ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કુવલયાનંદ

Revision as of 15:36, 22 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)



કુવલયાનંદ : અપ્પયદીક્ષિતનો સોળમી સદીના અંત અને સત્તરમી સદીના પ્રારંભ વચ્ચે લખાયેલો સંસ્કૃત અલંકારશાસ્ત્રનો ગ્રન્થ. આ ગ્રન્થ જયદેવની અલંકાર પરની પ્રસિદ્ધ કૃતિ ‘ચંદ્રલોક’ પર આધારિત છે. તેથી એની શૈલીનો એમાં સ્વીકાર થયો છે. એક જ શ્લોકમાં અલંકારની પરિભાષા અને એનું ઉદાહરણ બંને પ્રસ્તુત કર્યાં છે. ‘ચંદ્રલોક’નાં અલંકારોનાં લક્ષણ યથાતથ લઈ એના સ્પષ્ટીકરણ માટે વિસ્તૃત વ્યાખ્યા અપાયેલી છે. કુલ ૧૨૩ અલંકારોનું નિરૂપણ થયું છે; એમાંથી ૧૦૦ અલંકારો ‘ચંદ્રાલોક’ને અનુસરે છે. જ્યારે ૨૩ જેટલા અલંકારો અને એનાં લક્ષણો ગ્રન્થકારે પોતે આપેલાં છે. આ ગ્રન્થ મૌલિક નથી પણ અલંકારોનાં વિવરણોનો પ્રામાણિક અને વ્યવસ્થિત ગ્રન્થ છે. વળી, એ ઉત્તરકાલીન હોવાથી એમાં પૂર્વવર્તી આચાર્યોની માન્યતાનું વિશેષરૂપથી વિવેચન થયેલું છે. અપ્પયદીક્ષિત ધ્વનિવિરોધી આચાર્ય નથી પરંતુ ‘રસવત્’ ઇત્યાદિ અલંકારોનું સ્વતંત્રરૂપથી વિધાન કર્યું છે. અલંકારવિષયક આ અત્યંત લોકપ્રિય ગ્રન્થ છે. અપ્પયદીક્ષિતનો જન્મ તામિલનાડુના કાંચીપુર નજીકના અડયપ્પલ ગામમાં થયેલો. તેઓ તંજોરના રાવ શાહજીના સભાપંડિત હતા. એમણે આ ઉપરાંત ‘વૃત્તિવાતિર્ક’ અને ‘ચિત્રમીમાંસા’ જેવા અન્ય અલંકારશાસ્ત્રસંબંધી ગ્રન્થો આપ્યા છે. કુલ ૧૦૪ જેટલી કૃતિઓ એમને નામે નોંધાયેલી છે. ચં.ટો.