અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અનિલ જોશી/બરફનાં પંખી

Revision as of 11:37, 23 October 2021 by KhyatiJoshi (talk | contribs)

બરફનાં પંખી

અનિલ જોશી

અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.

લૂમાં તરતો ઘોર ઉનાળો
અમે ઉઘાડે ડિલે,
ઓગળતી કાયાનાં ટીપાં
કમળપાંદડી ઝીલે.
ખરતાં પીંછે પડછાતી બપ્પોર મૂકીને નીકળ્યાં!
અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.

લીલાં-સૂકાં જંગલ વચ્ચે
કાબરચીતરાં રહીએ,
નભમાં ઊડતાં સાંજ પડે તો
સોનલવરણાં થઈએ.
રાત પડે ને ડાળ ઉપરથી કોયલ થઈને ટહુક્યાં,
અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.
(બરફનાં પંખી, પૃ. ૩૦)