અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જગદીશ વ્યાસ/એટલામાં તો

Revision as of 11:26, 29 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


એટલામાં તો

જગદીશ વ્યાસ

આપણે હજી જાણતાં નથી એકબીજાનું નામ
એટલામાં તો આપણાં બેની વાત કરે છે ગામ.

જાઉં હું દોરો વ્હોરવા મને ખ્યાલ ન તારો હોય
એ જ દુકાને તુંય આવે વ્હોરવા માટે સોય
ગામ એવું કે હાલતાં ભેગાં થઈએ ઠામોઠામ
એટલામાં તો આપણાં બેની વાત કરે છે ગામ.

એકબીજાનું સાંભળ્યું નથી આપણે એકે વેણ
આપણી વચ્ચે આટલી છે બસ લેણ ગણો કે દેણ
નેણ મળે કે અમથું હસી પડતાં સામોસામ
એટલામાં તો આપણાં બેની વાત કરે છે ગામ.

કાલ સાંજે તો આરતી ટાણે ભીડ જામી’તી બહુ
‘જય અંબે મા, જય અંબે મા’ ધૂન ગાતાં’તાં સહુ
ધૂન ગાતાં’તાં આપણે ‘રાધેશ્યામ હો રાધેશ્યામ’
એટલામાં તો આપણાં બેની વાત કરે છે ગામ