અભિમન્યુ આખ્યાન/કડવું ૧૨

Revision as of 11:48, 2 November 2021 by KhyatiJoshi (talk | contribs)
કડવું ૧૨
[કેવા કપટથી પોતાનો અર્થ સાર્યો છે એ વર્ણવી ને કૃષ્ણ અહિલોચનને બહાર નીકળવાની આશા ત્યજી દેવા જણાવે છે; ત્યારે અહિલોચન કૃષ્ણને ઉપાલંભ આપે છે.]


રાગ સામેરી
 દુરિજનની એહવી દીન વાણી સુણી બોલ્યા સારંગપાણિ :
‘મૂકો બહાર નીસરવાના કોડ, હું તો જદુપતિ શ્રી રણછોડ.          ૧

તારી માએ રાખ્યો તુને વારી, તેં ન લહી વિદ્યા મારી.
મેં તો રૂપ ઋષિનું લીધું, તુને મારવાનું કારજ કીધું.          ૨

હાડે જાણ્યો મેં તુજને બળિયો, માટે મારગમાં આવી મળિયો.
જો હોય પૂરવ જનમનું પાપ, તો મૂકીએ સાણસે ઝાલ્યો સાપ.          ૩

હવે મુજને તું શું કરશે? અકળાઈ આફણિયે મરશે.
હું તો વેરી છું રે તારો, મેં અર્થ સાર્યો છે મારો.          ૪

ઢાળ
મેં મારો અર્થ સારિયો, આશા મૂકો જીવ્યા તણી.
વેરણ તારી તું જાણજે જે પેટી લાવ્યો શિવ તણી.          ૫

હું, બ્રહ્મા ને વળી ભોળો એ ત્રણે જાણો એક રે;
અમે વર સાટે વિદારિયા, તું સરખા અનેક રે.’          ૬

એવાં વચન સુણી વિશ્વંભરનાં, હૈયે લાગ્યો હુતાશંન રે.
ક્રોધ કરીને કુંવર બોલ્યો કૃષ્ણ પ્રત્યે વચંન રે :          ૭

‘ધિક્કાર જાદવ કુળને, જ્યાં તું સરખા ઉત્પન્ન રે;
કુળનો વાંક કશો નથી, ભૂંડું ભરવાડાનું અન્ન રે.          ૮

હાથ લાકડી, ખાંધ કામળી, વૃંદાવન ચારી ગાય રે;
ગત ક્યાંથી ગોવાળિયાને? નિર્દય નહિ દયાય રે!          ૯

પશુપાળ પાપી, વિશ્વાસ આપી, કપટ કરી વાહ્યો મુને રે;
અભ્યંતરનો હરખ હણિયો, "નીચ" લોક કહેશે તુને રે.          ૧૦

ગોવર્ધન તેં કર ધર્યો, ઉતાર્યો ઇંદ્રનો અહંકાર રે,
કેશી-કંસ પછાડિયા, તે તારા બળને ધિક્કાર રે.          ૧૧

રુક્મિણીનું હરણ કીધું, દીધો દુષ્ટ જનને માર રે,
જરાસંધને જીતિયો, તે બળને પડો ધિક્કાર રે.          ૧૨

નરકાસુરને મારી પરણ્યો પ્રેમદા સોળ હજાર રે,
પારિજાતક વૃક્ષને લાવ્યો, તે બલને પડો ધિક્કાર રે.          ૧૪

રૂપ લીધું મીન કેરું ને વેદ વાળ્યા ચાર રે,
શંખાસુરને સમાવિયો, તે પ્રાક્રમને ધિક્કાર રે.          ૧૫

ભૂંડરૂપે થયો ભૂધર ને ધર્યો ભૂતલ ભાર રે,
નક્ષત્રી ભૃગુરૂપે કીધી, તે બળાને પડો ધિક્કાર રે.          ૧૬

પાષાણ તાર્યા પાણી વિષે ને સેના ઉતારી પાર રે,
રાવણ રોળ્યો રણ વિષે, તે બળને પડો ધિક્કાર રે.          ૧૭

ભગત તાર્યા, અસુર માર્યા, ધરી દશ અવતાર રે,
ઉર્વી-ભાર ઉતારિયો, તે પ્રાક્રમને ધિક્કાર રે.          ૧૮

બળ જો મારા હાથનું કાઢીને મુજને બહાર રે;
કપટ કરીને કાં હણે? મુને વકારીને માર રે.          ૧૯

વલણ
વકારીને માર, મોહન! અભિલાષ છે જુદ્ધનો ઘણો;
પ્રપંચ કરી પેટી માંહે ઘાલ્યો, ઉગાર્યો પ્રાણ પોતા તણો.’          ૨૦