ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી આખ્યાનસાહિત્ય

Revision as of 14:46, 23 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">ગુજરાતી આખ્યાનસાહિત્ય : મધ્યકાલીન ગુજરાતીમ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)



ગુજરાતી આખ્યાનસાહિત્ય : મધ્યકાલીન ગુજરાતીમાં છેલ્લાં ચારસો વર્ષ સુધી આખ્યાનસ્વરૂપની રચનાઓનો સારો એવો પ્રભાવ રહ્યો છે. ચાલીસ-પચાસ જેટલા કર્તાઓ અને સિત્તેરપંચોતેર જેટલી આખ્યાનરચનાઓમાંથી પસાર થતાં ગુજરાતી આખ્યાનસાહિત્યપરંપરાનું એક સ્પષ્ટ ચિત્ર દોરાયું છે. આ પરંપરા માત્ર વહેતી રહી છે એવું નથી, ખરા અર્થમાં એમાં વિકાસ થતો રહ્યો છે. કોઈ ને કોઈ કર્તાએ પોતાના તરફથી કશુંક પોતીકું અર્પણ કરીને આ પરંપરાને સમૃદ્ધ કરી છે. ગુજરાતી ભાષા પૂર્વેની પરંપરામાં આખ્યાનની પરંપરાનાં મૂળ અને કૂળ શોધવા જતાં એ સ્પષ્ટ થાય છે કે માત્ર સંવાદ અને આછા કથાનક ઉપર જ આખ્યાન મંડિત નથી, એમાં કથાનું નિર્માણ અને એનું પ્રસ્તુતીકરણ એ બે ઘટકો અત્યંત મહત્ત્વનાં છે. આ બન્ને ઘટકો આપણી ગુજરાતી પરંપરામાં જ વિકાસ પામ્યાં છે. એ રીતે આખ્યાન આપણું પોતીકું સાહિત્યસ્વરૂપ છે. આપણા તળપ્રદેશને અનુરૂપ – અનુકૂળ રીતે એને ઘાટ મળ્યો છે. આખ્યાનપરંપરા પૂર્વે ગુજરાતી ભાષા-સાહિત્યમાં પદપરંપરા સ્થિરસુદૃઢ હતી. એમાં ઝૂલણા પણ પ્રયોજાતા. બીજી બાજુ કૃષ્ણલીલાગાનની પણ પરંપરા હતી. નરસિંહે પોતે પણ અનેક પદો રચેલાં છે. એના સર્જનમાં પદમાળા પણ દૃષ્ટિગોચર થાય છે. એક પદમાં પોતાને અભિપ્રેત સંવેદન પૂર્ણ રીતે વ્યક્ત ન થઈ શકતાં બીજા પદમાં એને લંબાવે છે. પદ પૂર્ણ થાય છે, પરંતુ વિષયભાવનું અનુસન્ધાન એમાં વિકાસ પામે છે, અને એમ પદમાળા સર્જાય છે. ‘સુદામાચરિત્ર’ આવી પદમાળા છે. ઝૂલણાની પરંપરા કૃષ્ણલીલાગાનની પરંપરાના સંયોજનમાંથી નરસિંહ પાસેથી મળે છે ‘સુદામાચરિત્ર’ ઉપરાંત ‘મામેરું’, ‘હૂંડી’. અન્ય આત્મચરિત્રમૂલક પદો અને ‘ચાતુરીઓ’ જેવી રચનાઓ પણ પદમાળા પ્રકારની છે. પછી તો પરંપરામાં ‘સુદામાચરિત્ર’ અને