ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અર્થઘટનશાસ્ત્ર

Revision as of 10:40, 17 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''અર્થઘટનશાસ્ત્ર (Hermeneutics)'''</span> : આ શાસ્ત્ર પહેલાં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


અર્થઘટનશાસ્ત્ર (Hermeneutics) : આ શાસ્ત્ર પહેલાં તો બાઇબલના અર્થઘટન પરત્વે પ્રયોજાતું હતું અને એમાં બાઇબલની પ્રમાણિત વાચનાને નિયંત્રિત કરતા નિયમોના અને બાઇબલમાં વ્યક્ત અર્થોના સ્પષ્ટીકરણના સંદર્ભનો વિચાર થતો હતો. પરંતુ ઓગણીસમી સદીથી આ શાસ્ત્ર અર્થઘટનના સર્વસામાન્ય સિદ્ધાન્ત સાથે સંકળાયેલું છે. કાયદાની, સાહિત્યની કે બાઇબલની – કોઈપણ લેખિત કૃતિના અર્થ સુધી પહોંચવાની પદ્ધતિઓ અને પ્રક્રિયાઓને એણે લક્ષમાં લીધી છે. કૃતિમાં નિશ્ચિત અર્થને સ્થાપવાની શક્યતા, લેખકના આશયનું કર્તૃત્વ, અર્થોની ઐતિહાસિક સાપેક્ષતા, કૃતિના અર્થ પરત્વે વાચકનું પ્રદાન વગેરે અર્થ સાથેની પાયાની સમસ્યાઓને આ શાસ્ત્ર સ્પર્શે છે. જર્મન ચિંતક ફીડરિક સ્લાયરમાખરે ૧૮૧૯માં એની વ્યાખ્યાનશ્રેણી અંતર્ગત ‘સામાન્ય અર્થઘટનશાસ્ત્ર’ના સિદ્ધાન્તને પહેલીવાર કોઈપણ પ્રકારની કૃતિને સમજવાની કલા તરીકે ઉપસાવ્યો. વિલ્હેમ ડિલ્ટીએ, આ પછી સ્લાયરમાખરના વિચારોને વિકસાવ્યા અને માનવવિજ્ઞાનોનાં સર્વ પ્રકારનાં લખાણોના અર્થઘટનના આધાર તરીકે અર્થઘટનશાસ્ત્રને સ્થાપ્યું. એટલે પ્રાકૃતિક વિજ્ઞાનો ‘સમજૂતી’નું લક્ષ્ય રાખે છે જ્યારે અર્થઘટનશાસ્ત્ર માનવવિદ્યાઓ માટે ‘સમજણ’નો એક સર્વસામાન્ય સિદ્ધાન્ત સ્થાપિત કરવા માગે છે. સ્લાયરમાખરે કૃતિનો અર્થ સમજવા માટેના ઉપક્રમને વર્ણવેલો. એ ઉપક્રમને ડિલ્ટીએ ‘અર્થઘટનપરક ચક્ર’ જેવી સંજ્ઞા આપી. કોઈપણ ભાષાપરક એકમના ઘટકોના અર્થોને નિશ્ચિત કરવા માટે આપણે સમગ્રના પૂર્વજ્ઞાનથી એની પાસે જઈએ છીએ, સાથેસાથે એ પણ એટલું જ સાચું છે કે ઘટકઅવયવોના અર્થોને જાણવાથી જ સમગ્રનો અર્થ જાણી શકાય છે. ડિલ્ટીએ સ્પષ્ટ કર્યું કે અર્થઘટન માટેનું દુષ્ચક્ર નથી. સમગ્રને અંગેની આપણી ક્રમપરક સમજ અને ઘટકો અંગેની આપણી પૂર્વવ્યાપી સમજ આ બે વચ્ચેની નિયંત્રિત આંતરક્રિયા દ્વારા આપણે પ્રમાણિત અર્થઘટન સિદ્ધ કરી શકીએ છીએ. છઠ્ઠા અને સાતમા દાયકામાં અર્થઘટનસિદ્ધાન્તમાં રુચિ વધી. આજે અર્થઘટનશાસ્ત્રમાં બે મુખ્ય પ્રવાહો વહે છે. પહેલા પ્રવાહના પ્રતિનિધિઓ ઇટાલિયન સિદ્ધાન્તકાર એમિલિયો બેત્તિ અને અમેરિકન ઈ.ડી.હર્શ છે. લેખકે વ્યક્ત કરેલા અર્થનું વસ્તુલક્ષી અર્થઘટન શક્ય છે એવા ડિલ્ટીના મંતવ્યને આગળ વધારતા હર્શે દર્શાવ્યું છે કે સાહિત્યકૃતિનો અર્થ લેખકે જે અર્થ ઇચ્છ્યો હોય છે તે છે. આ પછી પારંપરિક અર્થઘટનશાસ્ત્રને અનુસરીને હર્શે અર્થ(meaning) અને અર્થવત્તા (Significance) વચ્ચેનો ભેદ સ્પષ્ટ કર્યો છે. યુગ, સંસ્કૃતિસંદર્ભ, અંગત પરિસ્થિતિ, માન્યતાઓ અને વાચકના વૈયક્તિક પ્રતિભાવો સાથે સંલગ્ન કૃતિની અર્થવત્તા પરિવર્તિત છે; જ્યારે લેખકના આશય સાથે સંલગ્ન કૃતિનો અર્થ નિશ્ચિત અને સ્થિર છે. સાહિત્યકૃતિની સંનિષ્ઠ સમજણ સાહિત્યકૃતિ જે ‘આંતરજીવન’ પ્રગટ કરે છે એના વાચક દ્વારા થતા પુનરર્નુભવ સાથે સંયુક્ત છે, એવા ડિલ્ટીના અન્ય મંતવ્યને આધારે બીજો પ્રવાહ વિકસ્યો છે. આ પ્રવાહના પ્રારંભિક પ્રણેતા માટિર્ન હાય્ડગર અર્થઘટનને પ્રતિભાસમીમાંસા સાથે સંમિલિત કરીને આગળ વધ્યા. એના અનુગામી હાન્સ જ્યોર્જ ગાડામરે હાય્ડગરની તત્ત્વવિચારણા લક્ષમાં લીધી અને પ્રભાવમૂલક કૃતિગત અર્થઘટનનો સિદ્ધાન્ત આપ્યો. ગાડામરના મત પ્રમાણે વાચક કૃતિ પાસે એની પૂર્વસમજ લઈને જાય છે અને કૃતિ તેમજ વાચક વચ્ચે એક સંવાદ રચાય છે. વાચક કૃતિ પાસે જે લઈને આવે છે એ ક્ષિતિજોનાં સંયોજનમાંથી અનિવાર્યપણે કૃતિનો અર્થ પરિણમે છે. અર્થઘટનશાસ્ત્રનો આજનો વિકાસ જર્મનીમાં વાચકને કેન્દ્રમાં રાખતા ‘અભિગ્રહણસિદ્ધાન્ત’માં કે ‘અભિગ્રહણ સૌન્દર્યશાસ્ત્ર’માં પરિણમ્યો છે. વોલ્ફગાન્ગ ઈઝર, રોમન ઈન્ગાર્ડન, હાન્સ રોબર્ટ યાઉસ, સ્ટેન્લી ફિશ વગેરેનું એમાં વિશેષ યોગદાન છે. ચં.ટો.