અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનીષા જોષી/કંસારાબજાર

Revision as of 13:19, 29 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કંસારાબજાર

મનીષા જોષી

માંડવીની કંસારાબજારમાંથી
પસાર થવાનું મને ગમે છે.
‘ચિ. મનીષાના જન્મપ્રસંગે’ — આ શબ્દો,
મમ્મીએ અહીંથી ખરીદેલાં વાસણો પર
કોતરાવ્યા હતા.
વર્ષો વીત્યાં.
મારા હાથ-પગની ચામડી બદલાતી રહી
અને એ વાસણો પણ, ઘરના સભ્યો જેવા જ,
વપરાઈને, ઘસાઈને
વધુ ને વધુ પોતાનાં બનતાં ગયાં.
આ વાસણોની તિરાડને રેણ કરાવવા
હું અહીં આવું છું ત્યારે
સાથે સાથે સંધાઈ જાય છે
મારાં છૂટાંછવાયાં વર્ષો પણ.
ગોબા પડેલાં, ટિપાઈ રહેલાં વાસણોનો અવાજ
કાનમાં ભરી લઈ,
હું અહીંથી પાછી જાઉં છું ત્યારે
ખૂબ સંતોષથી જાઉં છું.
આ વાસણો જ્યાંથી લીધાં હતાં
એ દુકાન કઈ, એ દુકાનદાર કોણ,
કાંઈ ખબર નથી છતાં,
આ બજારના ચિરકાલીન અવાજ વચ્ચેથી
હું ચૂપચાપ પસાર થતી હોઉં છું ત્યારે
સતત એમ લાગ્યા કરે છે કે
હું અને આ અવાજ
ક્યારેય મરતાં નથી.
નવાં નવાં દંપતી અહીં આવે છે,
મારા માટે નવું નામ પસંદ કરીને
વાસણો પર કોતરાવીને
મને તેમના ઘરે લઈ જાય છે.
હું જીવું છું, વાસણોનું આયુષ્ય,
બેસી રહું છું માંડવીની કંસારાબજારમાં,
જુદી જુદી વાસણોની દુકાનોનાં પગથિયાં પર,
ધરાઈ જાઉં છું,
બત્રીસ પકવાન ભરેલી થાળીથી,
મૂંઝાઈ જાઉં છું,
એક ખાલી વાટકીથી,
વાસણો ઠાલાં ને વાસણો ભરેલાં
તાકે છે મારી સામે, તત્ત્વવિદની જેમ.
ત્યાં જ, અચાનક કોઈ વાસણ,
ઘરમાં માંડણી પરથી પડે છે
ને તેનો અવાજ આખા ઘરમાં રણકી ઊઠે છે,
હું એવી અસ્વસ્થ થઈ જાઉં છું
જાણે કોઈ જીવ લેવા આવ્યું હોય.
વાસણો અને જીવન વચ્ચે
હાથવેંત જેટલું છેટું.
વેંત, કંસારાબજારની લાંબી, સાંકડી ગલી જેવી.
ક્યાંથી શરૂ થાય ને ક્યાં પૂરી થાય
એ સમજાય તે પહેલાં, વેંતના વેઢા,
વખતની વખારમાં
કંઈક ગણતા થઈ જાય,
કંસારાબજારનો અવાજ
ક્યારેય સમૂળગો શાંત નથી થતો.
બજાર બંધ હોય ત્યારે
તાળાં મારેલી દુકાનોની અંદર, નવાંનકોર,
વાસણો ચળકતાં હોય છે.
ને એ ચળકાટમાં બોલતાં હોય છે
નવાંસવાં જીવન.
થાળી-વાટકા અને ગ્લાસથી સભર થઈ ઊઠતાં,
ને એંઠાં રહેતાં જીવન
હું જીવ્યા કરું છું
ગઈ કાલથી,
પરમ દિવસથી,
તે દીથી.
પરબ, સપ્ટે. ૨૪-૫