અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/ખીલા

Revision as of 12:32, 21 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ખીલા

પ્રિયકાન્ત મણિયાર

મેદની વીખરાય;
ને આ વૃદ્ધ જેની કાય
તે લોહાર આવી કાષ્ઠના એ ક્રૂસ પાસે
(જે થકી નીતરી રહ્યું રે રક્ત એવું — શુદ્ધ જાણે સૂર્યનું
ને લોચને વિલસે વળી તો ચંદ્રનું માધુર્ય શું!)
જઈ જુએ શું એકશ્વાસે :
મેં મકાનો બાંધવાને જે ઘડ્યા
રે તે ખીલા તો અહીં જડ્યા!

(આ નભ ઝૂક્યું, પૃ. ૧૯)