અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મણિલાલ હ. પટેલ/ઉત્તરરાગ

Revision as of 09:30, 28 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ઉત્તરરાગ

મણિલાલ હ. પટેલ

(શિખરિણી – સૉનેટ)

મને આવુંતેવું અશુકશુઃ ઘણું થાય હમણાં;
અજાણ્યાં ઘેરી લ્યે અમી નીતરતાં નેણ નમણાં,
સવારે ઊઠું ને હૃદય થડકે આંખ ફરકે
પહાડોની આઘે ક્ષિતિજ પરથી કોક બરકે
અને વીંધી નાખે કળી કૂંપળ શું સ્મિત, છલકે—
નવાં પર્ણો પ્હેરી તરુવર, નવી ડાળ મલકે!
મને ખેંચે કોઈ અવશ તરુણી મોસમ બની
ધરાના ઉરોજે ઝરણ ખીણ જંઘા; હું ય ધની...

વસંતો આવી છે નમણું રૂપ આશાનું લઈને,
ઝૂક્યાં નક્ષત્રો યે ટગર ફૂલની ડાળ થઈને!
પીડાના પર્યાયો ઘર પૂછી પૂછીને પજવશે
ખરે ચાહ્યા-ની આ કરવત મને વ્હેરી જપશે!
પૂરા કાળે ચાહ્યાં પ્રિયજન નથી વીસરી ગયો
સહી સંતાપો હું પ્રણય-ઋણ એ ચૂકવી રહ્યો...
તા. ૧૨.૦૮.૨૦૧૫, ચેરી ટ્રી વિલેજ ક્લીવલૅન્ડ (ઓહાયો, U.S.A.)