અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`મીનપિયાસી'/આવળ

Revision as of 12:11, 20 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


આવળ

મીનપિયાસી

હાલો ને જાયેં સોનું રે વીણવા
         વગડે છાબું વેરી લે લોલ,
ધરતીના કાપડાની લીલી અતલસ છે
         સોનલ બુટ્ટે ઘેરી રે લોલ. હાલો ને.

લીલાં મખમલિયાં આવળને પાંદડે
         પીળાં પીળાં ફૂલ જાય ઝોલે રે લોલ
આવી અડપલું કરતો જ્યાં વાયરો
         હસી હસી મીઠડું ડોલે રે લોલ. હાલો ને.

મસ્તીના ઘેનમાં મનભર મેહુલિયો
         સામટું સોનું વેરે રે લોલ,
પ્રીતમની પ્રીતનાં મોંઘાં સંભારણાં
         ધરતી હૈયે પહેરે રે લોલ. હાલો ને.

વગડાનાં ફૂલની વેણી બનાવીએ
         નહીં રે ખરચો કે નહીં ખોટ જી રે લોલ
આવળ ને કેરડાં ને અરણી સરસડા
         દેખે આંખ્યું ને હસે હોઠ જી રે લોલ. હાલો ને.

સંધ્યા ને રાત અહીં રોકાતાં રોજ અને
         ડાળે પાને તે ઢળે છાયા રે લોલ
વ્હેલી સવારના સોનેરી સ્મિતમાં
         ધરતીની શોભતી શી કાયા રે લોલ. હાલો ને.

આવળનાં ફૂલ જાણે ચાંદાની ચાંદનીનાં
         કિરણેથી ઊતર્યા તારા રે લોલ,
તમે વીણો જે બ્હેન એટલાં તમારાં
         બાકી વધે તે બધાં મારાં રે લોલ. હાલો ને.

(ગુલછડી અને જૂઈ, ૧૯૮૬, પૃ. ૧૯-૨૦)