અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/રજકણ

Revision as of 09:25, 22 October 2021 by KhyatiJoshi (talk | contribs)
રજકણ

હરીન્દ્ર દવે

         રજકણ સૂરજ થવાને સમણે,
ઉગમણે ઊડવા લાગે, જઈ ઢળી પડે આથમણે.

         જળને તપ્ત નજરથી શોષી
                  ચહી રહે ઘન રચવા,
         ઝંખે કોઈ દિન બિંબ બનીને
                  સાગરને મન વસવા,
વમળ મહીં ચકરાઈ રહે એ કોઈ અકળ મૂંઝવણે.

         જ્યોત કને જઈ જાચી દીપ્તિ
         જ્વાળ કને જઈ લ્હાય,
         ગતિ જાચી ઝંઝાનિલથી
         એ રૂપ ગગનથી ચ્હાય;
ચકિત થઈ સૌ ઝાંખે એને ટળવળતી નિજ ચરણે.

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૧૧૦)