ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતમિત્ર
ગુજરાતમિત્ર : દક્ષિણ ગુજરાતનું અગ્રણી દૈનિક અખબાર. સુરતમાં ૧૩-૯-૧૮૬૩ના દિવસે દીનશા અરદેશર તાલયારખાને ‘સુરતમિત્ર’ નામના સાપ્તાહિકનો પ્રારંભ કર્યો. આ સાપ્તાહિક દર રવિવારે બહાર પડતું. સુરત શહેરના સમાચાર એમાં છપાતા અને સુરતની સમસ્યાઓની ચર્ચા થતી. આ અખબારને સફળતા મળતાં એનું કાર્યક્ષેત્ર વિસ્તાર્યું અને નામ ૧૧-૯૧૮૬૪થી બદલીને ‘ગુજરાતમિત્ર’ રાખ્યું. દીનશા સરકારી ગેરવહીવટ અને બીજાં દૂષણોના સખત ટીકાકાર હતા. વડોદરા નરેશ મલ્હારાવ ગાયકવાડની નીતિ સામે એમણે જોરદાર લડત આપી હતી, જેને અંતે એમણે ગાદીત્યાગ કરવો પડ્યો. ૧૮૭૨માં ‘ગુજરાતમિત્ર’ના ચારસો ગ્રાહક હતા. ૧૮૭૦માં નાદુરસ્ત તબિયતના કારણે દીનશાએ અખબાર ચૌદ જણની એક કંપનીને વેચી નાખ્યું. એના એક અગ્રણી મંદારામ દોલારામ હતા, જે સરકારી નોકરીમાં હતા. આ અખબાર સાથેના સંબંધને લીધે એમણે નોકરી છોડવી પડેલી. ૧૮૭૭માં એ વર્તમાનપત્રના માલિક બન્યા. ૧૮૯૫માં હોરમસજી સેક્રેટરીનું સાપ્તાહિક ‘ગુજરાતદર્પણ’ એમાં જોડાઈ ગયું. ૧૯૨૦માં ઉત્તમરામ રેશમવાળાએ ‘ગુજરાતમિત્ર’ ખરીદી લીધું. એમના પછી એમના પુત્ર ચંપકલાલ અને એ પછી એમના ભાઈ પ્રવીણકાંત રેશમવાળા તંત્રી બન્યા. ૨૯-૧૧-૩૬થી એ દૈનિક બન્યું અને આજે શ્રી ભરત રેશમવાળાના તંત્રીપદ હેઠળ ચાલે છે. કોઈ રાજકીય જૂથના હાથા બન્યા વિના, અને સસ્તી સનસનાટીમાં રાચ્યા વિના આ દૈનિક વાચકોને બૌદ્ધિક સામગ્રી પીરસતું રહ્યું છે. એના વિદ્વત્તાપૂર્ણ તંત્રીલેખો અને કટારો તથા વાચકોના ચર્ચાપત્રોમાં ચાલતી બૌદ્ધિકચર્ચાઓ તેનાં આકર્ષણો છે. યા.દ.