ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અધિકૃત વાચના
Revision as of 09:40, 19 November 2021 by KhyatiJoshi (talk | contribs)
અધિકૃત વાચના(Authorized version) : ખ્રિસ્તી ધર્મગ્રંથ બાઇબલની મૂળ ગ્રીક હસ્તપ્રતમાંથી વિલ્યમ ટિન્ડેલ દ્વારા અનૂદિત આવૃત્તિના આધારે જેમ્ઝ પહેલાના સંચાલનમાં ૧૬૦૪માં મળેલી બન્ને ચર્ચની સભાના અનુરોધથી ૪૭ વિદ્વાનોએ ૧૬૧૧માં અંગ્રેજી બાઇબલની જે આવૃત્તિ તૈયાર કરી તે અધિકૃત આવૃત્તિ ‘Authorised version’ તરીકે ઓળખાવા લાગી. પ્રાચીન કૃતિઓની એકથી વધુ આવૃત્તિઓ ઉપલબ્ધ હોય ત્યારે વિદ્વાનો સંશોધિત આવૃત્તિ તૈયાર કરવાની કામગીરી હાથ ધરે છે. અધિકારી વિદ્વાનો દ્વારા તૈયાર થતી આ પ્રકારની આવૃત્તિ અધિકૃત વાચના તરીકે ઓળખાય છે. પૂણેની ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે તૈયાર કરેલી મહાભારતની કુલ ૯૪૨૪૬ શ્લોકોની સંશોધિત આવૃત્તિને મહાભારતની અધિકૃત વાચના તરીકે ઓળખાવી શકાય. હ.ત્રિ.