અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જગદીશ ઓઝા/ઈંધણ ઓછાં પડ્યાં

Revision as of 12:50, 29 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ઈંધણ ઓછાં પડ્યાં

જગદીશ ઓઝા

જીવનભર હું જળી
સજણને ઈંધણ ઓછાં પડ્યા!
સજણને ઈંધણ ઓછાં પડ્યા!

નયણાં રંગધનુને ગીરવી
આંસુપડિયો રળી
સાકર એમાં ઝીણી ભેળવી
રુદિયો દળી દળી
સજણને ગળપણ ઓછાં પડ્યાં!

કાવ્યોની કોરાવી મુરલિયાં
શત શત વ્રેહવતી
મિલાપની આરતમાં, વિરહી
અધરે અધરે લળી!
સજણને ઇજન ઓછાં પડ્યાં!

સતત ઝગી આતમને ટોડે
શાંત વેદના દીવી;
દિવેલ એમાં ખૂટ્યાં, હવે તો
વાટ રહી છે જળી!
સજણને જીવન ઓછાં પડ્યા!
ઘટ ઘટ મારા બળ્યા
સજણને ઈંધણ ઓછાં પડ્યાં!
સજણના જગન કેવડા વડા!
(ગીતિકા, સં. સુરેશ દલાલ, ૧૯૯૦, પૃ. ૬૨-૬૩)



આસ્વાદ: વેદનાની પ્રતીતિ — જગદીશ જોષી

અનેકાનક તંત્રીઓનો આ અનુભવ હશે કે સામયિકમાં કે કોઈ કૉલમમાં આમેજ કરવા માટે ઘણા યુવાન મિત્રો પોતાની કૃતિ મોકલી આપે. મોટે ભાગે કૃતિ ઘણી જ કાચી હોય, પણ કૃતિ સાચી હોય છતાં રુચિભેદે પણ તે આમેજ ન થઈ શકે ત્યારે (ક્યારેક તો પ્રતિષ્ઠિત કવિઓને પણ!) વાંકું પડે. પરંતુ એ કલમો યુવાનીના વેગ અને આવેગમાં ચાલતી હોય છે. કલમ ચાલે એ જ મોટી વાત છે. પણ શરૂશરૂમાં જે જે લખનાર યુવાન સર્જક પ્રસિદ્ધિ પાછળ દોટ મૂકે અને સરળતાથી હતાશ થઈ જાય છે તેમણે ચેતવા જેવું છે – ચેતવણી કડવી લાગે તોપણ.

આ તો થઈ કાચી કલમની વાત. પણ ખમતીધર હોવાની પ્રતીતિ આપે, વગડાઉ ફૂલની જેમ અચાનક મોરી ઊઠે, ઝળકી ઊઠે અને છતાં કોઈક દુર્દૈવથી એટલી જ ઝડપે – બે દિવસ પાણી ન પાયેલા બગીચાના ફૂલની જેમ કરમાઈ જાય અને કાળે કરી સાવ અલોપ થઈ જાય એવી કેટલીયે કલમોના દાખલા આપણી પાસે છે. એમાંય, ગણપત ભાવસાર, શારદ ગાંધર્વ, દિલીપ ઝવેરી, પુરુષોત્તમ મિસ્ત્રી, જગદીશ ઓઝા જેવાની કલમો અકારણ (કયા કારણે?) લખતી બંધ થાય ત્યારે કવિતા છાનું ડૂસકું ભરે છે… ક્યાંક પણ ‘છપાવી નાખવાની’ સદ્યપ્રસિદ્ધિ (સિદ્ધિ નહીં!) ઝંખતા અનેક મિત્રોને પ્રસ્તુત ગીતની સફાઈ અને સાદાઈ ઝીણવટથી જોવા વિનંતી.

‘સાત જનમના સળિયા પાછળ પુરાયેલી’ વેદનાની પ્રતીતિ કરાવતી ઉપાડની પંક્તિ જ જુઓ. અનુભૂતિના ઊંડાણમાંથી પ્રકટી હોય એવી સીધી અને સચોટ. વળી કવિકાનના વાત્સલ્યબંધથી ‘સજન’નું કેવું ‘સજણ’ થઈ ગયું, અનાયાસ? બાજુ બાજુમાં મુકાઈ ગયેલાં સજણ અને ઈંધણ કવિને કેવાં મોટાં ફળ્યાં!