એ નિમિત્તે ઝૂલણા એટલો બધો પ્રચાર પામે છે કે નરસિંહ પૂર્વેના અંબદેવસૂરિએ અને મેરુનંદને ઝૂલણાનો વિનિયોગ કર્યો હતો એવું સ્મરણમાં પણ રહેતું નથી. આમ પદપરંપરામાંથી પદમાળાની પરંપરા વિકાસ પામે છે. એ પછી કર્મણના ‘સીતાહરણ’માં પણ નરસિંહ જેવાં પાંચ ધોળ છે. કર્મણે પણ ધોળને અંતે પોતાની નામછાપ મૂકી છે. કર્મણે અહીં ધોળમાં આરંભે એક કડી ઢાળની પૂર્વેની હોય અને એનું છેલ્લું ચરણ ઢાળની કડીમાં પુનરાવર્તન પામે એવું આયોજન કર્યું છે. આનું ઘણું મહત્ત્વ છે. ભાલણમાં જે પછીથી ઊથલા તરીકે વિકાસ પામે છે તેનું મૂળ અહીં છે. કર્મણ પછી જનાર્દન ‘ઉષાહરણ’માં નરસિંહપરંપરાનો જ પદપ્રકાર પ્રયોજે છે. કર્મણ માફક અહીં ઢાળ નથી. પદને બદલે કડવાં એવું નામાભિધાન તેના દ્વારા આરંભાય છે. નરસિંહ કરતાં જનાર્દનરચિત ‘ઉષાહરણ’નાં પદ-કડવાં બે-ત્રણ રીતે વિકાસ પામ્યાં છે. એમાં વિવિધ રાગ દેશીબંધ છે. ચોપાઈબંધ પણ વધુ ચુસ્ત છે. ‘એ’ અને ‘રે’ જેવાં લટકણિયાં પણ અહીં દૃષ્ટિગોચર થાય છે. જનાર્દનમાં પરંપરાનો વિકાસ થાય છે અને પછીના વીરસિંહના ‘ઉષાહરણ’માં પરંપરા પુષ્ટ બનતી જોવા મળે છે. દુહા, ચોપાઈ, પવાડા, છપ્પા અને ગીતના પદબંધ તથા ભુજંગપ્રપ્રાત, વસ્તુ, ગાથા, પધ્ધડી અને સારસી જેવા છંદો અહીં પ્રયોજાયેલા છે. કેટલાંક સ્થાને રાગનાં નામ પણ આપ્યાં છે. ભીમકૃત ‘હરિલીલાષોડશકલા’માં કથાનકને કડવાંમાં વિભાજિત કરેલ છે. માંડણ ‘રામાયણ’માં કથાનકને ખંડમાં વિભાજિત કરે છે. શ્રીધરના ‘ગૌરીચરિત્ર’માં કડવાને આરંભે ઢાળની પૂર્વકડીઓમાં સાંકળી અને કડવાના આરંભના પદને અંતે વલણ રૂપે દ્વિરુક્તિ જોવા મળે છે. અહીં આખ્યાનમાં અભિવ્યક્તિ માટે ખપમાં લીધેલા કાવ્યબંધની પરંપરાને ટૂંકમાં નિર્દેશી. હવે વિષયસામગ્રીના વિનિયોગની પરંપરાનો વિકાસ તપાસીએ. નરસિંહમાં કૃષ્ણલીલા માટે સુદામાનો પ્રસંગ છે. ભીમે તો સમગ્ર ‘શ્રીમદ્ભાગવત’ને જ ખપમાં લીધું છે. ‘ઉષાહરણ’નું કથાનક અને રુકમાંગદકથા પણ પ્રયોજાઈ છે. રામાયણ અને સીતાહરણનો પ્રસંગ પણ પ્રયોજાયો છે. શિવકથાનકને લગતું ગૌરીચરિત્ર પણ મળે છે. સીતાહરણનો પ્રસંગ પણ મળે છે. અભિમન્યુની કથાને લગતું દેહલકૃત – ‘અભિનવ ઊંઝણું’ તથા લૌકિક કથાનકને લક્ષતી વાસુકૃત – ‘સગાળશાઆખ્યાન’ રચના પણ નવી પરંપરા રચી આપનાર કથાનક છે. સમકાલીન કે પુરોગામીએ પ્રયોજેલ કથાનકને જ આખ્યાન સાહિત્યસ્વરૂપમાં ન પ્રયોજીને અવનવાં કથાનકો પસંદ કરીને એને પ્રયોજીને એની પરંપરાનું નિર્માણ કરનારા આ બધા આખ્યાનકારો છે. એ રીતે ભાલણ પૂર્વે કથાનક માટે વિષયસામગ્રીની અવનવી પરંપરા રચાઈ એનું ઘણું મહત્ત્વ છે. આખ્યાનપરંપરામાં ભાલણનું પ્રદાન ત્રણ-ચાર રીતે નવો પદક્રમ સ્થાપનારું છે. તે અવનવા રાગ, દેશી અને ઢાળનું નિરૂપણ કરે છે. કડવાંમાં કથાને વિભાજિત કરે છે. જરૂર જણાય ત્યાં પદને પણ ખપમાં લે છે. અવનવાં કથાનકો પસંદ કરે છે. આખ્યાનમાં ‘આખ્યાન’ સંજ્ઞા પ્રયોજે છે. જે પાછળથી પરંપરા બની જાય છે. એનો નટનારાયણ રાગ અને એમાંય ખાસ તો ત્રિપદીબંધ ધ્યાનાર્હ છે. કડવાને આરંભે ધ્રુવપદની કડી મૂકે છે. એ કડીના છેલ્લા બેત્રણ શબ્દો ઢાળની કડીમાં પ્રારંભ પામતા અહીં જોવા મળે છે. એ પણ મહત્ત્વનું છે. ‘મૃગીઆખ્યાન’, ‘મામકીઆખ્યાન’, ‘ધ્રુવાખ્યાન’, જાલંધરાખ્યાન’, ‘નળાખ્યાન’ જેવાં ને ‘દશમસ્કંધ’, ‘કાદંબરી’, ‘રામવિવાહઆખ્યાન’ જેવાં આખ્યાનો રચીને અવનવાં કથાનકોની ભાલણે જાણેકે શૃંખલા રચી છે. ‘ધ્રુવાખ્યાન’, ‘નળાખ્યાન’, ‘જાલંધરાખ્યાન’ ને ‘દશમસ્કંધ’ની ગુજરાતીમાં સમૃદ્ધ પરંપરા ઊભી થઈ એનો જનક ભાલણ છે. ‘કાદંબરી’ જેવી દુર્બોધ ગદ્યકૃતિમાંથી ‘કાદંબરીઆખ્યાન’ રચવું, ‘દશમસ્કંધ’ જેવી નરી પ્રેમભક્તિની કવિતામાંથી કથાનું નિર્માણ કરવું, ક્યાંક ક્યાંક પાત્રોમાં માનવભાવોને ભરવા, કથાને ક્રમબદ્ધ રીતે વિકસાવવી – આ બધાંમાં ભાલણની ઊંડી સૂઝનું, સર્જકપ્રતિભાનું દર્શન થાય છે. મધ્યકાલીન ગુજરાતી આખ્યાનની પરંપરામાં આ બધાં કારણે ભાલણ એક ઉજ્જ્વળ પ્રકરણ છે. આખ્યાનની પરંપરામાં આખ્યાનને એક ચોક્કસ પ્રકારનો આકાર અર્પનાર સર્જક ભાલણ છે. એની સુરેખ આકારની આખ્યાનકૃતિઓનો પ્રભાવ પણ ભારે રહ્યો જણાય છે. ભાલણ પછી અને પ્રેમાનંદપૂર્વે