ચંદ્રહાસ આખ્યાન/કડવું ૧૬

Revision as of 08:46, 11 November 2021 by MeghaBhavsar (talk | contribs)
કડવું ૧૬

[વિષયાને મોડું થતાં ચંપકમાલિની પૂછે છે, ‘ક્યાં ગઈ હતી?’ પહેલાં બહાનું કાઢીને પછી વિષયા મનની વાત કહી જ દે છે. ને મજાકમાં કહે છે, ‘તારે મારે એક જ સ્વામી’. આ મજાક પછી સાચી પડે છે એ કથાકારની ખૂબી છે.]

રાગ : ગોડી-ઢાળ બીજો

સખી સર્વ સામી મળી, ચંપકમાલિની પૂછે રે :
‘વડી[1] વારની વિષયા, ક્યાં ગઈ’તી? શ્વાસ ચઢ્યો છે, શું છે રે?          ૧

ઢાળ
ત્યારની, વિષયા, ક્યાં ગઈ’તી? તુંને આવડી વાર ક્યાં વાગી રે?
ઘેર જવા બેસી રહી સર્વે, વાટ જોઈ જોઈ ભાગી રે.          ૨

મેં તો તું સાધવી જાણી’તી તો કીધી સહિયારી રે;
અમને મૂકી ગઈ તું એકલી, એ શી રીત, બાઈ, તારી રે?          ૩

મુને છેતરી ગઈ તું છાની, એ સૌ ભૂંડું તારું રે;
એ વાતે કુળને લાગે લાંછન, મોટા બાપનાં છોરું રે.’          ૪

વિષયા કહે : ‘તમે ધાયાં જોવા, વાડી ચોદિશ ફૂલી રે;
મેં આવતાં એક પોપટ દીઠો, જોવા રહી તેણી ભૂલી રે!’          ૫

‘પોપટ જોયો, અર પ્રેમદા, તો તુંને પરસેવો શું વાળિયો રે?
જારી-વજારી મૂકો રે વિષયા; કોઈક કામી મળિયો રે!’          ૬

વિષ્યા કહે : ‘બાઈ, રહે અણબોલી, વારું છું, ચંપકમાલિની રે,
પડપૂછ પરસેવાની શી છે? તું બડબડ કરતી ચાલની રે.’          ૭

‘આવડી રીસ કાં કરે, વિષયા? હું તો હસું છું, બેની રે;
આ દાસી માત્ર હું અળગી રાખું; મુને તું છાનું કે’ની રે.          ૮


પછે સાન કરી સમજાવી શ્યામા, એક નેત્ર વાંકું વાળી રે;
‘તારે મારે એક સ્વામી છે,’ એમ કહી કર દીધી તાળી રે.          ૯

નારદ કહે, તે રાજકુંવરીને વાત વિષયાની ભાવી રે;
હસતી રમતી બંને પ્રેમદા ઘેર પોતાને આવી રે.          ૧૦

વલણ
ઘેર આવી વિષયા નારી, પછે વાટ જુએ સ્વામી તણી રે;
ચંદ્રહાસે શું કીધું, જેને માથે ત્રિભોવનધણી રે.          ૧૧



  1. વડી – મોટી