પંચમહાભૂતોમાંથી ઉડાવીને, આગ અને જલની સહોપસ્થિતિ સાધો તો કાવ્ય પ્રેમતત્ત્વનું રૂપક ઝંખાય. દરેક યુવાન આંખમાં ઇન્દ્રધનુની રંગીની હોય છે, પણ રાગ પ્રેમ બને તે પહેલાં દરેક આંખે ઇન્દ્રધનુના રંગોને નિતારી નાખવા પડે છે. આંસુ પોતે જ કમાવાં અને કમાવવાં પડે છે. ઉછીનાં આંસુ સાર્યે કંઈ ન સરે… રંગોને ગીરવે મૂકીને ‘આંસુ-પડિયો’ રળવો પડતો હોય છે. સ્ત્રીહૃદય-સહજ આંસુ-પડિયાનું પ્રતિરૂપ જુઓ! એ આંસુમાંથી કડવાશની બાદબાકી. એમાં તો ભીંસાતા, દળાતા હૃદયની બૂરા જેવી સાકર ભેળવવી પડી. અને છતાં, અને તોપણ, તે છતાં સજણને ‘ગળપણ’ ઓછાં પડ્યાં! કેટલાંક સજણ જ એવાં હોય છે જેની ગાગરમાં સાગરનાં જળ પણ ઓછાં પડે…

શત શત ‘વ્રેહ’ – વીંધ અને વિરહવાળી મુરલિયા કાયામાંથી કોરાવી, તેમાં વીંધ પાડ્યાં – પિડ્યાં. સંજોગ જોગવવાની આરતમાં, આરજૂમાં આ વિરહી મુરલી ‘અધરે અધરે’ લળી – કદંબના પાનપાનને પૂછ્યા કરતી ગોપીની જેમ. આયખાનાં છિદ્રછિદ્રમાં, અણુઅણુમાં મીરાંના ‘સાંસોકે સંગીત’ પૂર્યાં અને ‘શ્લીલ નામના નરક’માંથી આત્માને ઉગારી લેવા એક કંપતી ચીસ પાડી. પણ સજણને એ નોતરાંય ઓછાં પડ્યાં…

આતમને ટોડલે સતત જલી, અને જલતાં જલતાં ઝગી. અહીં વેદનાને કવિ ‘દીવી’ કહે છે. મશાલનો ભડકો નથી, અહીં તો જનમજનમથી વહેતી વિરહની કાળી વેદનાની યમુનાને કાંઠે ઊભેલી ઝૂંપડીના ટોડલે શાંતિથી બળતી અને બળ્યા કરતી દીવી છે! અને દીવીના ગર્ભમાં એટલી શાંતિ છે, શ્રદ્ધા છે કે સજણની આંખ ક્યારેક કૂણી થશે અને આ જ્યોતને જોશે. પરંતુ તિતિક્ષા કે પ્રતીક્ષા અંતહીન હોય; આયુષ્ય રણ હોય તોપણ રણનેય અંત છે. દિવેલ ખૂટી ગયાં તો પેલી પ્રતીક્ષાની શાશ્વત જ્યોત ખુદ વાટને બાળવા લાગી – દિવેટિયા નરસૈંયાનો હાથ પોતે જ મશાલ બની રહે.

આપણામાં કહેવત છે કે ઘણા માણસો એવાં હોય છે કે તેના ખોળામાં માથું ઢાળી દો તોપણ તેને માથું ખૂંચે! આ આપણી જૂની કહેતીને – પરંપરાગત વાતને – કવિએ કાવ્યને ને ભાવને ઉપકારક નીવડે એ રીતે વણી લીધી છે. આ સજણને તો પોતાના પ્રેમીનું આયુષ્ય જ ઓછું પડ્યું. ઘટ ઘટ, અંગે અંગ બાળી નાખ્યું અને છતાં સજણને તો ‘જીવન ઓછાં પડ્યાં!’ કેટલીક યજ્ઞની વેદીઓ એવી હોય છે જેને જીવનની આહુતિથી ઓછું કંઈ ન ખપે. તો કેટલીક વેદીઓ એવી હોય છે જેને એ આહુતિ પણ ઓછી પડે સજણ! તેં આ તે કેવા જગન માંડ્યા?

કાવ્યની પરાકાષ્ઠા સાથે ‘ધોતાકું શેષમુદકં સ્વાહા’ કરીએ તોપણ ન બુઝાતી આ વિરહની વેદી પર સજણ તને પણ આ કહેણ સ્વાહા… જગદીશ ઓઝા, તમે કલમ શા માટે મૂકી દીધી? (‘એકાંતની સભા'માંથી)