ઘણાં આખ્યાનકારોએ પરંપરાને સમૃદ્ધ કરી છે. આવા ત્રણ આખ્યાનકારો નાકર, વિષ્ણુદાસ અને વિશ્વનાથ જાની તથા તેની આસપાસના અન્ય આખ્યાનકારો એટલે પ્રેમાનંદપૂર્વેની પરંપરા. કડવાનું કલેવર ઘડનારા આખ્યાનકાર તરીકે નાકરનું પ્રદાન આખ્યાનપરંપરામાં મહત્ત્વનું છે. કડવાના પ્રારંભે એક કે વિશેષ કડીનો મુખબંધ, મહત્ત્વની કથા વર્ણવતો ઢાળ અને અંતે બે પંક્તિનું વલણ જેમાં પછીની કથાનું ઇંગિત હોય છે. ચુસ્ત કડવા ઉપરાંત રાગ અને અવનવા ઢાળને પણ તેણે પ્રયોજેલા છે. નાકરે વિષયસામગ્રીની દૃષ્ટિએ મહાભારતનાં પર્વોને આખ્યાનના માધ્યમથી પોતાની રીતે રચી મહાભારતનું સર્જન કર્યું. ‘ઓખાહરણ’, ‘નળાખ્યાન’ અને ‘શગાળપુરી’માં પરંપરિત કથાનકને માનવભાવોની રેખાઓથી જીવંત બનાવીને રસપ્રદ રીતે પ્રયોજેલ છે. ‘ચંદ્રહાસઆખ્યાન’ની પરંપરાનો આરંભ નાકરથી થાય છે. નાકર પછી જાવડે ‘મૃગલીસંવાદ’ દ્વારા, સુરદાસે ‘શગાળપુરી’ અને ‘ધ્રુવાખ્યાન’ દ્વારા પરંપરા વહેતી રાખી છે. કથાનકમાં અલ્પ ફેરફારો અને લૌકિક માન્યતાઓથી વિશેષ કશું અહીં દૃષ્ટિગોચર થતું નથી. કેશવરાયનું ‘કૃષ્ણક્રીડિત’ અને વસ્તા ડોડિયાનું ‘શુકદેવાખ્યાન’ પણ પરંપરાને જીવંત રાખતી આખ્યાનકૃતિઓ છે. વજીયો ‘રણજંગ’ દ્વારા રામાયણ કથાનકમાંથી યુદ્ધનો આગવો પ્રસંગ આખ્યાન માટે પસંદ કરે છે, પ્રેમાનંદને પણ ‘રણયજ્ઞ’ જેવું આખ્યાન રચવા પ્રેરે છે. ભાલણસુત વિષ્ણુદાસની કૃતિઓ તથા ભાલણસુત ઉદ્ધવની ‘રામાયણ’ અને ‘બબ્રુવાહનઆખ્યાન’ પણ પરંપરામાં વિષયસામગ્રીની દૃષ્ટિએ ઉલ્લેખનીય કૃતિઓ છે. વિષ્ણુદાસે નાકરની માફક મહાભારત મહાકાવ્યમાંથી આખ્યાનો તો સર્જ્યાં પણ તે ઉપરાંત રામાયણ ઉપરથી છ આખ્યાનો રચીને એક નવી પરંપરા સ્થાપી છે. આ ઉપરાંત એમના ‘મોસાળું’નો તો વિશ્વનાથ જાની અને એ પછી પ્રેમાનંદ પર પણ ભારે પ્રભાવ પડેલો જોઈ શકાય છે. એમની ‘અંબરીષાખ્યાન’ અને ‘હરિશ્ચંદ્રપુરી’ પણ મહત્ત્વની આખ્યાન કૃતિઓ છે. આ રીતે વિષ્ણુદાસે વિપુલ માત્રામાં આખ્યાનો રચીને પરંપરાને માત્ર વહેતી રાખી છે. ‘હરિશ્ચંદ્રપુરી’માંનું તારામતીનું રુદન