અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/માધવ રામાનુજ/એમ થાતું કે -

Revision as of 12:32, 27 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


એમ થાતું કે -

માધવ રામાનુજ

વન વચોવચ ખેતર ઊભાં ગામ વચોવચ મેડી,
એમ થાતું કે સ્હેજ ઝૂકીને ખીણ આખી લઉં તેડી.

ચારને ભારે લચક લચક થાઉં ને
મૂઆં ઝાડવાં નફટ આંખ ફાડીને જોઈ ર્‌હે,
મારી ઝાંઝરીયુંનું રણકી જોબન વાયરે ઊડ્યું જાય;
હાય રે, મારા પગને ભૂંડી ધૂળની લાગે નજર,
મારાં પગલાં સૂંઘી પાછળ પાછળ આવતા ચીલા
દોડતા આગળ થાય.
ગામને ઝાંપે આઘું ઓઢી ઘરની ભૂલું કેડી,
એમ થાતું કે સ્હેજ ઝૂકીને ખીણ આખી લઉં તેડી.

બારીએ બેઠી હોઉં ને
ખોળો ખૂંદતી કોમળ પગલીયુંના ખિલખિલાટે
ઊઠળે છાતી: છલોછલ બે કાંઠે ઊભરાય નદીનાં વ્હેણ;
ઉંબરે ઊભી હોઉં ને વાટે ગાડેગાડાં
સીમની કૂણી સાંજ ભરીને સાહ્યબો આવે,
દનના ડુંગર ઊતરી આવે રાતનાં અબોલ કહેણ.

ઊંઘની આંબાડાળ: ટપોટપ સોણલિયાં લઉં વેડી,
વન વચોવચ ખેતર ઊભાં ગામ વચોવચ મેડી.
૧૯૬૯