અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રવદન મહેતા/વિસર્જન

Revision as of 08:50, 20 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વિસર્જન

ચંદ્રવદન મહેતા

પ્રભો! છંકારી દે સકળ ગ્રહ, તારા, ઉદધિમાં,
અને સંકેલી લે ઘડીક મહીં આ રાસ રમવા;
ચઢી ચોપાસે જો, પ્રલયપૂર વ્યાપે પલકમાં,
ગ્રહી લેજે મારું દૃગજલ, ખૂટ્યે શક્તિમહિમા!

ત્રુટે ગેબી ગુહા, અનલ સરખા વિશ્વફરતા
ફરે ઝંઝાવાતો, ફરી ફરી બધુંય જગ સીઝે;
ખૂટે એ વાયુ તો હૃદયભરમાં દાહ દવતા
નિસાસામાંથીયે પ્રલયપૂર તો એક ગ્રહજે!

અને પ્હાડોના જો, વીજતણખાથી કોઠ જ ફૂટે,
ઊના અંગારાથી ગગનપટ વ્યાપે રજરજે,
પરંતુ વજ્રો-શા દૃઢ વીજકડાકા કદી ખૂટે,
અરે આ હૈયાની ઉરધબક એકાદ ગ્રહજે!

નિસાસા, આંસુ ને ઉરધબક સર્વે મુજ વહી
થશે નક્કી દેવા! તુજમય નવા સર્જન મહીં.

(ઇલા કાવ્યો, રતન અને બીજાં બધાં, ત્રીજી આ., ૧૯૫૨, પૃ. ૧૦૦)