ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અનુપ્રાસ

Revision as of 09:48, 19 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


અનુપ્રાસ(Alliteration) : સામાન્ય રીતે કાવ્યપંક્તિમાં અને ક્યારેક ગદ્યમાં શબ્દોના આરંભમાં વ્યંજનોની પુનરાવૃત્તિને કે સ્વરવ્યંજનોનાં સંયોજનની પુનરાવૃત્તિને અનુપ્રાસ કહેવાય છે. કાવ્યમાં નાદની ચોક્કસ તરેહો દ્વારા કલાત્મક પ્રભાવ ઊભો કરવા કાં તો અનાયાસ કાં તો આયાસપૂર્ણ રીતે આનો વિનિયોગ થાય છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં અનુપ્રાસ શબ્દાલંકારનો એક પ્રકાર છે. વર્ણસામ્ય કે વર્ણસાદૃશ્યનું સંયોજન રસને અનુકૂલ હોય એ આવશ્યક છે. અનુપ્રાસ માટે સ્વરોની આવૃત્તિ વૈકલ્પિક છે, પરંતુ વ્યંજનસામ્ય અનિવાર્ય ગણાયું છે. ભામહે અનુપ્રાસ અલંકારનું પહેલીવાર વર્ણન કરતાં વ્યાખ્યા કરેલી કે સરૂપ વર્ણવિન્યાસ એ અનુપ્રાસ છે. પછી ભામહથી વિશ્વનાથ પર્યંત અનુપ્રાસનો જે ઐતિહાસિક વિકાસ થતો ગયો તેમાં વર્ણસામ્ય, રસાનુગત વર્ણવિન્યાસ, આવૃત્તિ, વર્ણની નિકટવર્તીતા વગેરે તત્ત્વો સ્પષ્ટ થતાં ગયાં. અનુપ્રાસનું વિશ્લેષણ કરીને સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં એના અનેક ભેદ વિસ્તારવામાં આવ્યા છે. ભામહે બે ભેદ કર્યા પણ ભોજ જેવાએ એના અનેક ભેદ રચ્યા. પરંતુ એકંદરે અનુપ્રાસના પાંચ ભેદ માન્ય છે : છેકાનુપ્રાસ, વૃત્ત્યનુપ્રાસ, લાટાનુપ્રાસ, શ્રુત્યનુપ્રાસ, અંત્યનુપ્રાસ. છેકાનુપ્રાસમાં અનેક વ્યંજનો કે વ્યંજનસમુદાયની એક જ વાર પુનરાવૃત્તિ થાય છે; વૃત્ત્યનુપ્રાસમાં ઉપનાગરિકા, પરૂષા, કોમલા વૃત્તિઓને અનુકૂળ એક વર્ણ કે અનેક વર્ણોની એકાધિક પુનરાવૃત્તિ થાય છે; લાટાનુપ્રાસમાં શબ્દની પુનરાવૃત્તિ અને અર્થની સમાનતા છતાં તાત્પર્યભેદ મહત્ત્વનો ગણાય છે; શ્રુત્યનુપ્રાસમાં એક જ સ્થાન (કંઠતાલવ્યાદિ)થી ઉચ્ચરિત વર્ણોની આવૃત્તિ હોય છે; જ્યારે અંત્યનુપ્રાસમાં પદના અંતે આવતા સ્વરસહિત વ્યંજનોની પુનરાવૃત્તિ થાય છે. અહીં પણ અનુપ્રાસનિરૂપણમાં બે પરંપરાઓ રહી છે : એક પરંપરા છેકાનુપ્રાસ, વૃત્ત્યનુપ્રાસ તથા લાટાનુપ્રાસને અનુપ્રાસના ભેદો તરીકે સ્વીકારે છે; જ્યારે બીજી પરંપરા એમને સ્વતંત્ર અલંકારનો દરજ્જો આપે છે. ગુજરાતીમાં સજાતીય વર્ણોનાં આવર્તન વર્ણસગાઈ અને વૃત્ત્યનુપ્રાસ તેમજ શ્રુત્યનુપ્રાસનાં સંયોજન ઝડઝમકથી ઓળખાય છે. ચં.ટો.