ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/ક્રિયાકાર્ય
ક્રિયા/કાર્ય (Action) : કૃતિનો મુખ્ય ઘટનાઅંશ, કૃતિનું આ મૂળભૂત ક્રિયાતત્ત્વ, નાટક અથવા વાર્તાનું વસ્તુ સિદ્ધ કરે છે. નાટ્યકૃતિનું ક્રિયાતત્ત્વ વિવિધ રીતે પ્રગટ કરવામાં આવે છે; જેમકે પાત્રોની ગતિવિધિ દ્વારા, સંવાદમાં રહેલી ચોટ દ્વારા અથવા પશ્ચાદ્ભૂમિમાં બનેલી ઘટનાના અસરકારક વર્ણન દ્વારા. નાટક કે વાર્તામાં ક્રિયાતત્ત્વના મહત્ત્વ વિશે એરિસ્ટોટલ, ભરત આદિ નાટ્યવિદો વિવિધ મતો ધરાવે છે. નાટક કે વાર્તામાં અસરકારક આરંભથી ઉચિત અંત સુધી ગતિ કરતો ક્રિયાતત્ત્વનો આલેખ હોય એ સર્વસ્વીકૃત બાબત છે. ઉપરાંત ક્રિયાતત્ત્વનું મુખ્ય લક્ષણ એના દ્વારા પાત્રો તથા વસ્તુનું ઉદ્ઘાટન તથા તેનો વિકાસ છે. સાહિત્યસર્જનનાં કેટલાંક આધુનિક વલણો હંમેશાં ક્રિયાતત્ત્વના સળંગ આલેખની અનિવાર્યતા સ્વીકારતાં નથી આથી તેમાં ક્રિયાતત્ત્વનો અભાવ અથવા ક્રિયાતત્વની અલ્પતા જણાય છે. આધુનિક વિવેચને કૃતિમાં પ્રગલ્ભ રીતે આવતા ઘટનાઅંશોને આંતરિક ક્રિયા તરીકે તપાસ્યા છે. પ.ના.