અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુધીર પટેલ/સોનપરીને

Revision as of 13:06, 29 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સોનપરીને

સુધીર પટેલ

સપના ક્યાં આવે છે સોનેરી, સોનેપરી!
આંખોને અંધારા લ્યે ઘેરી, સોનપરી!

દાદીની વાતુંએ ઉછેરી, સોનપરી,
બચપણમાં ખુશી ગઈ ઉમેરી, સોનપરી!

કાન થયાં છે જાણે કે સૂનાં કોડિયાં,
ક્યાં આવે રણઝણ ઝાંઝર પ્હેરી, સોનપરી!

ઝૂલે ક્યાંથી કોયલ રાનેરી, સોનપરી!
હું થ્યો છું ઠૂંઠું પર્ણો ખેરી, સોનપરી!

ભૂલ કરી મેં ઉંમરના દરવાજા ખોલી,
જાદૂગર ઉઠાવી ગ્યો વેરી, સોનપરી!

આવે તો પણ ભૂલી પડશે ભૂગોળે તું,
બદલી ગઈ છે શૈશવની શેરી, સોનપરી!

ઝાઝા જુહાર કહી લઉં વિદાય ‘સુધીર’,
અંજળ થયે મળશું બીજી ફેરી, સોનપરી!

(જળ પર લકીર)