ઓખાહરણ/કડવું ૨૨

Revision as of 11:31, 1 November 2021 by MeghaBhavsar (talk | contribs)
કડવું ૨૨

[દીકરી અને જમાઈને કારાવાસમાં ભૂખ્યાં જાણીને બાણાસુરની પત્ની છાનામાનાં તેમના માટે ભોજન મોકલે છે, ઓખાની કરૂણતા જોઈ શ્રીકૃષ્ણ અવશ્ય તેમને ઉગારવા આવશે તેવી હૈયાધારણ અનિરૂધ્ધ ઓખાને આપે છે.]

રાગ આશાવરી
શ્રીશુકદેવ વાણી ઊચરે : સાંભળો, પરીક્ષિત રાય!
કૃષ્ણકુંવર ને કન્યા રાખ્યાં કારાગૃહની માંહ્ય; ૧

નાનાવિધ બંધન બાંધિયાં, કાઢી શકે ના શ્વાસ,
એકએકનાં મુખ દામણાં, દેખી થાય ઉદાસ. ૨

બીક બાણાસુર તણી, રાણી ભરે છે ચક્ષ,
પુત્રી-જમાઈને ભૂખ્યાં જાણી છાનું મોકલે ભક્ષ. ૩

બંધન દેખી નાથનું ઓખા ભરતી નેત્રે નીર;
અનિરુદ્ધ બોલે બળ કરી અબળાને આપે ધીર : ૪

‘જો આદરું તો અસુરકુળને ત્રેવડું તૃણ માત્ર,
શોભા રાખવા શ્વસુરકુળની અમે બંધાવ્યું છે ગાત્ર. ૫

હાકી ઊઠું તો સદ્ય છૂટું, દળું દાનવ-જૂથ,
શું કરું જે શ્વસુરકુળને રાખવું છે શુદ્ધ. ૬

શેં રડો છો, સુંદરી? સસરો શ્રીગોપાળ,
આકાશ-અવની એક થાશે, આણશે સહુનો કાળ. ૭

અગ્ન્યસ્ત્ર કેરી જ્વાળા ઘૂમશે, અસુર થાશે અંધ,
સહાય કરશે શ્યામ-રામ ત્યારે, બાળા! છૂટશે બંધ. ૮

મારા સમ જો, સુંદરી! ઝાંખો કરો મુખચંદ,
આ બંધનથી અતિ લાગે તમારાં નેત્રનાં બુંદ.’ ૯

એમ કરી આસનાવાસના, હરિ આવ્યાનું હારદ,
કોઈ જાણે નહિ એમ કારાગૃહમાં આવ્યા ઋષિ નારદ. ૧૦

લજ્જા તે પામ્યો પરાક્રમી, ને નીચી કીધી દૃષ્ટ,
વપુ ધ્રૂજે ને કાંઈ ન સૂઝે, બોલી ન શકે સ્પષ્ટ. ૧૧

‘શેં લાજે છે, પરાક્રમી? તું બોલ મુજ સંઘાથ;
છોડી છત્રપતિની વર્યો, થઈ પૃથ્વીમાં ખ્યાત ૧૨

ઊંડળમાં તેં આભ ઘાલ્યો, કામકુંવર! શેેં ન ફૂલે?
ઘોડે ચડે તે પડે પૃથ્વી, ભણે તે નર ભૂલે. ૧૩

જાદવકુળ તેં દિપાવિયું, બાંધ્યો લાજે છે શુંય?
કાલે માધવને મોકલું, દ્વારકા જાઉં છું હુંય. ૧૪


વલણ
હવે હું જાઉં દ્વારકા, ઋષિ ગયા એવું કહી,
શુકદેવ કહે પરીક્ષિતને : દ્વારકામાં શી ગત થઈ. ૧૫