અભિમન્યુ આખ્યાન/કડવું ૨૫

Revision as of 12:41, 10 November 2021 by KhyatiJoshi (talk | contribs)
કડવું ૨૫

[પુત્રવધૂ આવે તો કદાચ પુત્ર યુદ્ધ કરવાનું ટાળે એમ વિચારી સુભદ્રાએ દ્રૌપદી દ્વારા યુધિષ્ઠિરને ઉત્તરાનું આણું મોકલવા કહેવડાવ્યું. ‘નળાખ્યાન’, ‘મામેરું’ કે ‘સુદામાચરિત’, ‘દશમસ્કંધ’, જેવાં આખ્યાનોમાં પ્રેમાનંદે જે રસનિષ્પત્તિ સાધી છે એના પ્રમાણમાં આ આખ્યાન ઊણું ઊતરવું હોવા છતાં, રસવૈવિધ્ય અહીં જોવા તો મળે જ છે. ‘દશમસ્કંધ’ના દેવકી વિલાપ જેટલો ઉત્કટ ભલે નહિ, છતાં આછોપાતળો ય, માતાની હૃદયવ્યથામાંથી નિષ્પન્ન થતો કરુણ અહીં આસ્વાદવા મળે છે.]


રાગ મેવાડો

બોલ સાંભળ્યો અભિમન્યુ બાળ જી, સુભદ્રા કાંપી પડી પેટ ફાળ જી;
‘હવે શું થાશે વિધાતા જી, રખે કુંવર ઊઠી રણે જાતા જી.          ૧

ઊઠી અબળા મૂકે નિઃશ્વાસ જી, આવી રોતી દ્રૌપદી પાસ જી;
હૃદિયા ફાટે, નવ બોલયે જી, વડી રાણીને પડિયાં પાય જી.          ૨

‘શું છે સુભદ્રા?’ પૂછે પાંચાળી જી,’ કાં રુઓ છો આંસુ ઢાળી જી?
દુઃખ લાગ્યું છે અંતર ઊંડું જી, કોણ સુભટને ઇચ્છો ભૂંડું જી?’          ૩

બોલ્યાં સુભદ્રા, ‘હૃદયા ફાટે જી, હું આવી છું મહા ઉચાટે જી;
દ્રોણે પ્રતિજ્ઞા કપરી કીધી જી, અભિમન હણવો તેણે, હું બીધી જી.          ૪

સાલ હૃદેનું સહી ક્યમ રહું જી? કુંવર સાથે નહિ દીઠી વહુ જી;
જો આવે હો ઉત્તરા તો રહીએ બળતાં જી,
હાથ ઘસીશું હો આપણ વળતાં જી.          ૫

મેં માગ્યું હતું હો વચન સંભારોજી;
વર આપ્યો છે હો ‘વંશ રહેશે તારોજી’
જો વહુ આવે ને પુત્ર લોભાય જી, યુદ્ધ કરવાને રણ નવ જાય જી.          ૬

રાખ્યો નવ રહે કોનો પુત્ર જી, આપણું દ્રોણ ભાંજશે ઘરસૂત્ર જી;
કહો રાજાને એવું જાણીજી,’ વાત સાંભળી ઊઠ્યાં રાણી જી.          ૭

ધર્મની પાસે આવ્યાં દ્રુપદતનયા જી, પાણિ જોડી ભૂપ વીનવિયા જી;
‘હો સ્વામી ધર્મનરેશ જી, આણું મોકલોને મત્સ્યદેશ જી.          ૮

વંશ તમારો રાખવો જાણો જી, તો શીધ્રે ઉત્તરાને આણો જી;
છે અવળી કલાની રાત જી, કોણ જાણે શું ઉત્પાત જી.          ૯

મોકલો સાંઢ્ય લઈને રબારી જી, વા’ણે આવે વિરાટકુમારી જી.’          ૧૦

વલણ
કુંવરી તેડાવો સુદેષ્ણાની, મળે આપણા પુત્રને રે;
વિલંબ ન કરશો કંથજી, જો વધારો ઘરસૂત્રને રે.          ૧૧