ચંદ્રહાસ આખ્યાન/કડવું ૮

Revision as of 09:23, 10 November 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૮|}} <poem> {{Color|Blue|[રાણી સહિત આખું રાજ્ય પાંચ વર્ષના બાળકને...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
કડવું ૮

[રાણી સહિત આખું રાજ્ય પાંચ વર્ષના બાળકને લઈ આવેલા કુલિંદ રાજાનું વાજતે ગાજતે સ્વાગત કરે છે. બાળકનું કુલકર્મ કરી જ્યોતિષ તેડાવી જન્મોતરી લખાવીને ચંદ્ર સમાન સુંદર મુખવાળા આ બાળકનું નામ ચંદ્રહાસ પાડવામાં આવે છે. પછી તેને ભણવા બેસાડે છે.]

રાગ : રામગી
ઋષિ નારદ બોલ્યા વાણીજી, તું સાંભળ, ગાંડીવપાણિજી;
સુતનો સમાચાર જાણીજી, પ્રેમે સંચરી સામી રાણીજી.          ૧

ઢાળ
શ્યામા ચાલી સુતને જોવા, સામગ્રી લીધી ઘણી;
સાથે તેડી સર્વ શ્યામા સાહેલિયો પોતા તણી.          ૨

‘સાંભળ્યું મેં સ્વપ્ન સરખું, પુત્ર લાવે છે પતિ,’
મનમાંહે મહાલી, સામી ચાલી, મળવાને મેધાવતી.           ૩

વેહેવારિયા સર્વે સંચર્યા વહેલ સુંદર જોતરી;
નગ્રની નારી નિસરી બાહરી થાળ મોતૈયે ભરી.          ૪

પાળે પાગે, અતિ અનુરાગે, માતા તે મળવા આવી;
અતિ પ્રેમ કીધો હૃદયાશું લીધો, મોતીડે સુતને વધાવી.          ૫

શુભ લગ્ન શુભ નક્ષત્રે, શુભ તિથિ રવિવાર,
ગાજતે વાજતે ઘેર આવ્યો કુલિંદનો કુમાર.          ૬

કુળકર્મ કીધું, દાન દીધું, ગીત ગાયે સર્વ સુંદરી,
મહારાજાએ જોશી તેડાવ્યા, લખવા પુત્રની જન્મોતરી.          ૭

જન્મોતરી લખી બોલ્યા ઋષિ : ‘મહા મહિમા બાળક તણો;
ભૂમંડળમાં ભૂપતિ ભાગ્યવંત થાશે કુંવર અતિઘણો.          ૮

એનું વદન ચારુ સોમ સરખું, જાણે સોળ કળા પ્રકાશ;
હસી રહ્યું માટે નામ એહનું ધર્યું છે ચંદ્રહાસ.’          ૯
વલણ
ચંદ્રાહાસ નામ સુતનું સુણી, રીઝ્યો રાય કુલિંદ રે,
પછે કોણ રીતે ભણ્યો કુંવર, કહે ભટ પ્રેમાનંદ રે.          ૧૦