર્પોને નહિ, પણ 'નાગ' નામની અનાર્ય માનવજાતિને ભસ્મીભૂત કરી હતી -- કેવળ એ આદિ-નિવાસીઓનો પ્રદેશ પચાવી પાડવા. - બ્રાહ્મણે આવીને પોકાર કર્યો કે શમ્બૂક નામના એક શૂદ્રે તપશ્ચર્યા માંડી છે તે કારણે મારો પુત્ર મૃત્યુ પામે છે! તે પરથી રામચંદ્રે એ તપસ્વીનો શિરચ્છેદ કરેલો. - મહાત્માજીના શબ્દો: 'I have laid down my life upon the scales of justice.' નોંધ: "બ્રિટિશ મહાસચિવના કોમી ચુકાદા સામે ગાંધીજીએ અનશન વ્રત લીધું ત્યારે આ [કાવ્ય] ગાંધીજીને મોકલ્યું હતું. તેના જવાબમાં એમનું એક પત્તું મળેલું કે 'તમારી પ્રસાદી મળી. કવિતા સમજવાની મારી શક્તિ નહિ જેવી છે. પણ તમે મને ગોળમેજીમાં જતી વખતે જે પ્રસાદી ['છેલ્લો કટોરો'] મોકલેલી તે મને બહુ ગમેલી. તેની જોડે હું આને મૂકી શકતો નથી.'" — કવિ. (1933, 'યુગવંદના'માંથી)