અભિમન્યુ આખ્યાન/કડવું ૩૮

Revision as of 05:17, 15 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
કડવું ૩૮
[કવિને હાથે પરંપરાગત ઉપમાઓની માલાથી નવાજતા અભિમન્યુના રણપ્રવેશનું અને કૌરવસૈન્ય ઉપર પડેલી એની હાકનું વર્ણન.]


રાગ મારુ

કૌરવને થયું રે જાણ, અભિમન્યુ આવ્યો રે;
ચૂક્યાં સુભટનાં ઓસાણ, રણથંભ મુકાવ્યો રે.          ૧

એ ગતિએ કરી પવંન, અભિમન્યુ આવ્યો રે;
પ્રતાપે હુતાશંન, રણથંભ મુકાવ્યો રે.          ૨

એ તો યુદ્ધે જાણે ઇન્દ્ર, અભિમન્યુ આવ્યો રે;
શીતળતાએ જેવો ચન્દ્ર, રણથંભ મુકાવ્યો રે.          ૩

ગંભીરપણે સાગર, અભિમન્યુ આવ્યો રે;
મહિમાએ બીજો હર, રણથંભ મુકાવ્યો રે.          ૪

સ્થિરતાએ જેવો મેર, અભિમન્યુ આવ્યો રે;
ગદાયુદ્ધે બીજો કુબેર, રણથંભ મુકાવ્યો રે.          ૫

વાણીએ ગંગાજળ, અભિમન્યુ આવ્યો રે;
એ તો રૂપે જેવો નળ, રણથંભ મુકાવ્યો રે.          ૬

ધસિયો શાર્દૂલની ફાળ, અભિમન્યુ આવ્યો રે;
એ ક્રોધે જેવો કાળ, રણથંભ મુકાવ્યો રે.          ૭

ઓ ચાપ ચઢાવ્યું છે હાથ, અભિમન્યુ આવ્યો રે;
નીલા અશ્વ જોડ્યા છે રથ, રણથંભ મુકાવ્યો રે.          ૮

ઓ લીલી ધજા ફરકે, અભિમન્યુ આવ્યો રે;
આપણથી દૃષ્ટ ન ચૂકે, રણથંભ મુકાવ્યો રે.          ૯

ભૂષણ શોભે ભવ્ય, અભિમન્યુ આવ્યો રે;
ભાથાથી ભીડ્યા સવ્યાપસવ્ય, રણથંભ મુકાવ્યો રે.          ૧૦

બાણે ગગન તણો પૂરનાર, અભિમન્યુ આવ્યો રે;
એ તો ચક્રાવાનો ચૂરનાર; રણથંભ મુકાવ્યો રે.          ૧૧

ત્યારે દ્રોણે કીધો શંખનાદ, અભિમન્યુ આવ્યો રે;
સૌભદ્રે સામો કીધો સંવાદ, રણથંભ મુકાવ્યો રે.          ૧૨

વલણ
સંવાદ કીધો સુભટ સર્વે, બોલે દુંદુભિ ઘન જેમ રે;
ચક્રવ્યૂહ અભિમન્યે લીધો, કૌરવ જીત્યા કેમ રે?          ૧૩