અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નીરવ પટેલ/કાળિયો

Revision as of 10:31, 28 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કાળિયો

નીરવ પટેલ

બાપડા કાળિયાને શી ખબર
કે આપણાથી શૂરાતન ના થાય?
ગાયના ગૂડા ખાઈને વકરેલો
એ તો હાઉ...હાઉ... કરતો
વીજળીવેગે દોડી,
દીપડાની જેમ તૂટી પડ્યો,
એણે તો બસ ગળચી પકડી રહેંસી કાઢ્યો મોતિયાને —
એનો દૂધનો કટોરો ઢોળાયો ચોકમાં,
એના ગલપટ્ટાનાં મોતી વેરાણાં ધૂળમાં,
એની લહ... લહ... નીકળી ગઈ વેંત લાંબી જીભ.
મોઢામાંથી ફીણના પરપોટા ફૂલવા લાગ્યા
ને ફૂટવા લાગ્યા.
ગામ આખ્ખું વળ્યું ટોળે :
‘ઢેડાંનો કોહ્યલો કાળિયો...
બાપડા મોતિયાને ફાડી ખાધો.
હેંડો બધાં —
હાળાં ફાટી ગ્યાં કૂતરાંય આ તો!’
ને કાળિયાની પૂંઠે પડ્યાં
કણબાં ને કોળાં ને ભા ને બાપુ.
ભાલા ને બરછી ને દાંતી ને ડાંગ.
ને થયું દળકટક ને ધિંગાણું!
પણ કાળિયો તો જાણે કાળ,
એ તો ધોડ્યો જાય ઊભી કોતરે...
પૂંઠે કંઈ કેટલાંય ગોટીમડાં ખાય
ને ચાટે ધૂળ.
પણ કાળિયો તો કાળિયારની જેમ
બસ ધોડ્યે જાય, ધોડ્યે જાય...
કહેવતમાં કીધું છે કે ભાંગી ધા ઢેઢવાડે જાય —
ધિંગાણું તો થાકીને ફર્યું પાછું
ને વીફર્યું વાસમાં.
નળિયાં પર પડે ધબાધબ લાકડીઓ.
ઝૂડી લેંબડી ને ઝૂડી પેંપળી,
ઝૂડી શિકોતરીની દેરી ને ફોડી પૂર્વજિયાંની માટલી,
ઝૂડી મેઠલી ને ઝૂડી માંનડી,
ઝૂડ્યો ધૂળિયો ને ઝૂડ્યો પરમો.
ખમા! બાપા ખમા!
કાળિયો તો જનાવર
પણ તમે તો મનખાદેવ.
બાપડા કાળિયાને શી ખબર
અમારાથી શૂરાતન ના થાય?