અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રકાન્ત શેઠ/સાદ ના પાડો

Revision as of 09:53, 23 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સાદ ના પાડો

ચંદ્રકાન્ત શેઠ

બારીમાંથી ગગન પાડતું સાદ!
સાદ ના પાડો.
અમે દીવાલો, નથી અમારે પાંખ :
સાદ ના પાડો.

સૂનકારને સાગર અમને ડૂબ્યાં જાણો વ્હાણ,
ક્યાંથી જાણો તમે અમોને છે પથ્થરના કાન?
પડછાયાની આંખો, એને નથી તેજની જાણ :
સાદ ના પાડો.

જલ છોડીને કમલ આવશે ક્યાંથી રે આ રણમાં?
ખરી ગયેલું ફૂલ ખીલશે કયા કિરણથી વનમાં?
ઘુવડના માળામાં આવી સૂરજ પાડે સાદ!
સાદ ના પાડો.

અમે દીવાલો, નથી અમારે પાંખ :
સાદ ના પાડો.
(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૧૩૮)