ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આરતી
આરતી : સંસ્કૃત आरात्रिक, પ્રાકૃત आरात्तिय ઉપરથી આવેલ ‘આરતી’ શબ્દ દેવમૂર્તિ કે પૂજ્ય વ્યક્તિની સમક્ષ ઘીની વાટ અથવા કપૂરથી સળગાવેલ દીવો (મૂર્તિના નખશિખ દર્શન, ખાસ તો મુખદર્શન કરવા માટે) ચક્રાકારે ફેરવવાની ક્રિયા માટે વપરાય છે. પૂજાવિધિના અંતિમ ભાગમાં થતી આ ક્રિયા વખતે થતું સ્તવન પણ આરતી તરીકે જ ઓળખાય છે. દેવનાં સ્વરૂપ, વસ્ત્રાલંકાર, મહિમા આદિના વર્ણન ઉપરાંત શ્રદ્ધાપૂર્ણ હૈયે રજૂ થતી ભક્તની કામનાપૂર્તિ માટેની માગણી એમાં વણાયેલી જોવા મળે છે. આરાધ્યદેવ કે દેવીના જયોચ્ચારથી આરંભાતી આરતીમાં અંતર્ગતપ્રાસયોજના, વર્ણમાધુર્ય અને સાહજિક ગેયતા હોવાથી તેમજ તે ચોક્કસ તાલ અને લયબદ્ધ હોઈને ઘંટારવ, દુંદુભિનાદ અને તાળી સહિત સમૂહમાં ગવાતી હોવાથી, એ અત્યંત લોકપ્રિય ગીતપ્રકાર છે. ઘરઆંગણે દેવસેવા ટાણે કે પછી જુદાં જુદાં દેવ-દેવીઓનાં, તીર્થકરોનાં, સંતોની સમાધિસ્થાનરૂપ એવાં અનેકાનેક મંદિરોમાં આરતીટાણાનું ધાર્મિક દૃષ્ટિએ અતિશય મહત્ત્વ છે. વૈષ્ણવમંદિરો, શિવમંદિરો, દેવીમંદિરો, જૈનમંદિરો, સંપ્રદાયોનાં મંદિરો – એમ બધે ગવાતી, સાહિત્યદૃષ્ટિએ ગૌણ છતાં ધર્મદૃષ્ટિએ આગવું મહત્ત્વ ધરાવતી – ‘આરતી’ઓના જ્ઞાત-અજ્ઞાત અનેક રચયિતાઓ છે. ગણેશ, શિવ, શક્તિ, કૃષ્ણ, તીર્થંકરો, દશાવતાર, જ્યોતિલિર્ંગો, હનુમાન, જેવા અનેકની સ્વતંત્ર આરતીઓ ઉપરાંત હરિહર, શિવ-બ્રહ્માવિષ્ણુ જેવા દેવોની ભેગી, તેમજ યમુના, ગંગા, તાપી જેવી નદીઓની પણ આરતીઓ જોવા મળે છે. એમાં કેટલીક ચારપાંચ પંક્તિની તો કેટલીક પર્વટાણે ગવાતી ત્રીસ-પાંત્રીસ કડીઓની રચનાઓ છે. નરસિંહથી માંડીને, સત્તરમી સદીના ‘જય આદ્યાશક્તિ..’ના રચયિતા શિવાનંદ સ્વામી, ભક્ત હરિદાસ, દેવીભક્તો વલ્લભ ભટ્ટ, હરગોવન જેવા અનેકનું આ ક્ષેત્રે પ્રદાન નોંધપાત્ર છે.
ભૂ.ત્રિ.