અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઇન્દુ ગોસ્વામી/છાંટાનું ગામ

Revision as of 10:59, 23 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


છાંટાનું ગામ

ઇન્દુ ગોસ્વામી

પાણીને હોય નહીં પોતાનો ઢાળ
એ તો પડછાયા જોઈને પગલું મૂકે અને પડઘાની રાખે સંભાળય

કોઈ કોઈ વાર શ્વાસ ઊંચા મૂકીને મને
ધુમ્મસમાં ચાલવાની ટેવ
જાણેઅજાણે તોય અંધારી ઠેસમાં
ધૂંધવાતા ડુંગરના દેવ

કાંકરી ઊડે તો અહીં કૂંડાળું થાય અને સાચવું તો સોનેરી જાળ.

કેમે કરીને વાયું પાધરમાં આંગણું
ત્યાં પાળિયાનું ફૂલ થયું તાજું
ડાંગે મારેલ કોઈ વાદળિયે હાથ
મારા છાંટાનું ગામ નહીં સાજું
હળવે રહીને હવે ખંખેરી નાખવી ચીતરેલા કાંઠાની ડાળ.
(જેમતેમ, ૧૯૮૮, પૃ. ૫)