સોરઠ રાગમાં છે. વૃત્ત, રાગ, દેશી અને ઢાળ સંદર્ભે પરંપરાને સ્થિર કરવા ઉપરાંત આટલું નાનકડું પ્રદાન પણ પરંપરામાં મહત્ત્વનું છે. વિષ્ણુદાસ પછી વિષયસામગ્રીની દૃષ્ટિએ ગોપાળદાસે ‘વલ્લભાખ્યાન’ રચીને વૈષ્ણવસંપ્રદાયના વલ્લભાચાર્યનું ચરિત્ર રાગ-રાગિણીમાં આખ્યાનસ્વરૂપે ગૂંથ્યું તેનું મહત્ત્વ ઘણું છે. ભાણદાસે ‘પ્રહ્લાદાખ્યાન’ દ્વારા, દેવીદાસે ‘રુકમણીહરણ’ દ્વારા નાનકડા કથાનકની આસપાસ આખ્યાન રચીને એક નવી પરંપરાનું નિર્માણ કર્યું છે. પરંપરાને જીવંત રાખનારા મંગલના ‘ધ્રુવાખ્યાન’ અને ‘જાલંધરાખ્યાન’, કાશીસુતશેધજીએ ‘વિરાટપર્વ’, ‘કહાને’, ‘ઓખાહરણ’, કૂઢજીએ ‘શગાળપુરી’, ગોવિંદ ઉપરાંત કૃષ્ણદાસે ‘મામેરું’ અને ભાઉએ મહાભારતના પર્વવિષયક આખ્યાનો રચ્યાં છે એ એક પરંપરિત વિષયને સ્થિર-સુદૃઢ કરતાં હોઈને મહત્ત્વનાં છે. વિશ્વનાથ જાની ‘મોસાળાચરિત્ર’ ને ‘’સગાળચરિત્ર એમ માત્ર બે જ આખ્યાનકૃતિઓ દ્વારા પરંપરાને સમૃદ્ધ કરે છે. ખાસ તો તેણે કથાસૃષ્ટિમાં જે રીતે માનવભાવોનું નિરૂપણ કર્યું એ અત્યંત મહત્ત્વનું છે. એની કથનકળા તો પ્રેમાનંદની સાથે સરખાવવા જેવી છે. વિશ્વનાથમાં પરંપરાનું તેજસ્વી અનુસન્ધાન માનવભાવોના નિરૂપણ રૂપે મહોર્યું છે. આખ્યાનપરંપરા વહેતી રહી અને એમાં સમયાનુક્રમે પ્રેમાનંદનો જ્યારે પ્રવેશ થાય છે ત્યારે આખ્યાનસ્વરૂપની દૃષ્ટિએ એમાં કશું ઉમેરણ કરવાનું નથી. એની સમક્ષ તૈયાર સ્વરૂપ છે. તૈયાર વિષયસામગ્રી છે. પરંપરાગતસ્વરૂપ અને વિષયસામગ્રીને જ એ ખપમાં લે છે. અલબત્ત, ‘સુધન્વાખ્યાન’ ‘મદાલશાઆખ્યાન’ અને નરસિંહ મહેતાના જીવનની વિવિધ દંતકથાઓને વિષય બનાવીને ‘વિવાહ’, ‘શ્રાદ્ધ’ અને ‘મામેરું’ જેવી આખ્યાનકૃતિઓમાં નવી વિષયસામગ્રી પ્રયોજી છે એમ કહી શકાય. એનું ખરું પ્રદાન તો છે કથનકળાકૌશલ્ય. જે એક જુદો અભ્યાસનો વિષય બને તેમ છે, પરંતુ આખ્યાનપરંપરામાં અહીં સુધી જે એક આછી રેખા ક્વચિત્ આંકી છે, દોરી છે એ માનવીકરણની – માનવભાવોના નિરૂપણની. આ માનવીકરણ – માનવભાવોનું નિરૂપણ પ્રેમાનંદે જે રીતે ‘નળાખ્યાન,’ ‘ઓખાહરણ’, ‘દશમસ્કંધ’, ‘મામેરું’ અને ‘અભિમન્યુઆખ્યાન’માં કર્યું છે એ માત્ર આખ્યાનપરંપરામાં જ નહિ પણ સમગ્ર મધ્યકાલીન સાહિત્યમાં વિરલ અને વિશિષ્ટ છે. વિવિધ માનવભાવો સમુચિત રીતે, ઉચિત સ્થાને પાત્રોમાં રોપ્યા અને એ પાત્રો ચિરંજીવ બની ગયાં. કથાને નવું પરિમાણ એના આ માનવીકરણથી મળ્યું છે. કથામાં થોડા ફેરફાર કરીને વિષયસામગ્રીનું જે રીતે નિરૂપણ થતું એ પરંપરાને તોડીને પોતાની રીતે પ્રેમાનંદ માનવભાવોથી ઘબકતી કથાનું નિર્માણ કરીને એક આગવી પરંપરા સ્થાપે છે. પુરોગામીઓએ જ્યાં પોતાનું વિત્ત વિશેષ નહોતું બતાવ્યું એ ભાગ પ્રેમાનંદને સ્પર્શે તેજસ્વી બનીને આપણને આંજી દે છે. એક પરંપરાનો પૂરેપૂરો ક્યાસ નીકળી ગયો. સ્વરૂપની તમામ ક્ષમતાઓ જાણે કે તગાઈ ગઈ હોય એવું આજે પણ લાગે છે. પ્રેમાનંદ પછી પણ આખ્યાનપરંપરા વહેતી રહી, કશું આગવું પ્રદાન એ પરંપરામાંથી પ્રાપ્ત થતું નથી, છતાં એનો મહિમા ઓછો તો નથી જ. કાલિદાસે છક્કડિયા, દુહા પ્રકારના ચંદ્રાવળામાં ‘ધ્રુવાખ્યાન’ રચ્યું છે. પુનરાવર્તનમાંથી જન્મતી ગેયતા અને ‘જૈ – જૈ વેકુંઠરાય’ લટકણિયું આખ્યાનપરંપરામાં સાચ્ચે જ ઉમેરણરૂપ છે. મૂળજીએ રચેલું ‘શ્રાદ્ધ’ પણ ચોપાઈ દુહાબંધમાં રચાયેલું આખ્યાન છે. ગેયતાને કારણે આ બંનેની માફક ભોજાનું ‘ચેલૈયાઆખ્યાન’ પણ ધ્યાનાર્હ છે. ગિરધરનું ‘રામાયણ’ તથા ‘રાજસૂયયજ્ઞ’ આખ્યાન પરંપરાની સાથે સીધું અનુસન્ધાન ધરાવતી આખ્યાનરચનાઓ છે. દયારામનું ‘રુકમણીહરણ’ અને ‘અજામિલાખ્યાન’ પણ પરંપરિત ઢાળના ઢંગનાં આખ્યાનો છે. જગન્નાથનું ‘સુદામાચરિત્ર’ વલ્લભ ભટ્ટનું ‘રેવામાહાત્મ્ય’ તોરાણાના રણછોડનું ‘નાસિકેતાખ્યાન’ અને નિષ્કુલાનંદનું ‘ધીરજાખ્યાન’ – આ સૌમાં પરંપરાનું અનુરણન સંભળાય છે. એક કલાસ્વરૂપ તરીકે આખ્યાનસાહિત્યે કેવો વિકાસ સાધ્યો એનું ચિત્ર પરંપરાને આધારે અહીં સ્પષ્ટ થાય છે. બાહ્ય આકાર અને વિષયસામગ્રીની પરંપરામાં માનવીકરણની – માનવભાવોના નિરૂપણરૂપ આંતરસત્ત્વ પ્રાપ્ત કરીને એક સત્ત્વશીલ કલાસ્વરૂપ તરીકેની મુદ્રા આખ્યાને ધારણ કરેલી જોઈ શકાય છે. બ.જા.