અભિમન્યુ આખ્યાન/કડવું ૩૦

Revision as of 05:09, 15 November 2021 by KhyatiJoshi (talk | contribs)
કડવું ૩૦

[ચક્રવ્યૂહ જીતવાના થનગનાટવાળો અભિમન્યુ આયુધસજ્જ થવમાં પ્રવૃત્ત છે, તો માતાનું મન પુત્રવધૂના આગમનની ચિંતામાં પડ્યું છે. પુત્ર માત પાસે કવચટોપ લેવા દોડ્યો તો માતા એ આયુધો સંતાડી દઈ, એને શોધવાનો ડોળ કરતી વિલંબ કરવા લગી; ઉત્તરા આવી પહોંચવાની લગનમાં. સુભદ્રાના માતા તરીકેના મનોગતને, એના વ્યક્તિત્વને કેવો કલાત્મક ઉઠાવ મળ્યો છે! એક તરફ અભિમન્યુનો જુસ્સો, બીજી તરફ માતાની વિહ્વળતા, અભિમન્યુનું શત્રુસંહારનું લક્ષ્ય તો માતાનો સભાન વિલંબપ્રયાસ - આ બધું કલાત્મક રીતે ઊપસી આવ્યું છે. યુધિષ્ઠિર, માતાનુ રક્ષણ મળે ને એ બહાને સમયનો વિલંબ થાય આ આશયે, અભિમન્યુને કુંતા પાસે મોકલે છે. પાત્રોનાં ક્રિયાત્મક ચિત્રણો દ્વારા આ કડવું આસ્વાદ્ય બને છે.]


રાગ ગોડી

સંજય ભણે, ભૂપતિ સુણો, મહિમા કહું સૌભદ્રેતણો;
પાછલી રજની રહી ઘડી ચાર, તે વેળા ઊઠ્યા ક્ષત્રીકુમાર.          ૧

દંતધાવન ને કીધાં સ્નાન, જાચક જનને દીધાં દાન;
રાય યુધિષ્ઠિર જોતા વાટ, ન આવી ઉત્તરા, થયો ઉચાટ.          ૨

સુભદ્રા મારગને જુએ, વહુ ન આવી તે દુઃખે રુએ;
જાગ્યો અભિમન, ઉતાવળ ઘણી, સાચવે વેળા ખટકર્મ તણી.          ૩

‘લાવો માતા, કવચ ને ટોપ, કૌરવ ઉપર મારે કોપ;
એકએકને રણમાં હણું, દુઃખ ટાળું માતા દ્રૌપદી તણું.          ૪

છે આશ યુધિષ્ઠિરને બહુ, તેમાં કાલના થાક્યા સહુ;
જઈ કાકાને આપું આધાર, વ્યૂહ જીત્યાનો લેઉં શિર ભાર.’          ૫

કહે જનુની, ‘લિયો આયુધ,’ ગઈ ઘરમાં નહિ શરીરે સૂધ;
‘અરે દૈવ મારે શું થશે? વહુ ન આવી, તે વિઘન હશે?’          ૬

સંતાડી આયુધ ખોળવા જાય, જેમ તેમ વાર લગાડે માય;
અભિમન કહે, ‘શું માવડી, શસ્ત્રને વાર લગાડે આવડી?          ૭

સંગ્રામ કરવા થાય અસૂર, કૌતુક કરશે મારાં શૂર; મોડું, અસૂરું
કાલ સભામાં સૌભદ્રે બક્યો, બીન્યો તે આવી નવ શક્યો.’          ૮

એવું કહીને આઘો પળ્યો, લેઈ આયુધ ને પાછો વળ્યો;
પહેર્યાં વસ્ત્ર, સન્નાહ, જીવરખી, થનાર વાત લલાટે લખી.          ૯

નીલા અશ્વ ને નીલી ધજા, સારથિએ અશ્વ કીધો સજા;
ખડ્ગ તોમર બાંધ્યાં કેડ કસી, ચઢ્યો રથ જેમ મૃગ પર શશી.          ૧૦

જેવાં પ્રગટે ભાસ્કરનાં કિરણ, આવી નમ્યો રાય ધર્મને ચરણ;
‘શું ધર્મધુરંધર બેસી રહ્યા? ઓ શત્રુ સામા તત્પર થયા.’          ૧૧

‘આવો, રૂડા ડાહ્યા દીકરા, તમો કૌરવને જીતો ખરા,
હવે વે’લા થાઓ સઘળા જોધ,’ એવું કહી કરે સેનારોધ.          ૧૨

‘જાઓ કુંવર કુંતાને પગે લાગવા, સંગ્રામની આજ્ઞા માગવા;’
એવું કહી મોકલ્યો કુમાર, વહુ અર્થે લગાડે વાર.          ૧૩

યુધિષ્ઠિરને બે મનમાં વાતઃ લાગે વાર, રક્ષા કરે માત;
જો આશીર્વચન ઉચરે સતી, તો પુત્ર મરે નહિ કોની વતી.          ૧૪

અભિમન્યુ કુંતા કને ગયો, પાગ લાગીને ઊભો રહ્યો;
‘ચક્રાવો લેવાને કાજ, મુને આજ્ઞા આપો આજ.          ૧૫

દ્રોણે પ્રતિજ્ઞા કીધી ઘણી, માતાજી મુજને મારવા તણી;
તેહ થકી બીન્યો નહિ હુંય, ભિક્ષુક મુજને કરશે શુંય.’          ૧૬

એવું જ્યારે બોલ્યો બાળ, કુંતાના પેટમાં પડી ફાળ!
‘જે વેળા આદરિયા દ્રોણ, ત્યારે કુંવરને રાખે કોણ?          ૧૭

નર-નારાયણ બન્ને નથી, કૌરવે કપટ કીધું સર્વથી;
જો ગયા મૂકીને જદુરાય, તો એને બાંધું રક્ષાય.          ૧૮

‘કૌરવ ત્રણ લોક જો ટોળે ફરે, તોય કુંવર માર્યા નહિ મરે;
સતીએ તેડ્યો પોતા કને, ‘આવ, રક્ષા, ભાઈ, બાંધું તને.’          ૧૯

વલણ
તને રક્ષા હું કરું, પણ રાખનારો શ્રી હરિ રે;
જન પ્રેમાનંદ એમ કહે, કેઈ પેરે રક્ષા કરી રે.          ૨૦