અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનોજ ખંડેરિયા/લાલઘૂમ તાપમાં… (ગુલમહોર)

Revision as of 11:31, 27 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


લાલઘૂમ તાપમાં… (ગુલમહોર)

મનોજ ખંડેરિયા

લાલઘૂમ તાપમાં મ્હોરતો, મસ્તીનો
તોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી,
આ નગરની વચોવચ હતો એક
ગુલમોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી.
પૂછું છું બારને — બારીને — ભીંતને
લાલ નળિયાં — છજાં — ને વળી ગોખને —
રાત દી ટોડલે બેસીને ગ્હેકતો
મોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી.
કૈં જ ખૂટ્યું નથી, કૈં ગયું પણ નથી
જરઝવેરાત સહુ એમનું એમ છે;
તે છતાં લાગતું સઘળું લૂંટી અને
ચોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી.
સાવ સૂની બપોરે ઘડી આવીને
એક ટહુકો કરી, ફળિયું ભરચક ભરી,
આંખમાં આંસુ આંજી અચાનક
શકરખોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી.
કેટલાં વર્ષથી સાવ કોરાં પડ્યાં
ઘરનાં નેવાં ચૂવાનુંય ભૂલી ગયાં,
ટપકતો ખાલીપો પૂછતો : મેઘ
ઘનઘોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી.
જિંદગીના રૂપાળા ચહેરા ઉપર
ઉઝરડા ઉઝરડા સેંકડો ઉઝરડા
કોણ છાના પગે આવી મારી ગયું
ન્હોર, તે ક્યાં ગયો કોઈ કહેતું નથી.
પાછલી રાતની ખટઘડી એ હજી
એ તળેટી ને એ દામોદર કુંડ પણ —
ઝૂલણા છંદમાં નિત પલળતો
પ્રથમ પ્હોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી
(હસ્તપ્રત, પૃ. ૨-૩)