ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતપ્રશસ્તિનાં કાવ્યો

Revision as of 13:58, 23 November 2021 by KhyatiJoshi (talk | contribs)



ગુજરાતપ્રશસ્તિનાં કાવ્યો : ગુજરાતપ્રશસ્તિકાવ્યોમાં ગુજરાતની પ્રાકૃતિક, ઐતિહાસિક, સાંસ્કૃતિક વિશેષતા, એની પ્રજા, પ્રજાની જીવનરીતિ, પ્રજામાં થઈ ગયેલ મહાન વિભૂતિઓ – આ સર્વનું પ્રશંસાપૂર્ણ આલેખન થયું હોય છે. દયારામ સુધી આપણે ત્યાં આ પ્રકારનાં કાવ્યો ન હતાં. અંગ્રેજી કેળવણી પામેલા નર્મદ આદિ સાહિત્યકારોના વિશ્વસાહિત્ય સાથેના સંપર્ક તેમજ અંગ્રેજીશાસન દરમિયાન દેશ અને ગુજરાતની સ્થિતિ વિશે કરેલા ચિંતનમાંથી આ પ્રકારનાં કાવ્યો લખાવાની શરૂઆત થઈ. અર્વાચીન ગુજરાતી કવિતામાં ઘણી દિશાઓમાં નવપ્રસ્થાન કરનાર નર્મદે ગુજરાતપ્રશસ્તિકાવ્યમાં પણ પહેલ કરી. એમનું ‘જય! જય ! ગરવી ગુજરાત’ ‘કાવ્ય તેમાં વ્યક્ત થયેલા ઉત્કટ ગુજરાત-પ્રેમને કારણે જ નહીં, કાવ્યરચનાની દૃષ્ટિએ પણ આ પ્રકારનાં કાવ્યોમાં ચિરંજીવ નીવડ્યું છે. અહીં મધ્યકાળના પડછાયામાંથી પહેલીવાર બહાર નીકળીને કવિ ભાવપૂર્ણ ભાષામાં પોતાના પ્રદેશનું જયગાન ગાઈ ઊઠે છે. એમાં નવયુગના ઉદયનો સંકેત પણ સહજ રીતે પ્રગટ થયો છે. ગુજરાતની તત્કાલીન સીમાઓ, એનાં તીર્થસ્થાનો, નદીઓ સાગરકાંઠો તેમજ એની ભૂતકાલીન ભવ્યતાનો નિર્દેશ કરી કવિ એના ઉજ્જ્વલ ભવિષ્યની યે આગાહી કરે છે. નર્મદનું આ સીમાસ્તંભ જેવું કાવ્ય તે પછીના અનેક કવિઓને આ પ્રકારની રચનાઓ કરવા પ્રેરતું રહ્યું છે. નર્મદ પછી બહેરામજી મલબારી, હરિ હર્ષદ ધ્રુવ, ન્હાનાલાલ, ખબરદાર, કરસનદાસ માણેક, સુન્દરમ્, ઉમાશંકર, ચંદ્રવદન મહેતા વગેરે પાસેથી ગુજરાતપ્રશસ્તિનાં નોંધપાત્ર કાવ્યો મળે છે. એ પછીના કવિઓ પણ પ્રસંગોપાત આવાં કાવ્યો કરતા રહ્યા છે. આમાંની ઘણીખરી કૃતિઓમાં શબ્દ, સંરચના અને અભિવ્યક્તિલઢણોમાં એકવિધતા જોવા મળે છે તો કવિપ્રતિભાનો સંસ્પર્શ પામેલી કેટલીક કૃતિઓ અનોખાપણાનો અનુભવ કરાવે છે. ‘અર્પી દઉં સો જન્મ એવડું મા તુજ લ્હેણું’ ગાનાર બહેરામજી મલબારી નર્મદની જેમ ગુજરાતના ભૂતકાલીન વારસાને સ્મરી, અંગ્રેજશાસન સમયની દુર્દશાથી વ્યથિત બની ઉજ્જ્વલ ભવિષ્યની શ્રદ્ધા વ્યક્ત કરે છે. હરિ હર્ષદ ધ્રુવ ‘એ ભૂમિ અમારી’ કાવ્યમાં ગુજરાત માટે પ્રાણની આહુતિ આપી દેવાની તત્પરતા બતાવી તત્કાલીન પરાધીનતામાંથી મુક્ત થવા ઝંખે છે. બ્રિટિશ રાજભક્તિનાં કાવ્યો રચનાર ન્હાનાલાલ પાસેથી ગુજરાતપ્રશસ્તિનાં એકાધિક કાવ્યો મળે છે. એમાં ‘ધન્ય