ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કુમારસંભવ

Revision as of 11:14, 22 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કુમારસંભવ'''</span> : મહાકાવ્યસ્વરૂપના પંચપ્રાણ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કુમારસંભવ : મહાકાવ્યસ્વરૂપના પંચપ્રાણ મનાયેલાં પાંચ મહાકાવ્યોમાંનાં ‘કુમારસંભવ’ અને ‘રઘુવંશ’ મહાકાવ્યો કાલિદાસરચિત છે. ‘કુમારસંભવ’ મહાકાવ્યનો ૭, ૮, ૧૭ અને ૨૨ સર્ગો સુધીનો વિસ્તાર મનાયો છે, પણ મોટાભાગના વિદ્વાનો આઠ સર્ગોને જ કાલિદાસરચિત માને છે. જગતને પીડી રહેલા તારકાસુરને શંકરપાર્વતીનો પુત્ર કાતિર્કેય જ દેવોની સેનાનો સેનાની બનીને હણી શકે તેમ છે, એમ બ્રહ્મા દ્વારા જણાવવામાં આવતાં, શંકરપાર્વતીનાં લગ્નની યોજના અને છેવટે કુમારનો संभव એ આ મહાકાવ્યનું કથાવસ્તુ છે. વિવાહયજ્ઞની કેન્દ્રિય ભાવનાથી અનુપ્રાણિત ‘કુમારસંભવ’માં સામગ્રી અને રીતિનું સંતુલન જળવાયું હોવાથી તે એક સૌષ્ઠવભરી અનવદ્ય કલાકૃતિ બની શક્યું છે. આ મહાકાવ્યનો કર્તા એક નાટ્યકાર પણ છે એની પ્રતીતિ પણ ‘કુમારસંભવ’ના કેટલાક પ્રસંગોના કવિએ કરેલા નાટ્યાત્મક નિર્વહણ પરથી થાય છે. પાંચમા સર્ગમાં શંકરને પતિ તરીકે પ્રાપ્ત કરવા કઠોર તપ કરતી પાર્વતીની પરીક્ષા કરવા બ્રહ્મચારીનું રૂપ લઈ શંકર ત્યાં આવે છે અને શંકરની નિંદા કરવા લાગે છે. એ આખો સંવાદ નાટ્યાત્મક ગત્યાત્મકતા ધારણ કરે છે. છેવટે અકળાઈને પાર્વતી ત્યાંથી ચાલી જવા ઇચ્છે છે તો, બ્રહ્મચારી પોતાના મૂળ શંકરના રૂપમાં પ્રગટ થઈને પાર્વતીને રોકી લે છે તે વેળાનું પાર્વતીનું ચિત્ર ગતિશીલ છે. મોહકતા અને પ્રકૃતિચિત્રણ, માનવપ્રકૃતિની સંવાદિતા, સર્વમાં વ્યાપ્ત એવો તીવ્ર માનવ-સંદર્ભ અને કથાનકમાં અનુભૂત ગહન માનવદર્શન – આ સર્વને કારણે ‘કુમારસંભવ’ને ઘણા સંસ્કૃતનું સર્વોત્તમ મહાકાવ્ય માને છે. Right|વિ.પં.}}