અભિમન્યુ આખ્યાન/કડવું ૪૦

Revision as of 05:18, 15 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
કડવું ૪૦
[અભિમન્યુનું પરાક્રમ, પાંડવકૌરવ સૈન્યના મહારથીઓએ આદરેલું યુદ્ધ, શસ્ત્રોનો ખડખડાટ, શરસંધાન, પશુઓના કોલાહલ વહેતી લોહીની નીકો વગેરે વર્ણવી આખુંય યુદ્ધચિત્ર પ્રેમાનંદે તાદૃશ કરી આપ્યું છે. યુદ્ધવર્ણનમાંના ઉત્સાહને અનુરૂપ અને ઓજસને વ્યંજિત કરતો વર્ણવિન્યાસ, આંતરપ્રાસ અને યમસાંકળીની યોજનામાં પ્રેમાનંદનું ભાષાપ્રભુત્વ પરખાઈ આવે છે. પ્રેમાનંદની આ શક્તિ વિકસીને ‘રણયજ્ઞ’નાં કેવાં રસિક યુદ્ધવર્ણનો આપે છે!]


રાગ છંદ ત્રિતાળો
મુખે રહ્યા ગુર, પૂંઠે સર્વ શૂર, ઉરાઉર અભિમન્યુ આવ્યો,
વાજતે રણતૂર, મહાબળ શૂર, ચક્રાવો ચૂર કરવાને ધાયો.          ૧

ગાજે સાગરજળ, એવાં બેઉ દળ, કળ ન પડે કિકિયાડે;
રોધાણ થયું રણ, વહાલાને વ્રણ, ધર્ણ ધ્રૂજે અભિમન્યુ ત્રાડે.          ૨

આચાર્ય ને અભિમન, આવ્યા વદન, ધન ધન દેવતા બોલે;
ભીમસેન ને શલ્ય, બેય મલ્લેમલ્લ, અટળ તે ઉછાળે શેષ ડોલે.          ૩

કુંતીભોજ ને કૃપ, ખીજ્યા જેમ સર્પ, દર્પ અન્યોઅન્ય હણે;
અશ્વત્થામા વીર, સાત્યકિ રણધીર, શરીર વેધ્યાં દુઃખ નવ ગણે.          ૪

સેનાપતિને સાધે, આવીને વાધે, સાથે વેધ્યા ધનુર્ધારી;
વિરાટ બાહૂલિક, યુદ્ધે તે અધિક, નીક રુધિર તણી રે કારી.          ૫

શકુનિ મામો, સહદેવ સામો, પામ્યો મોહ માદ્રેને મારે;
ભૂરિશ્રવા ને નકુળ, જેવા શાર્દૂલ, મૂળગા લેશ તે કો નવ હારે.          ૬

સોમદત્ત ને દ્રુપદ, માતંગના મદ, હદ લોપી આઘેરા ખસિયા;
દુર્યોધન ને ધર્મ, કરે બહુ કર્મ, ચર્મભર્યાં શર ધનુષે કસિયા          ૭

દ્રૌપદીના તન, સામો દુઃશાસન, ગગન છાયું છે બાણજાળે;
ટૂંકડી તરવાર, કરે મારોમાર, કો હાર ન પામે અંતકાળે.          ૮

ગદા ને મુગદળ પડે મૂશળ, કોલાહલ મોટો રે થાયે;
ધસી મારે ઢીક, હૈયે આવે હીક, છીંક ખાતાં જીવડો રે જાયે.          ૯

રોળાયા, રોળિયા, અશ્વના ટોળિયા, ઝોળિયે ઘાતિયા વીર જાતા.
ભલા રે ભડ, માથાં વિના ધડ, કડકા ઊડે લોહીએ રાતા.          ૧૦

શરના સડસડાટ, રથના ખડખડાટ, ઝળહળાટ તાય તલવારના ઝટકા;
સાંગ લોહ તણી, ભાલા તણી અણી, ઘણી ભોગળના થાય ભડકા.          ૧૧

સાથીએ સાથી, હાથીએ હાથી, કાલ-ભાથી ઊતરે કૂંડે;
તૂટે બખ્તર, પડે પાખર, નગ્ન આયુધથી અગ્નિ ઊડે.          ૧૨

ભીમસેન મહાભડ, ધાયા દડબડ, ધડ માથા-વિહોણાં રે કીધાં;
ધાયો મદ્રરાય, પાળો થઈ જાય, સમુદાય દેખીને સર્વ બીધા.          ૧૩

શું કાળના કાળ, મહા વિકરાળ, ફાળ દેઈ કૂંડે રે ચઢિયા;
મહા મોટા મલ્લ, ભીમ ને શલ્ય, ભલા ભીલું વાદે રે વઢિયા.          ૧૪

ભીમસેન ધાય, મારે ગદાય, ત્યારે રાય મદ્ર મુખે રે હસિયો;
‘ફટ બહુ-આહારી, સોટી શું મારી! જો ગદા મારી’ કહીને ધસિયો.          ૧૫

‘એમ ન ત્રાડિયે, આમ વજાડિયે, પાડિયે રિપુને એક પ્રહારે;,
કટિ મધ્યે લાગી, ગદા મર્મે વાગી, લાગી લેહેર ભીમ પડિયો બહારે.          ૧૬

ગ્રહી દ્રુમ-દંડ ધાયો પ્રચંડ, હેડંબ હાકંતો રણ આવ્યો;
દેખી પર્વત કાય, નાઠો મદ્રરાય, સાહ્ય કરી ભીમને મુકાવ્યો.          ૧૭

વલણ
મુકાવ્યો ભીમને ઘટોત્કચે, રાક્ષસે સેના બહુ હણી રે;
દ્રોણ દીઠા ક્રોધે ભર્યા, અભિમન ગયો ગુરુજી ભણી રે.          ૧૮