અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીશ મીનાશ્રુ/ઘરવખરી ૧ (મેજ પર કાગળ...)

Revision as of 11:23, 28 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ઘરવખરી ૧ (મેજ પર કાગળ...)

હરીશ મીનાશ્રુ

મેજ પર કાગળ કદમ
હું અભણઃ ફૂંકું ચલમ

હડપચી પર આંગળી
મનનાં ઊંડાણે મરમ

તારતમ્યો ગર્ભમાં
ઘૂઘવે જનમોજનમ

તાવણી છે તેજની
સ્હેજ છે તબિયત નરમ

ફોડવા બ્રહ્માંડને
મૂક તું નેવે શરમ

હજ કરી આવ્યા, મિયાં
તો ખુદાઈ કર હજમ

જો ગઝલમાં ઝળહળે
એમનાં નકશેકદમ

શબ્દ સાહું પુચ્છવત્
પાર લઈ જા, હે પરમ

છે તબાહી શાહીમાં
આટલું તાજાકલમ