અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનોહર ત્રિવેદી/તમે ભલે ઘર છોડી ચાલ્યાં–

Revision as of 12:03, 27 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


તમે ભલે ઘર છોડી ચાલ્યાં

મનોહર ત્રિવેદી

તમે ભલે ઘર છોડી ચાલ્યાં તમે છતાં આ ઘરમાં...
તમે ભલે મુખ મોડી ચાલ્યાં તમે હતાં આ ઘરમાં...

હજી તમારી લાલ ઓઢણી ફરફરતી વળગણીએ
ટાંકા લેતી આંગળિયું કંઈ તરવરતી તોરણિયે
બારસાખ આંખો ઢાળીને જોઈ રહે ઉંબરમાં...

નથી રોટલે ભાત્ય તમારી હથેળિયુંની પડતી
નથી રોટલે ભાત્ય-યાદ એ વળી વળી ઊપસતી
નથી તમે-ની સરત રહે ના કોઈ અવરજવરમાં...

ઓળીપાની વેલ્ય દીવાલે રોજ રહી કરમાઈ
પ્રભાતિયાંનો કંઠ વલોણે ગયો હવે મુરઝાઈ
ગીત વગરનું ગીત ટપકતું ફરી ફરી ભીતરમાં...

તમે ભલે ઘર છોડી ચાલ્યાં તમે છતાં આ ઘરમાં...
તમે ભલે મુખ મોડી ચાલ્યાં તમે હતાં આ ઘરમાં...

(ફૂલની નૌકા લીને, ૧૯૮૧, પૃ. ૩)