અભિમન્યુ આખ્યાન/કડવું ૪૫
રાગ સારંગ
વૈશંપાયન વાણી ઓચરે, રાય જનમેજય શ્રવણે ધરે
નાઠા કૌરવ વાળી મૂઠે, પાંડવ આવ્યા ચોથે કોઠે. ૧
ઊભો રહી બોલે દુર્યોધન, ‘છે કોઈ ક્ષત્રાણીનો તન;
ગયું રાજ મારું પાછું વાળે, પાંડવને આવતા ખાળે?’ :::::: ૨
તાત તણાં વાયક સાંભળી, લક્ષ્મણ કુંવર બોલ્યો વળી,
આવી તાતને કરી પ્રણામ : ‘હવે હું કરું સંગ્રામ.:::::: ૩
અભિમન્યુનાં પ્રાક્રમ શું ય? એક પલકમાં મારું હુંય;
કોપ્યો તમારો દીકરો, ત્યારે પાંડવનો શો આશરો?’:::::: ૪
દુર્યોધન કહે : ‘સુત શાર્દૂલ, તેં દીપાવ્યું કૌરવકુળ;’
સરખેસરખા ક્ષત્રીકુમાર, સાથે લીધા સોળ હજાર.:::::: ૫
સમાન વસ્ર ને સમાન કાય, સરખા રૂપે નવ બદલાય;
એવી શોભા લક્ષ્મણ તણી, ચઢી ચાલ્યો અભિમન્યુ ભણી.:::::: ૬
સુભટ સાથ સર્વે પ્રેરિયો, સૌભદ્ર આવતો ઘેરિયો;
જેમ શશીને ઢાંકે ઘન, ત્યમ ઢાંકી દીધો અભિમન.:::::: ૭
સોળ સહસ્ર સાથે તૂટિયા, ધનુષથી શર શીઘ્રે છૂટિયાં;
શક્તિ મુશલ ગદા અતુલ, તોમર ભોગળ પડે ત્રિશૂલ.:::::: ૮
કુંજર બહુ કિકિયારા કરે, ખડ્ગ સાંકળ લઈ સૂંઢે ફરે,
કુંભસ્થળ મદધારા ઝરે, આગળ આવે તે મસળાઈ મરે.:::::: ૯
કૌરવ પાંડવનો થયો રોળ, રણમાં ઊડે રુધિરની છોળ;
લક્ષ્મણ વીરને વકારતો, હાથે સુભટને સંઘારતો.:::::: ૧૦
એમ વિરથ કૌરવને કર્યા, પાંડવના યોદ્ધા ઓસર્યા;
ભીમ-શલ્ય, દુર્યોધન-ધર્મ, એમ વઢે જુગ્મ કરીને શર્મ.:::::: ૧૧
કર્ણ આવ્યો કરતો માર, ત્યારે કુંતીસુતે ખાધી હાર;
પારધીની પેરે ટોળે મળ્યા, ભીમસેનને વીંટી વળ્યા.:::::: ૧૨
ધર્મ કહે : ‘અભિમન્યુ, પાછા વળો, ઓ ભીમને કીધો આકળો;’
કાકાનાં વાયક મસ્તક ધરી, અભિમન આવ્યો પાછો ફરી.:::::: ૧૩
કૌરવ મુખે કરે મરકલાં, નાઠા જેમ નાસે ચરકલાં;
શરધારા અભિમન્યુ તણી, માર્યા કૌરવ વીણી વીણી.:::::: ૧૪
ત્રણ બાણે વેધ્યો કર્ણ, થયો અચેત જાણે પામ્યો મર્ણ;
નાઠો અશ્વત્થામા ઋષિરાય, જેમ વાઘ-ભોએ નાસે ગાય.:::::: ૧૫
દુઃશાસન વીંધ્યો શર તીણે, નાઠો દુર્યોધન વેવલાં વીણે;
દેખી લક્ષ્મણને રીસ ચડી, અભિમન ઉપર કીધી હડી.:::::: ૧૬
સોળ સહસ્ર યોદ્ધા સહિત, લક્ષ્મણે યુદ્ધ કીધું અનીત;
સૌભદ્રે કીધો પાળો પાય, બીજો રથ મોકલ્યો ધર્મરાય.:::::: ૧૭
તે રથ ઉપર થયો આરૂઢ, પછે પ્રાક્રમ કીધું પ્રૌઢ;
એકે વારે સોળ હજાર, બાણ મૂક્યાં કિરીટી-કુમાર.:::::: ૧૮
લક્ષ્મણના સંગી જે ધીશ, સોળ સહસ્રનાં છેદ્યાં શીશ;
વિરથ કીધો લક્ષ્મણ વીર, તેનું બાણે પ્રોયું શરીર.:::::: ૧૯
લક્ષ્મણ પડવાને લડથડ્યો, અભિમન ઊતરીને દડબડ્યો;
જોતા ક્ષત્રી સર્વ નરેશ, પાડી મુકુટ ને સાહ્યા કેશ.:::::: ૨૦
વીજળી સરખો ખડ્ગ કાઢિયો, ઊંચો હાથ કરી ત્રાડિયો;
જેને જોબનનો ઉન્માદ, દુર્યોધનને કીધો સાદ.:::::: ૨૧
‘અરે અહંકારી! તું ઓરો આવ, તારા કુંવરને મુકાવ;’
ત્યારે લક્ષ્મણની આંખ ભરાઈ, ‘મેલ મેલ પડ, પિતરાઈ.’:::::: ૨૨
વદનકળા રહી છે હસી, જાણે પ્રગટ્યો પૂનમનો શશી;
અદ્ભુત શોભા રહી છે વસી, એહવું મસ્તક કાપ્યું ધસી.:::::: ૨૩
જ્યાં ઊભો દુર્યોધન રાય, મસ્તક માર્યું હૃદયામાંય;
કૌરવનાં ભાંગ્યાં ઓસાણ, પાંડવનાં વાગ્યાં નિસાણ.:::::: ૨૪
કૌરવપતિ કરે વિલાપ : ‘કોણ પ્રગટ્યું મારું પાપ?
લક્ષણવંતા હો લક્ષ્મણ, કાં વિસરી ગયો સગપણ?:::::: ૨૫
કુંવર નહિ દીજે દુખડાં, હું કોનાં જોઉં મુખડાં?
ઊઠો લાડકવાયા કુંવર, કાં બેસાડ્યું મારું ઘર?’:::::: ૨૬
એમ આંખે આંસુ ભરે, દ્રોણાદિક આશ્વાસન કરે;
રોવે નહિ આવે કુમાર, ઊઠો રાજા, થાઓ હોશિયાર.’:::::: ૨૭
દુર્યોધન કહે : ‘ઊઠું શું? જીવ્યા માંહે નથી જીવતો હું;
પુત્ર ગયો મૂકીને ભોગ, મને ઘટે લેવો જોગ.:::::: ૨૮
અભિમન્યુએ વાળી રુધિરની નીક, એ રાજ્યને પડો ધિક!’
પછે શકુનિએ ઝાલ્યો હાથ, દુર્યોધન બેસાડ્યો રથ.:::::: ૨૯
વલણ
રથ ઉપર ખપ કરી બેસાડ્યો, દુર્યોધન રોતો વળી;
સંજયનાં વાયક સાંભળી ધૃતરાષ્ટ્ર પડ્યા ધરણે ઢળી.:::::: ૩૦