અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રવીન્દ્ર પારેખ/ડૂબવાનું હોય જાણે

Revision as of 13:01, 27 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ડૂબવાનું હોય જાણે

રવીન્દ્ર પારેખ

ડૂબવાનું હોય જાણે કે જગત,
એટલો વરસાદ વરસે છે સખત.

બારણાં, બારી બધું વરસાદનું,
ને ઉપર વરસાદની એકાદ છત.

જળ ભલે આપે મને વરસાદ તું —
લે, ઉમેરી અશ્રુ આપું છું પરત.

હોય કોરું તોય હું તરબોળ છું,
યાદમાં એવું બધું તો હસ્તગત.

હું મને મળવા મથું પણ ના મળું
એટલો વરસાદ વચ્ચે છે સતત.

ના કશેથી આવવું કે ના જવું —
ને ઉપરથી જાય ના ભીનો વખત.

શક્ય છે એ રીતથી મળવું બને,
લે, લખ્યો આજે મને એકાદ ખત.

સાવ લીલું ઘાસ ફેલાયું હવે,
દેવકાવ્યોની ખૂલી છે હસ્તપ્રત.

ભીની આંખે કેમ ઉકેલું કહે,
વીજળી છે કે કોઈના દસ્તખત!
(ગુજરાતી પ્રતિનિધિ ગઝલો, સંપા. ચિનુ મોદી, ૧૯૯૬, પૃ. ૧૧૩)