અભિમન્યુ આખ્યાન/કડવું ૧૫

Revision as of 12:20, 2 November 2021 by KhyatiJoshi (talk | contribs)
કડવું ૧૫
[સુભદ્રાએ પેટી ઉઘાડતાં બધાંને તો એમાં માત્ર મડદું જોવા મળ્યું. રાણી ‘કંથની કમાઈ’ જોઈ મજાક કરવા લાગી. તત્ક્ષણ પેટીમાં વળગી રહેલો અહિલોચનનો જીવ સુભદ્રાના પાંચ માસના ગર્ભમાં પ્રવેશ્યો. રાણીઓને તો ‘ખોદ્યો ડુંગર ને કાઢ્યો ઉંદર’ જેવો ઘાટ થતાં, હળવેથી બધીએ આપેલી ભેટસોગાદ પાછી માગી લીધી!]


રાગ મારુ

જાંબુવતી કહેઃ ‘બહાર જઈ જે કરે પેટીની વાત;
તેને માથે ભાર એટલો, નહિ પિતાની જાત.’          ૧

સુભદ્રાના હાથમાં સર્વે આપ્યું સત્ય વચંન;
વસ્રાભૂષણ રહ્યાં જોઈ, માન્યું માનુનીનું મંન.          ૨

ચાલી સુભદ્રા પિંજર પાસે, કૂંચી કરમાં સાહી;
એકલીએ તાળું ઉઘાડ્યું, જુએ વેગળી રહી ભોજાઈ.           ૩

દ્વાર બેઉ જૂજવાં મૂક્યાં, અળગું મૂકી તેહેકાર;
મહે મૃતક મોટું દીઠું ત્યારે હસી રાજકુમાર.          ૪

અહિલોચનનો પ્રાણ રહ્યો’તો વળગી પેટીના પુટમાંય;
હસતાં પ્રાણે પ્રવેશ કર્યો હરિવદનીના ઘટમાંય.          ૫

અબળાને ગર્ભ છે અર્જુનનો, થયા છે પંચ માસ;
તે પિંડ માંહે પાપી પ્રાણે સદ્ય પૂર્યો વાસ.          ૬

જીવ વિમાસે અહિલોચનનો, ‘હું આવ્યો હરિને ઘેર;
ન થાઉં પ્રસવ, મરે સુભદ્રા, વળે પિતાનું વેર.’          ૭

કૃષ્ણજીની કામિનીએ કૌતુક દીઠું, મરકલડે મુખ તાણ્યું :
‘કમાઈ જુઓ આપણા કંથની, મડું મસાણથી આણ્યું!’          ૮

તાળી દેઈ સત્યભામા બોલ્યાં, સર્વ સ્રીમાં ડાહ્યાં,
‘ભાઈએ હેત કર્યું ભગિનીને, અવની લોક અભડાવ્યા.          ૯

પીતાંબરનો પાલવ ઢાંકી, પ્રભુએ પિંજર આણ્યું;
મારે મંદિર ન આવ્યા, મેં ત્યારથી કૌતુક જાણ્યું.’          ૧૦

મુખ મરડે ને તાણે સડકા, કરવા લાગી ઠીઠોળી;
સુભદ્રાને વીંટી વળી ત્યાં, સોળ સહસ્રની ટોળી.          ૧૧

રુક્મિણી કહે : ‘મારે મંદિર ટબકલી છીંટ છે આછી;
તે તમને કાલે આપીશ, પટોળી લાવો પાછી.’          ૧૨

જાંબુવતી કહે, ‘બત્રીસલક્ષણો બાઈ તમારો વીર;
તે જાણે તો મુને ઠામ જ મારે, માટે આપો મારું ચીર.’          ૧૩

સાંસતાં રહી સત્યભામા બોલ્યાં, હાથ દઈને ગાલે;
‘આજ તો હાર લાવોની પાછો, જોઈએ તો લેજો કાલે.’          ૧૪

એક કહે, ‘આપણું કેમ રાખે? શું એ ભિયા છે ભિખારી?
હસ્તિનાપુરમાં કેમ જાશે અંગૂઠી લેઈ મારી?’          ૧૫

એક કહે, ‘એ ભિયાને આપતાં આપણું હૈયું હીસે;
પાછું લેઈએ એટલા માટે, પિયરમાં વરણાગી દીસે.’          ૧૬

માન દેઈ અપમાન માંડ્યું, વસ્તુ પેટીની જાણી;
મૂળગું વસ્ર જે સુભદ્રાનું, ભાભીએ લીધું તાણી!          ૧૭

બડબડતાં બોલ્યાં સુભદ્રા, ‘હું ઘણી માનું મોટી;
હવે સાલ્લા સોતી જાવા દ્યો, ભાભીની ભાવજ પહોતી.’          ૧૮

વલણ
પહોતી ભાવજ ભાભીની, એમ નણદે ત્રસકો ત્રોડિયો રે;
લટપટ કરીને વસ્ર હરી, આપ આપણે મંદિર દોડીઓ રે.          ૧૯