અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમેશ પારેખ/દરિયાઉં શમણે આવ્યા...

Revision as of 12:00, 23 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


દરિયાઉં શમણે આવ્યા...

રમેશ પારેખ

એન કાંઈ દરિયાઉં શમણે આવ્યા કે તોય આંખ કોરીમોરી રે લોલ
બાઈ, મારું નીંદરનું દૂધમલ મોતી કે દરિયા તાણી ગયા રે લોલ

બાઈ, મારે મોભે કળાયેલ રાત કે નળિયાં ગ્હેક્યાં કરે રે લોલ
ગ્હેકે ગ્હેકે આંગણાની પગLeર બે પાંદડાં બહેક્યાં કરે રે લોલ

ખડભડ ગઢને ગબ્બર ગોખ કે ઝમરખ દીવો બળે રે લોલ
લોલ, મારે કંચવે આભલાંની હાર કે ભીંતમાં ભાત્યું પડે રે લોલ

બાઈ, મારે ત્રાજવે ત્રંફાવેલ પંખી કે ભર્ર દઈ ઊડી ગયું રે લોલ
લોલ, મારી પચરંગી ચોપાટ કે સોગઠે કોણ રમે રે લોલ

ઘેર હું તો પાતલડી પરમાર્ય કે એકલી ફાટી પડું રે લોલ
બાઈ, મારી પાનીની ગોટમોટ રેખ કે નીસરે કેડી થઈ રે લોલ

કે બાઈ, મારે હાલવું તે કઈ પેર કે પિંડિયું તૂટી પડે રે લોલ
ઝાંખાપાંખે દીવડાને અજવાસ કે ચાકળો બૂડી જશે રે લોલ

બાઈ, મારી ભરભર ભાંગશે રાત કે દૈયણાં માંડશું રે લોલ
દૈયણાં દળીએ આઠે પ્હોર ને દૈયણાં ખૂટે નહીં રે લોલ.
૨૮-૩-’૬૮