ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અભિગ્રહણ સિદ્ધાન્ત

Revision as of 10:01, 19 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


અભિગ્રહણ સિદ્ધાન્ત(Reception Theory) : ૧૯૭૦ આસપાસ જર્મન વિવેચક હાન્સ રોબર્ટ યાઉસે અભિગ્રહણ સૌન્દર્યમીમાંસાની આપેલી રૂપરેખાને આધારે વિવેચનક્ષેત્રે આધુનિક સાહિત્યઅભ્યાસનો પ્રચલિત આ સિદ્ધાન્ત વાચકો દ્વારા કઈ રીતે કૃતિનું અભિગ્રહણ કરાય છે એની સાથે નિસ્બત ધરાવે છે. વાચક કૃતિ સાથે શું કરે છે અને કૃતિ વાચક સાથે શું કરે છે એવી પરસ્પરની પૂરક વાચનપ્રવૃત્તિ કઈ રીતે મૂર્ત થાય છે, કઈ રીતે વાચકની અપેક્ષાની ક્ષિતિજો કૃતિની ક્ષિતિજો સાથે મુકાબલો કરે છે, કઈ રીતે વાચકની સક્રિય સામેલગીરી કૃતિના સંકેતોની શ્રેણીને અર્થપરક વિશ્વમાં રૂપાન્તરિત કરે છે વગેરે પ્રશ્નોની આસપાસ અભિગ્રહણ સિદ્ધાન્ત કામ કરી રહ્યો છે. જર્મનીમાં અને અન્યત્ર આ અભિગ્રહણ સિદ્ધાન્ત ‘વાચકકૃતિ સંબંધ’, ‘વાચકપ્રતિભાવ સિદ્ધાન્ત’, ‘વાચકઉદ્યોગ’, ‘વાચકપ્રતિભાવ વિવેચન’, ‘વાચકકેન્દ્રી વિવેચન’, ‘અભિગ્રહણ સૌંદર્યશાસ્ત્ર’ એવાં જુદાં જુદાં નામે ઓળખાતો રહ્યો છે. સાહિત્યકૃતિ સ્વાયત્ત નથી. એનું મૂલ્ય તેમજ એના અર્થનિર્ણય માટે વાચકના પ્રતિભાવ અનિવાર્ય છે. આ અભિગમના મૂળમાં હુર્સેલ અને હેય્ડગરનો પ્રતિભાસમીમાંસાનો તત્ત્વવિચાર પડેલો છે. યાઉસ માને છે કે કૃતિને કોઈ વસ્તુલક્ષી અર્થ નથી. અલબત્ત, વસ્તુલક્ષી વર્ણન કરી શકાય એવાં કેટલાંક વિશિષ્ટ લક્ષણો કૃતિમાં જરૂર હોય છે પણ વાચકોની ભાષાનિષ્ઠ અને સૌન્દર્યનિષ્ઠ અપેક્ષાઓ કૃતિનાં આ લક્ષણો સાથે સમાગમમાં આવે તો જ કૃતિનો અર્થ નીપજે છે. કૃતિનો અર્થ એ સહિયારી નીપજ છે. વળી, સમયે સમયે વાચકની અપેક્ષાઓની ક્ષિતિજો બદલાય છે. ક્ષિતિજો બદલાય છે, સાથે કૃતિઓનો અર્થ બદલાય છે. એટલું જ નહિ, વાચક પાસે પૂર્વેના વાચકોના કૃતિ અંગેના પ્રતિભાવો પણ ઉપલબ્ધ હોય છે. તેથી કોઈ એક કૃતિની અર્થઘટનો અને મૂલ્યાંકનોની એક ઐતિહાસિક પરંપરા ઊભી થાય છે. આનો અર્થ એ થયો કે એકલદોકલ વાચકને ધ્યાનમાં રાખવાને બદલે યાઉસ વાચક સમુદાય પર પ્રભાવ પાડતાં ઐતિહાસિક પરિવર્તનને ધ્યાનમાં રાખે છે. વોલ્ફગાન્ગ ઈઝંર પણ માને છે કે વાચનની પ્રક્રિયામાંથી જન્મતો કૃતિગત અર્થ એ સાહિત્યના અભિગ્રહણ કે એની સમજણનું પાયાનું સ્વરૂપ છે વાચનની ક્રિયા કૃતિમાં આવતા અવકાશો અને લુપ્તાંશો ભરીને કૃતિનો અર્થ તૈયાર કરી લે છે. પ્રતિભાવમૂલક શૈલીવિજ્ઞાનને પુરસ્કારતા સ્ટેન્લી ફિશ વાચક પરના કૃતિના મનોવૈજ્ઞાનિક પ્રભાવ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અને સ્પષ્ટ કરે છે કે કૃતિનો અર્થ પાનાંઓ પર નથી હોતો. નોર્મન હોલાન્ડ બતાવે છે કે વાચક અભાનપણે પોતાની વૈયક્તિક ‘ઓળખ વસ્તુઓ’ (Identity Themes) સાથે પ્રતિભાવ આપતો હોય છે અને અચેતનનાં ભય અને ઇચ્છાઓ સામે પોતાને સુરક્ષિત રાખવા માનસિક દબાણોને મુક્ત કરીને કૃતિને રૂપાન્તરિત કરતો હોય છે. તો, ડેવિડ બ્લીચ, પ્રત્યેક વ્યક્તિની તાકીદની જરૂર એની પોતાની જાતને સમજવાની હોય છે એ વાત પર ભાર મૂકી દર્શાવે છે કે બધાં જ વસ્તુલક્ષી અર્થઘટનો અને એની આત્મલક્ષી આધારસામગ્રી વચ્ચેના સંબંધનો અભ્યાસ જરૂરી છે. ટૂંકમાં, અર્થઘટનશાસ્ત્રના વિકાસમાંથી ઉદ્ભવેલો અભિગ્રહણ સિદ્ધાન્ત સાહિત્યમાં વાચકની કામગીરી પર કેન્દ્રિત છે. કારણ અભિગ્રહણ સિદ્ધાન્ત સ્વીકારે છે કે સર્જક, કૃતિ અને વાચક એ ત્રણ ઘટકમાંથી વાચક હંમેશાં સૌથી વધુ ઉપેક્ષિત ઘટક રહ્યો છે. આગળ ચાલીને ઉમેરે છે કે વાચક વગર સાહિત્યકૃતિનું કોઈ અસ્તિત્વ જ નથી. સાહિત્યનિમિર્તિ માટે સર્જક જેટલો વાચક પણ મહત્ત્વનો છે. ચં.ટો.