અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સિતાંશુ યશશ્ચંદ્ર/ધોળી ધજા
સિતાંશુ યશશ્ચંદ્ર
ધોળી ધજા નહીં ધોળી ધજા નહીં ધોળી ધજા નહીં ધોળી ધજા નહીં.
એ કંઈ તારી મજા નહીં.
છો થઈ બંને ભમ્મર સફેદ,
નીચે બબ્બે આંખો કાળી,
નજર? — એક બીકાળી,
જાણે
મારણથી માંચા તક સધ્ધર હોય ઉછાળી છેલ્લે
છેક છેલ્લે
છો છેતરાયેલા તોયે ખુન્નસવાળા વાઘે.
આઘે હતું ને આવ્યું આંગણે કટક, ભલે.
ભલે ભાંગ્યાં કમાડ, બૂરજ ભલે ઢળ્યા, ખૂટલ ખાટ્યા ભલે;
‘લે, આ લે’ કહી ધજા,
ધોળીધબ,
ધરે
કરે તારે
જો કોક
ધોળાધબ મોઢાળા,
ધરાર,
ધોળી ધજા ઝલાવે તને
અને ધકેલે, ‘જા, સુલેહ કર’,
સલાહ આપે શરણ માગ્યાની,
—તો આણ તને તારા માગ્યા મરણની
કે ઘા વાગ્યાની પરવા તનિક કર્યા વિણ ભચ્ચ
ઘુસાડજે અણિયાળો છેડો
બીજો છેડો
ધજા લાઠીનો
તારી પોતાની છાતીમાં વચ્ચોવચ
—છત્ર ભલે ના તારું, છાતી સુવાંગ તારી —
ઘચ્ચ, ઘૂસતાં ધજા-લાઠીનો બીજો છેડો
ધધક્ ધધક્ ધધક્ ધધક્ધધધક્ધધધક્ અધધધ વહેશે લાલમલાલ
તારું લોહી.
લોહી રાતું ચોળ.
તારે પંજે ભાળી ધોળી ધજા લાજથી
લોહી રાતું ચોળ,
ખોબલે ભરી ખોબલે બમ્બ બમ્બ બમ્બોળ
ચોળજે
તરબોળ બોળજે
આખી ઝબોળજે
રણ રંગ રોપજે
લબડતી લાઠીન બીજે છેડે જે ધજા
ધોળીધબ,
એને રાતીચોળ,
લાલમલાલ રંગજે.
એવી લાલ લાલમ
જાણે પાગલ ઘોડો, પાગ ભાંગલો, તોયે બેલગામ
હજી હણહણે, બટકાં ભરતો, હજી ઊછળતો ઝાડઝાડ થઈ
નભ! ભરતો, વનમાં માંચડેથીયે એક મથોડું ઊંચો ઝાડ ઘોડલો
પગાલ અણનમ
નેજો તારો
નેન લાલ લલામ્.
ફડ ફડ
ફાટતો લીરેલીલા
તોયે આ નમ,
ને આખરનો નેજો તારો અણનમ,
એ આખરની
હોય મજા જે
એના સરખી
મરવા સરખી કોઈ મઝા નહીં ધોળી ધજા નહીં, ધોળી ધજા નહીં.