હો ધન્ય જ પુણ્યપ્રદેશ ! અમારો ગુણિયલ, ગુર્જરદેશ’થી આરંભાતું કાવ્ય ગુજરાતની ઐતિહાસિક, ભૌગોલિક, પ્રાકૃતિક, સાંસ્કૃતિક મહત્તા ઉપરાંત ગુજરાતી પ્રજાની લાક્ષણિકતાઓના હૃદ્ય આલેખનને કારણે ધ્યાનાર્હ બન્યું છે. ‘ગુર્જરી કુંજો’ ‘અમ ગુજરાતણનાં બાણ’ અને ‘કાઠિયાણીનું ગીત’ જેવાં અન્ય કાવ્યોમાં પણ ન્હાનાલાલની ગુજરાતભક્તિનાં દર્શન થાય છે. જીવનનો મોટો ભાગ ગુજરાત બહાર મદ્રાસમાં વસનાર પારસી કવિ ખબરદારે નર્મદ અને હરિ હર્ષદ ધ્રુવમાંથી પ્રેરણા લઈ ‘ઓ ગુજરાત ! ઓ ગુજરાત !’ ‘અમારી ગુજરાત’ ‘ગુણવંતી ગુજરાત’ અને ‘સદાકાળ ગુજરાત’ જેવાં ઘણાં કાવ્યો લખ્યાં છે એમાંથી ‘ગુણવંતી ગુજરાત !’ અને ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત !’ એ બે કાવ્યો વિશેષ લોકાદર પામ્યાં છે. સમગ્ર રાષ્ટ્રના સ્વાતંત્ર્યની કામના કરતા ગાંધીયુગના કવિઓ પાસેથી પણ ગુજરાતસ્તવનનો મળ્યાં છે. સાદ્યન્ત શાર્દૂલવિક્રીડિતમાં વહેતું ‘ગૂર્જરી ભૂ’ ‘સુન્દરમ્’નું ધ્યાનાર્હ કાવ્ય છે. કવિ અહીં ગુજરાતના પ્રકૃતિવૈભવની વિગતે પ્રશંસા કરી કૃષ્ણ-બલરામથી માંડી ગાંધીજી સુધીના મહાપુરુષો અને તેમનાં કાર્યોને અંજલિ આપે છે. ઉમાશંકરે પણ ઘણાં ગુજરાતસ્તવનો રચ્યાં છે એમાં ‘ગુજરાત મોરી મોરી રે’ અને ગુજરાતપ્રેમને રાષ્ટ્રપ્રેમ સુધી વિસ્તારી આપતું ‘હું ગુર્જર ભારતવાસી’ નોંધપાત્ર છે. મનસુખલાલ ઝવેરી અને બચુભાઈ રાવત પાસેથી પણ એક એક કાવ્ય મળે છે. કરસનદાસ માણેક શ્રીકૃષ્ણ જેવા અવતારી પુરુષ મથુરા છોડીને અહીં આવી વસ્યા એ કારણે જ ગુજરાતના સૌભાગ્યની સરાહના કરે છે ! જયંત પાઠક અને ‘ઉશનસ્’ ઉપરાંત બીજા અનેક જાણીતા-અજાણ્યા કવિઓ પાસેથી ગુજરાતપ્રશસ્તિનાં કાવ્યો મળે છે પરંતુ એમાં ઉમાશંકર એક કાવ્યમાં ચીંધી બતાવે છે એવી ‘જ્યાં પગ મૂકે ત્યાંનો થઈને રોપાયે દૃઢમૂલ’ ગુજરાતીઓની અનુકૂલનવૃત્તિ કે દેશળજી પરમારના કાવ્યમાં ઉલ્લેખેલ, અનેક સંસ્કૃતિઓના સંસર્ગમાં આવવા છતાં ગુજરાતે જાળવી રાખેલા પોતાપણા જેવી કશી વિશેષતા જોવા મળતી નથી. આ બધામાં ભાવાભિવ્યક્તિ અને સંરચનાની દૃષ્ટિએ ચંદ્રવદન મહેતાનું સોનેટ વિશેષ ધ્યાન ખેંચે છે. ‘ભમો ભરતખંડમાં સકલ ભોમ ખૂંદી વળી / ધરાતલ ઘૂમો, ક્યહીં નહીં મળે રૂડી ચોતરી’–થી થતો કાવ્યનો સહજ, પ્રભાવક આરંભ અને ‘લીધો જનમ ને ગમે થવું જ રાખ આ ભૂમિમાં’થી થતું સમાપન કાવ્યને પૂર્ણતા અર્પે છે. આ સિવાય ગુજરાતસ્થાપનાદિનની ઉજવણી નિમિત્તે અનેક કવિઓ કશી વિશેષતા વિનાની રચનાઓ કરતા રહ્યા છે. પુ.જો.